For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુદાન : 'મારી બહેનના માથા પર પગ મૂકીને છરીથી એનું માથું વાઢી નાખ્યું'

સુદાન : 'મારી બહેનના માથા પર પગ મૂકીને છરીથી એનું માથું વાઢી નાખ્યું'

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News

દક્ષિણ સુદાનની રચનાને 10 વર્ષ થયાં છે. નવાસવા દેશ પાસે ખનીજ તેલનો અનામત જથ્થો હોવા છતાં સૌથી ગરીબ અને અસ્થિર દેશ બનીને રહી ગયો છે.

જૂન 2011માં 1.1 કરોડની વસતિ ધરાવતો આ દેશ સુદાનથી સ્વતંત્ર જાહેર થયો હતો. જનમત લેવાયો તેમાં 99% લોકોએ અલગ રાષ્ટ્રની તરફેણ કરી હતી.

પ્રતીકાત્મક તસવીર

પરંતુ સ્વતંત્ર દેશ બન્યા પછી એક પછી એક આપત્તિ જ દેશ પર આવતી રહી છે.

સ્વતંત્ર દેશ બન્યાના થોડા જ વખતમાં ગૃહયુદ્ધ ફાટી નીકળ્યું હતું, જેમાં હજારો લોકો માર્યા ગયા અને લાખો લોકો વિસ્થાપિત થઈ ગયા હતા.

2018માં આંતરિક યુદ્ધને સમાપ્ત કરવા માટે સમાધાન થયાનું અને શસ્ત્રવિરામ જાહેર કરાયો. પરંતુ તે માત્ર કાગળ પર જ રહ્યો છે અને અનેક લોકો તેનો ભોગ બની રહ્યા છે, જેમાં ઇમાન્યુએલનો પણ સમાવેશ થાય છે.

બીબીસી સાથેની વાતચીતમાં 37 વર્ષના ઇમાન્યુએલ કહે છે કે તેમને એક સશસ્ત્ર ટોળકીએ ધમકી આપી હતી. પશ્ચિમ ઇક્વેટોરિયા પ્રાંતમાં આવેલું પોતાનું ગામ છોડીને તેમણે નીકળી જવું પડ્યું અને તે પછીય અનેક "અમાનવીય યાતના" ભોગવવી પડી તેની વાત તેમણે કરી.

તેમણે કહ્યું કે લોકોની હત્યા થતા અને તેમના શરીરના "ટુકડા કરી નખાતા" પોતે જોયા છે.

તેઓ કહે છે, "ગર્ભવતી મહિલાઓની પણ હત્યા કરી નાખી અને તેમની કૂખમાં રહેલા ભ્રૂણને પણ ખતમ કરી નાખ્યા."

"માતાની નજર સામે જ બાળકોને પતાવી દેવાયાં અને કેટલાય લોકોના ઘર પર બૉમ્બ ફેંકીને ખતમ કરી દેવાયા."

તેઓ વધુમાં કહે છે, "આ બધું જોઈને હું બહુ પીડાયો છું. પણ હું પોતે થૅરપિસ્ટ તરીકે કામ કરું છું અને હું આ પીડાઓમાંથી બેઠો થઈ શક્યો છું, કેમ કે દુખને કેમ વિસારી પાડવું તેનાં અનેક પુસ્તકો મેં વાંચ્યાં છે."


રાજકીય વિખવાદમાંથી વંશીય ઘર્ષણ

સુદાન

સ્વતંત્ર દેશ જાહેર થયો તે પછી ભૂતપૂર્વ બળવાખોરો હવે નેતાઓ થઈ ગયા હતા અને તેઓ નવી સરકારમાં પણ જોડાયા. નવું અને સમૃદ્ધ રાષ્ટ્ર તૈયાર કરવાની નેમ સાથે શાસન શરૂ થયું હતું.

દક્ષિણ સુદાનમાં સારા એવા પ્રમાણમાં ખનીજ તેલ મળે છે અને પ્રારંભમાં સરકારની ચિંતા હતી કે તેનું ઉત્પાદન ચાલતું રહે.

