સીરિયા પર હુમલો અમેરિકાના હિતમાં: ઓબામા
વોશિંગટન, 11 સપ્ટેમ્બરઃ અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ કહ્યું કે, સીરિયામાં બશર અલ અસદ સરકાર વિરુદ્ધ લક્ષિત સૈન્ય કાર્યવાહી અમેરિકન સુરક્ષા હિતોમાં છે. સીરિયામાં કથિત રાસાયણિક હુમલા બાદ ત્યાં સૈન્ય કાર્યવાહી માટે ઓબામાએ સમર્થન માંગ્યું છે. ઓબામાએ રાષ્ટ્રના નામે પોતાના સંબોધનમાં કહ્યું કે, સીરિયાની જમીન પર અમેરિકન સૈનિક નહીં ઉતારે. તેનાથી સ્પષ્ટ છે કે, ત્યાં હવાઇ કાર્યવાહી કરવામાં આવી શકે છે.
ગત મહિને સીરિયાની રાજધાની દમિશ્ક પાસે થયેલા કથિત રાસાયણિક હુમલા બાદ સીરિયા પર દબાણ વધી ગયું છે, અમેરિકાનું કહેવું છે કે, આ હુમલામાં 1429 લોકો માર્યા ગયા અને રાષ્ટ્રપતિ બશર અલ અસદની સરકાર તેના માટે જવાબદાર છે, પરંતુ અસદ આ આરોપોનો ઇન્કાર કરે છે, રશિયા અને ચીન પણ સીરિયામાં સૈન્ય હસ્તક્ષેપનો વિરોધ કરી રહ્યાં છે. ઓબામાએ આ મુદ્દે ફરી એકવાર રશિયા સહિત આંતરરાષ્ટ્રીય સમુદાયનું સમર્થન માંગ્યું છે, પરંતુ સ્પષ્ટ કર્યું છે કે, જો રાજકીય પ્રયાસ નિષ્ફળ રહ્યાં તો પણ સૈન્ય કાર્યવાહીનો માર્ગ ખુલ્લો રહેશે.
અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટન એવા પ્રસ્તાવનો મસોદો તૈયાર કરી રહ્યાં છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, જો સીરિયા પોતાના રાસાયણિક હથિયાર નહીં સોંપે તો તેની વિરુદ્ધ બળ પ્રયોગ થાય, પરંતુ રશિયન રાષ્ટ્રપતિ પુતિને એવા પ્રસ્તાવને ખારીજ કર્યો છે, જેમાં બળ પ્રયોગની વાત સામેલછે. એક અન્ય ઘટનાક્રમમાં અમેરિકન વિદેશ મંત્રી જોન કેરી ગુરુવારે સ્વિત્ઝરલેન્ડમાં રશિયા વિદેશમંત્રી સેરગેઇ લાવરોવને મળશે, પરંતુ તેમણે કહ્યું કે દમિશ્કમાં 21 ઑગસ્ટને કથિત રાસાયણિક હુમલા બાદ તેમનું મન બદલાઇ ગયું.
ઓબામાએ કહ્યું કે, મે એ વાતનો ઇરાદો કરી લીધો છે કે, અમેરિકા સીરિયામાં લક્ષિત સૈન્ય હુમલો કરશે, પરંતુ સીરિયાની જમીન પર અમેરિકન સૈનિકો નહીં ઉતરે. એક લક્ષિત કાર્યવાહી થકી અમે અમારું લક્ષ્ય સિદ્ધ કરીશું. અસદને એ સંદેશો હશે કે ભવિષ્યમાં કોઇ અન્ય તાનાશાહ આવું ના કરી શકે. તેમણે કહ્યું કે, અમેરિકાની રાષ્ટ્રિય સુરક્ષાને જોખમ છે અને તેમણે સીરિયામાં કાર્યવાહી માટે કોંગ્રેસનું સમર્થન માંગ્યું છે. ઓબામાએ કહ્યું કે, જો અમેરિકા કાર્યવાહી નહીં કરે તો ખરા અર્થમાં આપણે વ્યાપક વિનાશના હથિયારોના ઉપયોગ માટેનો રસ્તો ખોલી રહ્યાં છીએ, આવી દુનિયાનો અમે સ્વિકાર નથી કરતા.