• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સિકંદર, જેણે માત્ર 32 વર્ષની વયે સૌથી મોટા સામ્રાજ્યની સ્થાપના કરી હતી

By BBC News ગુજરાતી
|
Google Oneindia Gujarati News

તેમનામાં બાળપણથી જ કેટલીક ખાસ ક્ષમતા હતી. તેથી તેને જોનારાને લાગતું કે તેને ઈતિહાસમાં એક અસાધારણ વ્યક્તિ તરીકે યાદ કરવામાં આવશે.

તેમણે માત્ર 12 વર્ષની વયે એક જંગલી અને તોફાને ચડેલા ઘોડાને અંકુશમાં લીધો હતો. એ બ્યુસીફેલસ નામનો જંગલી અને કદમાં મોટો ઘોડો હતો. બ્યુસીફેલસ એ પછી આજીવન એ છોકરાનો સાથી બની રહ્યો હતો.

એ છોકરો મોટો થઈને અલેઝેન્ડર ધ ગ્રેટ એટલે કે મહાન સિકંદર તરીકે ખ્યાતિ પામ્યો હતો અને પ્રાચીન કાળની સૌથી વધુ પ્રસિદ્ધ વ્યક્તિઓ પૈકીનો એક બન્યો હતો.

મેસેડોનિયાના રહેવાસી સિકંદરનો જન્મ ઈસવી પૂર્વે 356માં થયો હતો. મેસેડોનિયા ત્યારે ઉત્તર ગ્રીકથી બાલ્કન સુધી ફેલાયેલું હતું. સિકંદરના પિતાના તેમના જ રક્ષકે હત્યા કરી નાખી હતી. એ પછી એક નવા રાજા બનવાનો સંઘર્ષ શરૂ થયો હતો.

એ સંઘર્ષમાં તેમણે તેમના બધા વિરોધીઓનો સફાયો કરી નાખ્યો હતો અને 20 વર્ષની વયે સિકંદર રાજા બની ગયા હતા.

એ પછી સિકંદરે 12 વર્ષ સુધી શાસન કર્યું હતું. તેમણે તેમના સૈનિકો સાથે 12,000 માઈલની વિજય યાત્રા કરી હતી.


મધ્ય એશિયા સુધી ફેલાયેલી હતી ગ્રીક સંસ્કૃતિ

એ સમયે તેમણે પર્સિયન સામ્રાજ્યના રાજા ડેરિયસ ત્રીજાને હરાવ્યો હતો અને મધ્ય એશિયા સુધી ગ્રીક સંસ્કૃતિનો પ્રસાર કર્યો હતો.

સિકંદરનો સિતારો ઝળહળતો હતો ત્યારે તેનું સામ્રાજ્ય પશ્ચિમમાં ગ્રીસથી માંડીને પૂર્વમાં આજના પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઈરાન, ઈરાક અને ઈજિપ્ત સુધી ફેલાયેલું હતું. સિકંદરને ઈતિહાસમાંના સૌથી વધુ પ્રભાવશાળી અને કુશળ નેતાઓ તથા સૈન્ય કમાન્ડરો પૈકીના એક ગણવામાં આવે છે.

સિકંદર પહેલાં મેસેડોનિયા માત્ર એક ભૌગોલિક પ્રદેશનું નામ હતું, પણ તે મજબૂત સામ્રાજ્ય ન હતું. જોકે, સિકંદરના પિતા ફિલિપ દ્વિતીયએ તે પ્રદેશને એક સંયુક્ત રાષ્ટ્રનું સ્વરૂપ આપ્યું હતું.

સિકંદરનાં માતા ઓલિમ્પિયાસ તેમના પિતા ફિલિપ દ્વિતીયનાં ત્રીજા કે ચોથાં પત્ની હતાં અને એ કારણે મહત્વનાં હતાં, કારણ કે તેમણે પરિવારના સૌથી પહેલા પુત્રને જન્મ આપ્યો હતો. એટલે કે સિકંદરના સ્વરૂપમાં તેમણે મેસેડોનિયાને એક ઉત્તરાધિકારી આપ્યો હતો.