જોકે ખનીજ તેલની સંપત્તિના મામલે સુદાનની સરકાર સાથે બહુ વિખવાદ હતો, કેમ કે દક્ષિણ સુદાન અલગ થયું તે સાથે કુલ અનામત જથ્થામાંથી 75% ટકા હવે તેના હાથમાં હતો. પરંતુ ખનીજ તેલની નિકાસ માટે ખાર્ટુમ બંદર પર આધાર રાખવો પડે તેમ હતો.

આ વિખવાદો હતા અને તે સાથે જ સશસ્ત્ર વિદ્રોહ પણ થવા લાગ્યો અને સરહદે પણ અથડામણો થતી રહી.

સત્તા પર આવેલા એસપીએલએમ પક્ષમાં આંતરિક ઝઘડા થયા અને તેના કારણે જુલાઈ 2017માં દેશના સૌથી મોટા ડિન્કા કુળના પ્રમુખ સાલ્વા કિરે બીજા નંબરના સૌથી મોટા નુઅર કુળના ઉપપ્રમુખ રિક મચારને પદ પરથી હઠાવી દીધા.

કિરે આક્ષેપ મૂકેલો કે મચાર બળવો કરવા માગતા હતા. આ રાજકીય ઝઘડાએ થોડા જ વખતમાં વંશીય અથડામણનું રૂપ લઈ લીધું.


શસ્ત્રવિરામથી શાંતિ

સંયુક્ત રાષ્ટ્રસંઘે ટેમ્બૂરા નગરમાં નિરાશ્રિત છાવણી ખોલી છે ત્યાં હવે ઇમાન્યુએલ રહે છે. તેઓ કહે છે કે હાલમાં શસ્ત્રવિરામ થયો છે તે થોડી શાંતિ છે.

તેઓ કહે છે, "અત્યારે નગરમાં શાંતિ છે. લોકો બજારમાં જઈ શકે છે અને હવે કોઈ લડાઈ થતી નથી, પણ હજીય લોકોના મનમાં ફફડાટ છે."

જોકે હજી પોતાના ઘરે પાછા ફરે તેવી સ્થિતિ નથી. કેટલાંય મકાનોને સળગાવી દેવાયાં છે અને જંગલમાં હજીય સશસ્ત્ર ટોળકીઓ છુપાયેલી છે.

લોકો કહે છે કે ડિસેમ્બરની શરૂઆતમાં કેટલાક લોકો ખેતરે કામ કરવા ગયા ત્યારે તેમના પર ગોળીબાર થયો હતો.

સંયુક્ત રાષ્ટ્રસંઘના જણાવ્યા અનુસાર 20 લાખ જેટલા દક્ષિણ સુદાની દેશમાં જ નિરાશ્રિત થયેલા છે, જ્યારે તેનાથી વધારે 22 લાખ લોકો ઇથિયોપિયા, સુદાન અને યુગાન્ડામાં આશરો લેવા મજબૂર બન્યા છે.

મોટાં ભાગનાં નિરાશ્રિતો મહિલા અને બાળકો છે અને એકલાં જ સરહદ પાર કરીને જતાં રહ્યાં છે.

https://www.youtube.com/watch?v=0lSlKznEddU

ન્યૂયૉર્કની સાયરાકૂઝ યુનિવર્સિટીના એન્થ્રોપોલૉજીના પ્રોફેસર અને દક્ષિણ સુદાનને જાણનારા જૉક મેડૂત કહે છે કે 2018માં શસ્ત્રવિરામ માટે કરાર કરાયો ત્યારે વચગાળાના સમયમાં ઘણાં બધાં પરિવર્તનો માટેની શરતો રખાઈ હતી, પણ તેનો અમલ થયો નથી.

બીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે "સુરક્ષા માટેની વ્યવસ્થા બરાબર કરાઈ નથી. બીજું કે કેટલાંક જૂથોએ શાંતિકરારમાં સહી કરી નથી એટલે હિંસા પૂરી રીતે અટકાવી શકાઈ નથી."

