• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ઇઝરાયેલ: ભારતીયોને મળ્યાં PM, 5 વાર લાગ્યા મોદી-મોદીના નારા

By Shachi
|

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ઇઝરાયેલની મુલાકાતે છે. મંગળવારે જ્યારે પીએમ મોદી ઇઝરાયેલના એરપોર્ટ પર ઉતર્યા ત્યારે ત્યાંના વડાપ્રધાને ખૂબ ઉમળકાભેર તેમનું સ્વાગત કર્યું હતું. ઇઝરાયેલના શહેર તેલ અવીવના કન્વેન્શન સેન્ટરમાં પીએમ મોદીએ ભારતીય સમુદાયનું સંબોધન કર્યું હતું. કાર્યક્રમની શરૂઆત ઇઝરાયેલના વડાપ્રધાનના સંબોધનથી થઇ હતી અને તેમણે 'નમસ્તે' કહી સંબધોન શરૂ કર્યું હતું. તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે, આપણે હંમેશા એ વાત યા રાખીશું કે, આપણી વચ્ચે એક હ્યુમન બ્રિજ છે. તેમણે પીએમ મોદીને ઉલ્લેખીને કહ્યું કે, અમને તમારા માટે ખૂબ માન છે અને અમે તમને ખૂબ પ્રેમ કરીએ છીએ.

5 વાર લાગ્યા મોદીના નામના નારા

5 વાર લાગ્યા મોદીના નામના નારા

આ કાર્યક્રમ દરમિયાન ઇઝરાયેલના લોકો નરેન્દ્ર મોદીથી એટલા પ્રભાવિત થયા કે, આખા કાર્યક્રમ દરમિયાન પાંચ વાર મોદીના નામના નારા લાગ્યા હતા. અહીં પીએમ મોદીએ પોતાના સંબોધનની શરૂઆત કરતાં કહ્યું કે, '70 વર્ષોમાં પહેલીવાર ભારતના કોઇ વડાપ્રધાન ઇઝરાયેલની ધરતી પર તમારા આશીર્વાદ લેવા આવ્યા છે. બેંજામિન નેતાન્યાહુએ જે રીતે મને સન્માન આપ્યું, એ સવા સો કરોડ દેશવાસીઓએ આપેલ સન્માન છે, જેને હું ક્યારેય નહીં ભૂલું. અમારી વચ્ચે એક સમાનતા છે, અમારા બંન્નેનો જન્મ અમારા દેશની સ્વતંત્રતા બાદ થયો. નેતાન્યાહુને ભારતીય ભોજન ખૂબ પસંદ છે. ઇઝરાયેલ અને ભારતના તહેવારોમાં પણ કેટલીક સમાનતા છે. ભારતમાં હોળીનો તહેવાર ઉજવાય ત્યારે ઇઝરાયેલમાં પરિનની ઉજવણી થાય છે. ભારતમાં દીવાળી આવે ત્યારે અહીં હનૂકાની ઉજવણી થાય છે.' આ સાથે જ તેમણે ગુરૂવારથી શરૂ થઇ રહેલાં ખેલ સમારંભ માટે ઇઝરાયેલના તમામ દેશવાસીઓને શુભકામના પાઠવી હતી.

'અમે રાત્રે 2.30 વાગ્યા સુધી ગપ્પા માર્યા'

'અમે રાત્રે 2.30 વાગ્યા સુધી ગપ્પા માર્યા'

પીએમ મોદીએ પોતાની વાત આગળ વધારતાં કહ્યું કે, 'હાઇફાને આઝાદી અપાવવામાં ભારતીય સૈનિકોનો મહત્વપૂર્ણ ફાળો છે, હું તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે કાલે હાઇફા જઇ રહ્યો છું.' નેતાન્યાહુ અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, 'અમે કાલે ઘણી વાતો કરી, 2.30 વાગ્યા સુધી અમે ગપ્પા મારતા હતા. ત્યાંથી નીકળતી વખતે તેમણે મને બીજા વિશ્વયુદ્ધની એક તસવીર આપી, જે ભારતીય સેનાનું એક શાનદાર પરિદ્રષ્ય દેખાડે છે.'