અરસ્તૂએ આપ્યું શિક્ષણ

બ્રિટનની રીડિંગ યુનિવર્સિટીમાં ક્લાસિક્સનાં વ્યાખ્યાતા રેચલ માયર્સનું કહેવું છે કે સિકંદરને એ સમયે સર્વોત્તમ શિક્ષણ આપવામાં આવ્યું હતું. સિકંદર 13 વર્ષના હતા ત્યારે તેમના શિક્ષકોમાં અરસ્તૂ જેવા તત્ત્વજ્ઞાની પણ સમાવેશ થતો હતો.

રેચલ માયર્સ કહે છે કે "સિકંદરે અરસ્તૂ પાસેથી ગ્રીક સંસ્કૃતિ પર આધારિત શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. તેથી તેમને તત્ત્વજ્ઞાનના પાઠ ભણાવવામાં આવ્યા હતા અને ગ્રીસના બધા લોકોની માફક તેઓ પણ ઈલિયડ અને ઓડિસી જેવી કવિતાઓ લખનારા પ્રાચીન ગ્રીક કવિ હોમરની બાબતમાં સર્વજ્ઞાની હતા."

"સિકંદર માટે હોમરની કવિતાઓ બહુ જ મહત્વની હતી. યુદ્ધ દરમિયાન સિકંદર એ કવિતાનો કેટલોક હિસ્સો પોતાના ઓશીકા નીચે રાખીને ઊંઘતા હતા."

ઈલિયડ એક મહાકાવ્ય છે. તેમાં ટ્રોય શહેર અને ગ્રીસના લોકો વચ્ચેના યુદ્ધનાં અંતિમ વર્ષોની કહાણી કહેવામાં આવી છે. સિકંદર અને એ કથાના નાયક એક્લેસ વચ્ચે એક મજબૂત માનસિક સંબંધ બંધાઈ ગયો હતો.

એ ઉપરાંત સિકંદર ગ્રીસના દૈવી પાત્ર હરક્યૂલિસથી પણ બહુ પ્રભાવિત હતા. યુદ્ધ દરમિયાન સિકંદરના દિમાગમાં આ પાત્રો હતાં.


અદ્વિતીય શાસક

સિકંદર પર અરસ્તૂના શિષ્ય હોવાની અસર આજીવન રહી હતી. રિચેલ માયર્સ કહે છે કે "તમે કદાચ એવું વિચારશો કે અરસ્તૂ પાસે ગ્રીસના અભિજાત વર્ગના એક અકડું છોકરાને અદ્વિતીય શાસકમાં બદલવાની એ મોટી તક હતી."

"એવું સંપૂર્ણપણે તો થયું ન હતું, પણ સિકંદર જે રીતે ગ્રીક રાજ્યો સાથે વ્યવહાર કરતા હતા તેમાં અરસ્તૂએ આપેલા શિક્ષણનો મોટો પ્રભાવ હતો. એક ઘટના તેની સાક્ષી પૂરે છે."

"સિકંદર ગ્રીસના કોરિન્થ શહેરમાં વિખ્યાત તત્ત્વજ્ઞાની ડાયોજીનેસને મળવા ગયા હતા, જેથી તેમને તેમના કામ માટે શુભેચ્છા પાઠવી શકાય. સિકંદર ત્યાં પહોંચ્યા ત્યારે ડાયોજીનેસ બેઠા હતા."

"સિકંદરે ડાયોજીનેસને પૂછ્યું કે હું તમારા માટે શું કરી શકું? જવાબમાં ડાયોજીનેસે કહ્યું કે મારી સામેથી હઠી જાઓ, કારણ કે તમારા લીધે સૂર્યનો પ્રકાશ મારા સુધી પહોંચતો નથી."

સિકંદરે જવાબને, અરસ્તૂએ આપેલા શિક્ષણને કારણે જ સહન કરી શક્યા હતા.


