વર્ષ 2021માં રેકૉર્ડ સંખ્યામાં પત્રકારોને જેલમાં નાખવામાં આવ્યા
નવી દિલ્લીઃ રિપોર્ટર્સ વિધાઉટ બૉર્ડર્સ(આરએસએફ)એ ગુરુવારે જણાવ્યુ કે વર્ષ 2021માં 46 પત્રકારો માર્યા ગયા અને દુનિયાભરમાં હાલમાં 488 મીડિયાકર્મીઓ જેલોમાં બંધ છે. આંતરરાષ્ટ્રીય સંસ્થા રિપોર્ટર્સ વિધાઉટ બૉર્ડર્સ દર વર્ષે પત્રકારો વિશે પોતાનો રિપોર્ટ જાહેર કરે છે. તેના જણાવ્યા મુજબ છેલ્લા 25 વર્ષોમાં માર્યા ગયેલા પત્રકારોની સંખ્યા આ વર્ષે સૌથી ઓછી છે. તેણે આનુ કારણ મધ્ય પૂર્વમાં સંઘર્ષમાં સ્થિરતાને ગણાવ્યુ છે.
પ્રેસની સ્વતંત્રતા માટે સંઘર્ષ કરનાર એનજીઓએ એક નિવેદનમાં કહ્યુ, '1995માં આરએસએફએ પોતાના વાર્ષિક આંકડા જાહેર કર્યા બાદથી પોતાના કામ માટે ધરપકડ કરાયેલ પત્રકારોની સંખ્યા એટલુ વધુ ક્યારેય નથી રહી.' મ્યાનમાર, બેલારુસ અને હોંગકોંગમાં મીડિયા પર કાર્યવાહીના કારણે ગયા વર્ષે આ સંખ્યા લગભગ 20 ટકા વધી છે.
આરએસએફે કહ્યુ કે તેણે ક્યારેય પણ આટલી વધુ મહિલા પત્રકારોની ધરપકડ નથી જોઈ. જેમની કુલ સંખ્યા 60 છે. ચીન 127 પત્રકારોને જેલમાં બંધ કરવા સાથે સૌથી ઉપર છે. હોંગકોંગમાં ચીની સરકારની કાર્યવાહીમાં પણ તેજી થઈ છે. આ વર્ષે જૂનમાં લોકતંત્ર સમર્થક વર્તમાનપત્ર ડેઈલીની ઑફિસમાં રેડ પાડવામાં આવી અને તેના સંપાદકો તેમજ પત્રકારોની ધરપકડ કરવામાં આવી. ત્યારબાદ વર્તમાનપત્ર બંધ થઈ ગયુ હતુ. મ્યાનમારમાં પણ 53 પત્રકારોને જેલમાં બંધ કરવામાં આવ્યા. ત્યારબાદ વિએટનામમાં 43, બેલારુસમાં 32 અને સઉદી અરબમાં 31 પત્રકારોને જેલોમાં નાખવામાં આવ્યા.
ભારતમાં પણ ઘણા પત્રકારો ઉપર કેસ નોંધાતા આવ્યા છે. ઘણા પત્રકારોને રિપોર્ટીંગ માટે ધરપકડ સુધીનો સામનો કરવો પડ્યો છે. રાજ્ય સરકારની ટીકા કરનાર પત્રકારો પર હુમલા પણ થયા છે. પત્રકારો ઉપર રાજદ્રોહ જેવા ગંભીર કેસ કરવા પર સુપ્રીમ કોર્ટ પણ ચિંતા વ્યક્ત કરી ચૂક્યુ છે.