'ઇઝરાયેલમાં મરાઠી ભાષાનું સામાયિક 'માઇબોલી' પ્રકાશિત થાય છે, આ જાણીને મને ખૂબ ખુશી થઇ. અહીં જ્યુઇશ સમુદાયના લોકો ઓણમની ઉજવણી પણ ખૂબ ધામધૂમથી કરે છે. ઓલ ઇન્ડિયા રેડિયોની સિગ્નેચર ટ્યૂન પણ જ્યૂઇશ સમુદાયના વૉલ્ટર કૉપમેનને તૈયાર કરી હતી, એ સમયે તેઓ ભારતના મુંબઇ(બોમ્બે)માં ઑલ ઇન્ડિયા રેડિયોના પ્રમુખ હતા.'

'સ્વાસ્થ્યના ક્ષેત્રે ભારતીયોએ ઇઝરાયેલમાં મહત્વપૂર્ણ કામ કર્યું છે. તેમનું નામ છે ડૉક્ટર લૉયલ બેસ્ટ, તેમને પ્રવાસી ભારતીય એવોર્ડથી સન્માનિત પણ કરવામાં આવ્યા છે. તેઓ એક જાણીતા કાર્ડિયો સર્જન છે અને મૂળ અમદાવાદ, ગુજરાતના છે.'

'મારી સરકારનો મંત્ર છે, રિફોર્મ, પરફોર્મ, ટ્રાન્સફોર્મ'

'મારી સરકારનો મંત્ર છે, રિફોર્મ, પરફોર્મ, ટ્રાન્સફોર્મ'

'મારી સરકારનો મંત્ર છે, રિફોર્મ, પરફોર્મ, ટ્રાન્સફોર્મ. 1 જુલાઇના રોજ ભારતમાં જીએસટી લાગુ કરવામાં આવ્યો. લગભગ એક દશકાથી ભારત એક દેશ, એક ટેક્સનું સપનું જોઇ રહ્યું હતું, જે આખારે સાકાર થયું છે. આ પહેલાં 500થી પણ વધુ ટેક્સ હતા, જે હવે સમાપ્ત કરવામાં આવ્યા છે. જે રીતે સરદારે રાજા-રજવાડાઓને એક કર્યાં હતા, કઇંક એ જ રીતે આર્થિક એકાકીકરણ કરવામાં આવ્યું છે.'

'વર્ષ 2022માં અમારા દેશની આઝાદીને 75 વર્ષ પૂર્ણ થશે, ત્યાં સુધીમાં દેશને નવી ઊંચાઇએ લઇ જવાનો છે. ત્યાં સુધીમાં ભારતના દરેક પરિવારને પોતાનું એક ઘર આપવાનું છે, દરેક ઘરમાં પાણી અને વીજળીની સુવિધા પૂરી પાડવાની છે.'

'પહેલા કંપનીઓને ઇનકૉર્પોરેટ કરવામાં અનેક મહિના લાગી જતા હતા, હવે માત્ર થોડા દિવસોમાં જ આ કામ થઇ જાય છે. સ્ટાર્ટઅપ કંપની તો માત્ર એક જ દિવસમાં રજિસ્ટર થઇ જાય એવી સુવિધા કરવામાં આવી છે. ભારત દુનિયાનો સૌથી યુવા દેશ છે, અહીંની 65 ટકા જનસંખ્યાની ઉંમર 35 વર્ષથી ઓછી છે. જે દેશમાં યુવાઓની સંખ્યા વધુ હોય, એ દેશના સપના પણ વધુ યુવા હોય છે.'

'મેટરનીટિ લીવ સૌથી વધારે'

'મેટરનીટિ લીવ સૌથી વધારે'

'દુનિયાભરમાં મહિલાઓને 12 અઠવાડિયાથી વધુ મેટરનીટિ લીવ નથી મળતી, પરંતુ ભારતમાં આ લીવ 26 અઠવાડિયાની કરવામાં આવી છે. એટલે કે, આ સમય દરમિયાન મહિલાને લગભગ 6 મહિનાની રજા મળે છે.' યૂએએન અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, 'પહેલાં મજૂરો ઘણી જગ્યાઓએ થોડા-થોડા પૈસા છોડી દેતા હતા. આ કારણે ઇપીએફ ખાતામાં 27 હજાર કરોડ રૂપિયા જમા થયા હતા. આ માટે યૂએએનની શરૂઆત કરવામાં આવી, જે પછી હવે દરેક મજૂરને પોતાના પૈસા મળશે, ભલે તે કોઇ પણ કંપનીમાં કોઇ પણ સ્થાને નોકરી કરતો હોય.'