સિકંદરની નબળાઈઓ

સિકંદર સત્તા પર આવ્યા એ સંબંધે માહિતી આફતાં બર્મિંગહમ યુનિવર્સિટીમાંના ક્લાસિક્સના પ્રોફેસર ડાયના સ્પેન્સર કહે છે કે "આપણે જાણીએ છીએ તેમ સિકંદરના પિતા ફિલિપ દ્વિતીયને અનેક પત્નીઓ હતી. તેમાં ક્લિયોપેટ્રા નામની એક મહિલા પણ હતી. તેણે સિકંદર તથા તેમની માતા માટે મુશ્કેલી સર્જી હતી."

"મા અને દીકરા બન્નેને લાગવા માંડ્યું હતું કે તેમના શરીરમાં મેસેડોનિયાનું લોહી નથી. એ હકીકતથી તેમની ગરિમાને આઘાત લાગતો હતો અને એ હકીકત રાજકીય રીતે પણ નુકસાનકારક હતી. સિંહાસન સુધી પહોંચવાની લડાઈમાં સિકંદરની એ નબળાઈ હતી."

ડાયના સ્પેન્સરના જણાવ્યા મુજબ, ફિલિપ દ્વિતીયનાં નવાં પત્ની ક્લિયોપેટ્રા નવાં રાણી બની શકે તેમ હતાં અને ફિલિપ પછી જે લોકો રાજા બનવાની સ્પર્ધામાં હતા એ લોકો માટે ક્લિયોપેટ્રા મદદગાર સાબિત થઈ શકે તેમ હતાં. એ કારણસર ક્લિયોપેટ્રા સિકંદરના રાજા બનવાના માર્ગમાં આડખિલી બની શકે તેમ હતાં.


રાજકીય સચ્ચાઈ

આ એક રાજકીય સત્ય હતું કે મેસેડોનિયા સાથે સંપૂર્ણ સંબંધ ધરાવતાં એક નવા પુરુષ ઉત્તરાધિકારી સામે આવવાની સાથે જ સિકંદર માટે મુશ્કેલીઓ સર્જાઈ શકે તેમ હતી. અનેક ઈતિહાસકારોએ એ પરિસ્થિતિની મનોવૈજ્ઞાનિક પૃષ્ઠભૂમિની વાત પણ કરી છે.

ડાયના સ્પેન્સરના જણાવ્યા અનુસાર, સિકંદર પોતે છ મહિના સુધી અજ્ઞાતવાસમાં ચાલ્યા ગયા હતા અને તેમનાં માતા પણ કેટલાક મહિનાઓ સુધી દરબારથી દૂર થઈ ગયાં હતાં. થોડા સમય પછી બાપ અને દીકરા વચ્ચે કડવાશ ઓછી થઈ ત્યારે સિકંદર પાછા ફર્યા હતા, પણ સંબંધમાં આવેલી સ્થગિતતા સિકંદરના રાજા બનાવાના માર્ગમાં આડખીલી બની ગઈ હતી.

"એક પરિસ્થિતિમાં બનેલી એક ઘટનાએ સિકંદરને સિંહાસન પર બેસાડ્યા હતા. કોઈ શુદ્ધ મેસેડોનિયન વ્યક્તિ સિકંદરના ઉત્તરાધિકારને પડકારી શકે એવી પરિસ્થિતિનું નિર્માણ જ સિકંદરે થવા દીધું ન હતું."


પર્સિયન સામ્રાજ્ય પર એક નજર

ડાયના સ્પેન્સરનું કહેવું છે કે સિકંદરનાં સાવકા બહેન એટલે કે ક્લિયોપેટ્રાનાં દીકરીનાં લગ્નમાં એક સલામતી રક્ષકે રાજા ફિલિપ દ્વિતીયની હત્યા કરી નાખી હતી. હત્યા કરીને નાસી રહેલા રક્ષકને પણ મારી નાખવામાં આવ્યો હતો. તેથી રાજા ફિલિપ દ્વિતીયની હત્યાનું કારણ શું હતું એ જાણી શકાયું ન હતું.

રાજા ફિલિપ દ્વિતીયની હત્યામાં સિકંદર તથા તેમની માતાનો હાથ હોવાનું માનવામાં આવે છે. એ હત્યા પછી સિકંદર થંભ્યા ન હતા. તેમના ઉત્તરાધિકારી બનવાના માર્ગમાં જોખમરૂપ હોય એવા તમામ લોકોની તેમણે એક-પછી-એક હત્યા કરી હતી.