કરારમાંનાં જૂથોમાં નેશનલ સાલ્વેશન ફ્રન્ટ છે, જે 2017થી સરકાર સામે લડી રહ્યું છે. આ ઉપરાંત SPLM-IO પક્ષમાંથી જુદા થયેલા ઉદ્દામવાદીઓ હજીય સરકાર સામે મોરચો માંડીને બેઠા છે.

તેઓ કહે છે, "મુખ્ય પક્ષો વચ્ચે શાંતિ કરાર થયા છે ખરા, પરંતુ સરકાર સામેનો વિરોધ સાવ ખતમ થયો નથી અને તેના કારણે નાગરિકોને ભોગવવું પડી રહ્યું છે."


'તે લોકો કોળાની જેમ કાપી નાખવાની ધમકી આપે છે'

ડિસેમ્બરની શરૂઆતમાં પ્રગટ થયેલા ઍમનેસ્ટી ઇન્ટરેનેશનલના અહેવાલમાં જણાવાયું છે કે હાલના સમયમાં દક્ષિણ-પશ્ચિમમાં ફરીથી તોફાનો શરૂ થયાં છે.

ઍમનેસ્ટીના જણાવ્યા અનુસાર પશ્ચિમ ઇક્વેટોરિયામાં જૂથો વચ્ચે અથડામણને કારણે જૂન અને ઑક્ટોબર વચ્ચે એક ડઝન જેટલા નાગરિકોની હત્યા થઈ છે અને 80,000 લોકોએ નિરાશ્રિત થવું પડ્યું છે.

ઍમનેસ્ટીએ વિસ્થાપિત થયેલા ડઝનબંધ લોકો સાથે મુલાકાત કરીને અહેવાલ તૈયાર કર્યો છે.

41 વર્ષીય એક મહિલાએ તેમને જણાવ્યું કે સપ્ટેમ્બરમાં તે લોકો નાસી રહ્યાં હતાં ત્યારે જંગલ વિસ્તારમાં તેમનાં મોટી બહેનને પકડી લેવામાં આવ્યાં હતાં.

"તે લોકોએ અમને બેસી જવા કહ્યું અને ધમકી આપી કે કોળાની જેમ કાપી નાખીશું."

આ મહિલાએ જણાવ્યું કે તેના હાથ પાછળ બાંધી દેવાયા હતા અને તેના 18 મહિના બાળકને પણ બાજુમાં રાખવામાં આવ્યો હતો.

તેમણે જણાવ્યું કે બાદમાં એક જણે "(મારી બહેનના) માથા પર પગ મૂક્યો અને છરીથી તેનું ગળું કાપી નાખ્યું"


'ઉજવણી કરવા કશું નથી'

સુદાન

આવી આફત વચ્ચે કુદરત પણ વીફરી અને 2019માં ભારે પૂરના કારણે દેશના બીજા હજારો લોકો ઘરવિહોણા થઈ ગયા હતા.

છેલ્લાં ત્રણ વર્ષથી દક્ષિણ સુદાનમાં ભારે પૂર આવી રહ્યાં છે અને 2021માં તો સતત છ મહિના સુધી ભારે વરસાદ વરસતો રહ્યો. ખાસ કરીને ઉત્તર અને પૂર્વના ચાર પ્રાંતોમાં ભારે કફોડી સ્થિતિ થઈ હતી.

સંયુક્ત રાષ્ટ્રસંઘના જણાવ્યા અનુસાર ભારે પૂરની સ્થિતિને કારણે 700,000 લોકોએ ઘર છોડીને સલામત સ્થળે ખસી જવું પડ્યું હતું.

પ્રોફેસર મેડૂત કહે છે, "એક રીતે વિચારો કે આઝાદીને 10 વર્ષ થયાં હોય ત્યારે તે ઉજવણીનો સમય કહેવાય."

