
પાકિસ્તાનમાં રાજકીય સંકટ, ઈમરાન ખાનની સરકાર મુશ્કેલીમાં
ઈસ્લામાબાદ : પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન છેલ્લા કેટલાક દિવસોથી જબરદસ્ત રાજકીય સંકટમાં ફસાયેલા છે. એવું માનવામાં આવે છે કે, રાજકીય રીતે ઘેરાયેલા 'કેપ્ટન' વડાપ્રધાન તરીકેની 5 વર્ષની ઈનિંગ પૂરી કરતા પહેલા 'આઉટ' થઈ જશે. તેમને આ મુસીબતમાં મૂકવામાં ઘણા મોટા વિપક્ષી નેતાઓની ભૂમિકા રહી છે, જેમાં પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના ભાઈ શાહબાઝ શરીફ, તેમની પુત્રી મરિયમ નવાઝ, પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના નેતા બિલાવલ ભુટ્ટો ઝરદારી અને જમિયત ઉલેમા એ ઈસ્લામના પ્રમુખ મૌલાના ફઝલુર શામેલ છે.
શાહબાઝ શરીફ : મિયાં મોહમ્મદ શાહબાઝ શરીફ પાકિસ્તાનના પ્રખ્યાત રાજકારણી, પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાઝ ગ્રુપ) ના અગ્રણી સભ્ય અને પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન મિયાં મોહમ્મદ નવાઝ શરીફના ભાઈ છે. તેમનો જન્મ 1950માં લાહોરમાં થયો હતો. તેઓ 2013 થી 2018 સુધી પંજાબના સૌથી વધુ વસ્તી ધરાવતા પ્રાંતના મુખ્યમંત્રી હતા. હાલમાં તેઓ પાકિસ્તાનની સંસદમાં વિપક્ષના નેતા છે અને જો ઈમરાન ખાનની ખુરશી જશે, તો તેઓ વડપ્રધાન પદના આગામી દાવેદાર છે.
મરિયમ નવાઝ : પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની પુત્રી મરિયમ નવાઝ છેલ્લા કેટલાક સમયથી વડાપ્રધાન ઈમરાન ખાન વિરુદ્ધ અવાજ ઉઠાવી રહી છે. તેમના પિતા નવાઝ શરીફ જેલમાં ગયા બાદ તેમના આક્રમક વલણે પાકિસ્તાનમાં એક અલગ જ ચાહક વર્ગ ઉભો કર્યો છે. ઈમરાન ખાનની સરકારને ઘેરવામાં પણ મરિયમ નવાઝની ભૂમિકા ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જોકે, વડાપ્રધાનની ખુરશી સુધી પહોંચવામાં તેમની સામે સૌથી મોટો અવરોધ તેમના કાકા શાહબાઝ શરીફ પોતે છે.
બિલાવલ ભુટ્ટો ઝરદારી : બિલાવલ ભુટ્ટો ઝરદારી પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP) ના વર્તમાન પ્રમુખ છે. તેઓ પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ બેનઝીર ભુટ્ટો અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીના એકમાત્ર પુત્ર છે. 21 સપ્ટેમ્બર, 1988ના રોજ જન્મેલા બિલાવલ ભુટ્ટો પણ ઈમરાન ખાન વડાપ્રધાન બન્યા ત્યારથી તેમના પર સતત હુમલા કરતા રહ્યા છે. જોકે તેમની પાર્ટીની સ્થિતિ એવી નથી કે, તેઓ વડાપ્રધાન પદ પર દાવો કરી શકે, પરંતુ દેશની રાજનીતિમાં તેમની હાજરી એક મજબૂત ખેલાડી તરીકે નોંધવામાં આવી છે.
મૌલાના ફઝલુર રહેમાન : મૌલાના ફઝલુર રહેમાન ઇસ્લામિક કટ્ટરવાદી નેતા અને જમીયત ઉલેમા એ ઇસ્લામ (JUI) ના વર્તમાન પ્રમુખ છે. તેઓ પાકિસ્તાન ડેમોક્રેટિક મૂવમેન્ટ (PDM) ના કાર્યકારી પ્રમુખ પણ છે, જે ઈમરાન ખાનના શાસક પાકિસ્તાન તહરીક એ ઈન્સાફ વહીવટનો વિરોધ કરવા રચાયેલા રાજકીય પક્ષોના ગઠબંધન છે. મૌલાના રહેમાને સમયાંતરે ઈમરાન ખાનના શાસન માટે સમસ્યાઓ ઊભી કરી છે અને ઈમરાન ખાનને ઘેરનારા મોટા ખેલાડીઓમાંના એક છે.