પોતાના એકમાત્ર સાવકા પિતરાઈ ભાઈ ફિલિપ એરિડાઈસને બાદ કરતાં સિકંદરે તેમના તમામ ભાઈઓ, પિતરાઈ ભાઈઓ અને તેમના રાજા બનવાના માર્ગમાં અડચણ બને એવા તમામ લોકોને મારી નાખ્યા હતા. એ પૈકીના કેટલાકની તો બહૂ ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી.

આખરે સિકંદર સિંહાસન પર બિરાજમાન થયા હતા. એ પછી તેમની નજર પર્સિયન સામ્રાજ્ય પર હતી. ભૂમધ્ય સાગર સાથે જોડાયેલા પ્રદેશો 200થી વધુ વર્ષ સુધી પર્સિયન સામ્રાજ્યના શાસન હેઠળ રહ્યા હતા. પર્સિયન સામ્રાજ્ય ઈતિહાસના વાસ્તવિક સુપર પાવર્સ પૈકીનું એક હતું.


યુદ્ધની વ્યૂહરચનામાં નિપુણ

પર્સિયન સામ્રાજ્યની સીમા ભારતથી શરૂ કરીને ઈજિપ્ત અને ઉત્તર ગ્રીસ સુધી ફેલાયેલી હતી, પણ એ મહાન સામ્રાજ્યનો ખાતમો સિકંદરને હાથે થયો હતો.

પર્સિયન સામ્રાજ્યની સરખામણીએ એક નાના પરંતુ પ્રભાવશાળી સૈન્ય દ્વારા રાજા ડેરિયસ ત્રીજાના પરાજયને ઈતિહાસમાં એક મહત્ત્વપૂર્ણ વળાંક ગણવામાં આવે છે.

એ યુદ્ધના પરિણામે એક પ્રાચીન સુપર પાવરનું પતન થયું હતું અને એક નવા તથા વિશાળ સામ્રાજ્ય મારફત ગ્રીક સંસ્કૃતિ તથા સભ્યતાનો પ્રસાર થયો હતો.

ઈતિહાસકારો લખે છે કે સિકંદરના વિજયનું શ્રેય તેના પિતાને ફાળે પણ જાય છે. સિકંદરના પિતા ઉત્તમ સૈન્યનો વારસો આપીને મૃત્યુ પામ્યા હતા. એ સૈન્યનું નેતૃત્વ બહોળો અનુભવ ધરાવતા વફાદાર સેનાપતિઓ કરતા હતા.

જોકે, એક ચાલાક અને કુશળ દુશ્મનને તેના જ પ્રદેશમાં હરાવવાનું મુશ્કેલ હતું, પણ તે વિજય સિકંદરની એક નેતા તરીકેની બુદ્ધિમત્તા અને યુદ્ધ વ્યૂહરચનામાં નિપુણતાની કમાલ હતો.


સિકંદરનું સૈન્ય

મેસેડોનિયાના લોકો પહેલેથી જ એક સૈન્યશક્તિ ન હતા. ગ્રીસમાં એથેન્સ, સ્પાર્ટા અને થેબ્સ રાજ્ય ઐતિહાસિક રીતે શક્તિનાં સ્રોત હતાં. એ રાજ્યોના લોકો મેસેડોનિયાના લોકોને બાર્બેરિયન એટલે કે જંગલી કહેતા હતા.

સિકંદરના પિતા રાજા ફિલિપ દ્વિતીયએ મેસેડોનિયાના લશ્કરને એકલા હાથે એક પ્રભાવશાળી સૈન્ય બનાવ્યું હતું. એ સૈન્યનો ડર તે પ્રાચીન સમયમાં દૂર-દૂર સુધી ફેલાઈ ગયો હતો. રાજા ફિલિપ દ્વિતીયએ મેસેડોનિયાના સમગ્ર સમાજને એક પ્રોફેશનલ સૈન્ય સાથે ફરી સંગઠીત કર્યો હતો.