'છેલ્લા 3 વર્ષોમાં ભારતમાં લગભગ 1200 જૂના કાયદાઓ સમાપ્ત કરવામાં આવ્યા, આ પણ રિફોર્મનો જ એક ભાગ છે. કેન્દ્ર સરકારની નીતિઓના પરિણામે ખેડૂતોનું ઉત્પાદન વધ્યું છે. બીજથી લઇને બજાર સુધીની ખેડૂતોની દરેક સમસ્યાનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ખેતરોમાં પાણી પહોંચાડવા માટે પ્રધાનમંત્રી સિંચાઇ યોજના લાગુ કરવામાં આવી છે. સારી ગુણવત્તાના બીજ અને માટીની તપાસની દિશામાં પણ કામ થઇ રહ્યું છે.'

'સરકાર ખેડૂતોના જોખમો ઓછા કરવા પર તથા ખેડૂતોનું દેવું માફ કરવા અંગે પણ કામ કરી રહી છે. સરકારે રિસ્ક એમાઉન્ટમાં વધારો કર્યો છે અને પ્રીમિયમમાં ઘટાડો કર્યો છે. સરકાર દ્વારા કિસાન સંપદા યોજનાની પણ શરૂઆત કરવામાં આવી છે. સપ્લાઇ ચેન નબળી હોવાને કારણે દેશમાં ઘણું નુકસાન થઇ રહ્યું છે, માટે સરકારે આ તરફ પણ ધ્યાન આપવાનું શરૂ કર્યું છે. ખેતી ક્ષેત્રે ઇઝરાયેલનો સાથ ભારતની મદદ કરી શકે છે. ડિફેન્સમાં પણ ભારતને ઇઝરાયેલનો સાથ મળે તો ભારતને ઘણો ફાયદો થશે.'

દિલ્હી-મુંબઇ-તેલ અવીવ વિમાન સેવા

દિલ્હી-મુંબઇ-તેલ અવીવ વિમાન સેવા

'મને જાણકારી મળી છે કે, ઇઝરાયેલમાં રહેતા ભારતીય સમુદાયના લોકોને ઓસીઆઇ અને પીઓઆઇ કાર્ડ સાથે સંબંધિત અનેક મુશ્કેલીઓ થઇ રહી છે. જે સંબંધો મનથી જોડાયેલા હોય, તે કોઇ કાર્ડ કે કાગળ પર આધારિત ન હોઇ શકે. ભારત કોઇને ઓસીઆઇ કાર્ડ આપવાની ના નહીં પાડે. જો ભારતીય જ્યૂઇશ સમુદાયને ઓસીઆઇ કાર્ડ ન મળે, તો કાર્ડનો હેતુ જ પૂરો નથી થતો. હું તમને ખાતરી આપું છું કે, ભારતીય સમુદાયના જે લોકોને ભારતમાં ફરજિયાત આર્મી સર્વિસ કરી છે, તેમને પણ હવેથી ઓસીઆઇ કાર્ડ મળશે. હજુ સુધી પીઓઆઇ કાર્ડને ઓસીઆઇ કાર્ડમાં બદલવાની સુવિધા નહોતી, પરંતુ હવે તમે એવું કરી શકશો.'

'ટૂંક સમયમાં જ ભારત સરકાર ઇઝરાયેલમાં ઇન્ડિયન કલ્ચર સેન્ટર ખોલશે. ભારતનો વાસ તમારા હૃદયમાં છે અને આ ઇન્ડિયન કલ્ચર સેન્ટર તમને ભારતીય સંસ્કૃતિ સાથે જોડીને રાખશે. હું ઇઝરાયેલના નવયુવાનોને પણ ભારત આવવાનું આમંત્રણ આપું છું. બંન્ને દેશો વચ્ચે માનવીય મૂલ્યોની ભાગીદારી છે.' અંતે પીએમ મોદીએ કહ્યું કે, 'હું જ્યૂઇશ સમુદાયના લોકોનો હૃદયથી આભાર માનું છું.' આ સાથે જે તેમણે દિલ્હી-મુંબઇ-તેલ અવીવ વિમાન સેવા શરૂ કરવાની જાહેરાત પણ કરી. ત્યાર બાદ તેમણે 'તોદા, તોદા રબ્બા' કહી તમામ ઇઝરાયેલવાસીઓનો આભાર માન્યો.

English summary
PM Narendra Modi in Tel Aviv Convention Center of Israel.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more