"પરંતુ લોકોની સુખાકારીની વાત કરીએ તો કશું જ ઉજવણી કરવા જેવું નથી."

મેડૂત કહે છે કે સરકાર અત્યારે પૂરના કારણે લોકો ઘરવિહોણા થયા છે, પણ તોફાનોના કારણે નિરાશ્રિત થયેલા લોકોની મુશ્કેલીઓ પણ દૂર થઈ નથી.


'નાણાં જ નથી'

7 ફેબ્રુઆરી, 2018માં દક્ષિણ સુદાનના યામ્બિયોમાં એક બાળક સૈનિકમુક્તિ સમારોહ દરમિયાન

શાંતિકરાર થયા તેમાં એક શરત એ હતી કે વિસ્થાપિત થયેલા લોકોને ફરીથી તેમના વતનમાં થાળે પાડવા.

મેડૂત કહે છે, "લોકોને ફરી વસાવવા માટે સરકારે ભંડોળ ફાળવવું પડે તેમ છે, પણ સરકાર કહે છે કે તેની પાસે નાણાં જ નથી."

કોરોના રસીની વાત કરીએ ત્યારે પણ ખ્યાલ આવી જાય કે સરકાર પાસે ભંડોળ નથી. દુનિયાના આ સૌથી નવા દેશમાં સૌથી ઓછું રસીકરણ થયું છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાએ મધ્ય ડિસેમ્બરમાં જણાવ્યું હતું કે દક્ષિણ સુદાનમાં 1.1 કરોડની વસતિ સામે માત્ર પાંચ લાખ ડોઝ મળ્યા છે.

આમાંથી પણ અડધા ડોઝ હજી આપ્યા વિનાના પડ્યા છે. 2021ના અંત સુધીમાં દક્ષિણ સુદાનના માત્ર 2% લોકોને રસી મળી છે.

ઇમાન્યુએલ કહે છે કે તેમના ભાઈની હત્યા થઈ હતી અને તેમણે ખેતી છોડીને ભાગી નીકળવું પડ્યું હતું. બધું જ ગુમાવી ચૂકેલા ઇમાન્યુએલ કહે છે કે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને આંતરરાષ્ટ્રીય સમુદાય બધા ભેગા મળીને કામ કરે તો જ ટેમ્બુરા અને પશ્ચિમ ઇક્વેટોરિયામાં શાંતિની સ્થાપના થઈ શકે તેમ છે.

https://www.youtube.com/watch?v=zNF5hoTU__8

તેઓ કહે છે કે જંગલમાં છુપાયેલી સશસ્ત્ર ટોળકીઓને બહાર કાઢવી જરૂરી છે. તેમનાં હથિયાર હેઠાં મુકાવીને, જુદાં જુદાં જૂથો વચ્ચે વાતચીત કરવી જરૂરી છે.

ઇમાન્યુએલ વધુમાં જણાવે છે, "વધુ સહાયતાની પણ જરૂર છે. યુદ્ધની પીડામાંથી લોકોને કાઢવા જરૂરી છે. શાળાઓ તૂટી ગઈ છે તેને ફરીથી બનાવવી પડે તેમ છે."

પ્રોફેસર મેડૂત કહે છે કે સૌપ્રથમ તો કાનૂની તંત્રને સુધારવાની જરૂર છે અને તો જ સંઘર્ષનો અંત લાવી શકાશે.

તેઓ કહે છે, "અત્યારે તો ન્યાય મેળવવા માટે તમારે બદલો લેવા સિવાય કોઈ આરો હોતો નથી અને તેથી હિંસા ચાલતી રહે છે."

"રાજ્ય જ્યારે ભોગ બનેલા લોકોને ન્યાય આપી શકતું ના હોય ત્યારે પછી લોકો બદલો લેવાના માર્ગે જ જવાના."



https://www.youtube.com/watch?v=eD0Ua21xY-A

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
Sudan: 'I put my foot on my sister's head and cut off her head with a knife'
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X