ઉચ્ચ કક્ષાનું પાયદળ, ઘોડેસવાર ટૂકડીઓ, ભાલા ફેંકવામાં અને તિરંદાજીમાં નિષ્ણાત લોકો એ સૈન્યનો હિસ્સો હતા. રાજા ફિલિપ દ્વિતીયના મૃત્યુ પછી એ સૈન્ય સિકંદરને વારસામાં મળ્યું હતું. સિકંદર એક બુદ્ધિશાળી વ્યૂહરચનાકાર હતા.

સિકંદર જાણતા હતા કે ગ્રીસ પર ભય અને શક્તિ વડે શાસન કરી શકાય નહીં. પર્સિયન સામ્રાજ્ય દ્વારા એક સદી પહેલાં ગ્રીસ પર કરવામાં આવેલા હુમલાની ઘટનાનો સિકંદરે રાજકીય રીતે ઉપયોગ કર્યો હતો અને પર્સિયા પરના પોતાના હુમલાને દેશભક્તિ સાથે સાંકળીને યોગ્ય ઠરાવ્યો હતો.


પર્સિયન સામ્રાજ્યનું જંગી સૈન્ય

સિકંદરે કુપ્રચાર શરૂ કર્યો હતો. તેમાં જણાવવામાં આવ્યું હતું કે મેસેડોનિયાના લોકો આખા ગ્રીસ તરફથી પર્સિયા પર હુમલા કરી રહ્યા છે. જોકે, એક સદી પહેલાં પર્સિયન સામ્રાજ્ય અને ગ્રીસ વચ્ચે થયેલી લડાઈમાં મેસેડોનિયા સામેલ જ ન હતું.

ઈસવી પૂર્વે 334માં સિકંદરનું સૈન્ય પર્સિયન સામ્રાજ્યમાં દાખલ થયું હતું. સિકંદરના સૈન્યમાં એ વખતે 50,000 લોકો હતા અને તેમણે વિશ્વના સૌથી મોટા તથા સૌથી વધુ તાલીમબદ્ધ સૈન્યનો સામનો કરવાનો હતો.

એક અનુમાન મુજબ, રાજા ડેરિયસ તૃતીયના સૈન્યમાં 25 લાખ લોકો હતા અને એ સૈન્ય સમગ્ર સામ્રાજ્યમાં ફેલાયેલું હતું. એ સૈન્યનું હૃદય ગણતી ટુકડીને 'અમર સેના' કહેવામાં આવતી હતી. એ 10,000 ઉત્કૃષ્ટ સૈનિકોની બનેલી એક રેજિમેન્ટ હતી.

એ રેજિમેન્ટના સૈનિકોની સંખ્યા 10,000થી ઓછી ક્યારેય થવા દેવાતી ન હતી. યુદ્ધ દરમિયાન એ રેજિમેન્ટનો કોઈ સૈનિક મૃત્યુ પામે તો બીજો સૈનિક તરત જ તેનું સ્થાન લઈ લેતો હતો અને તેની કુલ સંખ્યા 10,000 જ રહેતી હતી.


સિકંદરનો પર્સિયા પર વિજય

પર્સિયાની સૈન્ય શક્તિ આટલી જંગી હોવા છતાં સિકંદરની અત્યંત પ્રભાવશાળી અને બુદ્ધિગમ્ય વ્યૂહરચનાને કારણે પર્સિયાનું સામ્રાજ્ય હારી ગયું હતું.

ઇતિહાસકારોના જણાવ્યા અનુસાર, પર્સિયન સામ્રાજ્યની હારનું એક કારણ એ પણ હતું કે તેનું પતન પહેલાંથી જ શરૂ થઈ ગયું હતું અને ઈસવી પૂર્વે પાંચમી સદીમાં ગ્રીસમાં સતત હાર્યા પછી તેનું વિસ્તરણ અટકી ગયું હતું.

સિકંદર ઈસવી પૂર્વે 324માં પર્સિયાના સૂસા શહેરમાં પહોંચ્યા હતા. તેઓ પર્સિયા તથા મેસેડોનિયાના લોકોને એક કરવા અને એક એવો વંશ પેદા કરવા ઇચ્છતા હતા જે માત્ર તેમના પ્રત્યે વફાદાર હોય.

સિકંદરે તેમના અનેક સેનાપતિઓ તથા અધિકારીઓને પર્સિયાની રાજકુમારીઓ સાથે લગ્ન કરવાનો આદેશ આપ્યો હતો. એ માટે એક સમૂહ લગ્ન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. સિકંદરે પોતે તેના માટે પણ બે પત્નીઓની પસંદગી કરી હતી.

સિકંદરનું સત્તા પર આવવું, વિજય મેળવવો અને પછી તેનું પતન આ બધું બહુ થોડા સમયમાં થયું હતું.


રોમન ઈતિહાસકારો શું કહે છે?

ડાયના સ્પેન્સર જણાવે છે કે રોમન ઈતિહાસકારોના જણાવ્યા મુજબ, સિકંદર ક્યારેક નશામાં ચકચૂર થઈ જતા હતા અને એક રાતે ભોજન પછી સિકંદરે નશાની હાલતમાં તેના નજીકના એક દોસ્તની હત્યા કરી હતી.

સિકંદર નશાને કારણે બહુ ગુસ્સે થતાં એ વિશે અને તેના તરંગી વર્તનની ઘણી ઘટનાઓ રોમન ઇતિહાસકારોએ નોંધી છે. જોકે, એ બધાની સચ્ચાઈ બાબત પણ શંકા છે.

"સિકંદરે જેની હત્યા કરી હતી એ તેમનો દોસ્ત ક્લેટિયસ હતો, જે સિકંદરના પરિવારની ખૂબ નજીક હતો. એ સિકંદરને હંમેશાં સાચી સલાહ આપતો હતો. તે દરેક લડાઈમાં સિકંદરનો જમણો હાથ બની રહ્યો હતો. ઘટના બની એ દિવસે સિકંદરે બહુ દારૂ પીધો હતો. એ વખતે ક્લેટિયસે તેમને કહ્યું હતું કે તમારું વ્યક્તિત્વ બદલાઈ રહ્યું છે. તમારે તમારી જાત પર અંકુશ મેળવવાની જરૂર છે. તમે પર્સિયન લોકો જેવા થતા જાઓ છો. એવું લાગે છે કે તમે અમારા પૈકીના એક નથી. ક્લેટિયસે આ બધું ખોટા સમયે સિકંદરને કહ્યું હતું. એ સમયે સિકંદર તેમની જગ્યાએથી ઉઠ્યા હતા અને તેમણે ક્લેટિયસની છાતીમાં ભાલો ભોંકી દીધો હતો."


રહસ્યમય બીમારીથી મોત

https://www.youtube.com/watch?v=lCLeIyH5hjU

સિકંદરે મેળવેલા અસંખ્ય વિજય અને તેના વ્યક્તિત્વના આકર્ષણને કારણે પ્રાચીન ગ્રીસના લોકો તેને સામાન્ય માણસ નહીં, પણ ભગવાનની માફક પૂજવા લાગ્યા હતા. ખુદ સિકંદરને પણ ખાતરી થઈ ગઈ હતી કે એ માણસ નહીં, ભગવાન જ છે.

પર્સિયન સામ્રાજ્ય પર વિજય મેળવ્યા બાદ સિકંદરનું સૈન્ય પૂર્વ દિશામાં આગળ વધ્યું હતું અને ભારત સુધી પહોંચી ગયું હતું. એ પછી સિકંદર મેસેનોડિના પાછા ફરતા હતા, પણ તેમની નસીબમાં વતન પાછા ફરવાનું લખ્યું ન હતું.

ઈસવી પૂર્વે 323માં 32 વર્ષની વયે સિકંદરનું બેબીલોન (હાલના ઈરાક) પ્રદેશમાં પહોંચ્યા પછી એક રહસ્યમય બીમારીને કારણે અચાનક મોત થયું હતું.

કેટલાક ઇતિહાસકારો માને છે કે શરીર પરના ઘામાં થયેલા ઈન્ફેક્શનને લીધે સિકંદરનું મોત થયું હતું, જ્યારે કેટલાક એવું માને છે કે મલેરિયાને કારણે સિકંદરનું મોત થયું હતું.


ભારત આવવાનું કારણ શું?

પર્સિયન સામ્રાજ્ય પર વિજય મેળવ્યા બાદ સિકંદરને ભારત તરફ પ્રયાસ કરવાનું શા માટે જરૂરી લાગ્યું હતું?

ગ્રીક સંસ્કૃતિના પ્રોફસર પોલ કાર્ટિલેજનું કહેવું છે કે તેનાં ઘણાં કારણ હતાં.

સિકંદર એવું દર્શાવવા ઇચ્છતા હતા કે તેમના પિતા રાજા ફિલિપ દ્વિતીય જ્યાં પહોંચી શક્યા ન હતા ત્યાં સુધી પોતાના સામ્રાજ્યની સીમા વિસ્તરી ચૂકી છે.

"સામ્રાજ્યો માટે સીમાઓ જરૂરી હોય છે અને એ સીમા પછી શું તેની ચિંતા પણ સામ્રાજ્યોને સતત થતી હોય છે. આ વાતનું એક ઉદાહરણ રોમન સામ્રાજ્ય છે. જ્યારે સીઝરે બ્રિટન પર હુમલો કર્યો ત્યારે સિકંદર પણ તેના સામ્રાજ્યની સીમા વિસ્તારીને કાયમી સીમા બનાવતા હતા. આ તો રક્ષણાત્મક અર્થઘટન થયું, પણ રોમન અર્થઘટન એવું છે કે હરક્યૂલિસ અને ડાયોનિસસ જેવા દૈવી પાત્રો જ્યાં સુધી ગયાં છે એટલે હું પણ ત્યાં સુધી જઈશ, એવો વિચાર સિકંદરના દિમાગમાં હતો."

સતત મળેલા વિજયને કારણે સિકંદરને ખાતરી થઈ ગઈ હતી કે એ પ્રયાસ કરે તો ઇચ્છે ત્યાં સુધી આગળ વધી શકે છે. રીડિંગ યુનિવર્સિટીમાં ક્લાસિક્સનાં વ્યાખ્યાતા રેચલ માયર્સ કહે છે કે પોતાના જીવનના એ તબક્કે સિકંદર વાસ્તવિક સચ્ચાઈથી દૂર થઈ ગયા હતા કે કેમ એ પાયાનો સવાલ છે.

"ભારત પર વિજય મેળવવામાં સિકંદરે સ્થાનિક લોકોના વિરોધનો સામનો તો કરવો જ પડ્યો હતો, પરંતુ તેમણે તેમના સૈન્યની અંદરથી પણ એવા વિરોધનો કરવો પડ્યો હતો કે બસ, હવે બહુ થયું. મધ્ય એશિયામાં સિકંદરે ત્રણ વર્ષ જેટલો લાંબો સમય પસાર કર્યો હતો. એ દરમિયાન એવી અફવા ફેલાઈ હતી કે સિકંદરનું મોત થયું છે. એ અફવાને કારણે મધ્ય એશિયામાંના સિકંદરના સૈન્યમાં એક પ્રકારનો બળવો શરૂ થઈ ગયો હતો અને તેમણે પાછા ફરવાના પ્રયાસ શરૂ કર્યા હતા. હકીકતમાં સિકંદર ઘાયલ થયા હતા."

રિચેલ મેયર્સનું કહેવું છે કે સતત લડાઈઓ લડ્યા પછી સિકંદરના સ્વદેશ પાછા ફરવાનાં ત્રણ મોટાં કારણ હતાં. તેમાં તેમના સૈન્યની અંદરથી વિરોધ, માલસામાન તથા ખાદ્યસામગ્રીનો પૂરવઠો મેળવવામાં મુશ્કેલી અને પ્રાદેશિક સમસ્યાઓ તથા હવામાનનો સમાવેશ થાય છે.

કેટલાક ઇતિહાસકારો એવું માને છે કે સિકંદરનું આગામી લક્ષ્ય આરબ ક્ષેત્ર હતું, પણ સમય અને સંજોગોને કારણે તેઓ એ તરફ આગળ વધી શક્યા ન હતા.https://www.youtube.com/watch?v=BN-KR7VoJ5E

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
sikandar, who founded the largest empire at just 32 years old
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X