તાલિબાનની દરિંદગી શરૂ, હેરાત શહેરમાં ક્રેન સાથે લાશો લટકાવી!
પાકિસ્તાન કહે છે કે તાલિબાન બદલાઈ ગયું છે અને ઉદારમતવાદીઓ તાલિબાનને માન્યતા આપે. પરંતુ તાલિબાનોએ નિર્દયતા દેખડવાનું શરૂ કર્યું છે. અફઘાનિસ્તાનના હેરાત શહેરના એક અહેવાલ મુજબ તાલિબાનોએ હેરાત શહેરના મુખ્ય ચોકમાં એક વ્યક્તિની હત્યા કરી તેને ક્રેનથી લટકાવી દીધો હતો. મૃતકના શરીર પર એક પોસ્ટર પણ ચોંટાડવામાં આવ્યું હતું.
એસોસિએટેડ પ્રેસે શનિવારે એક પ્રત્યક્ષદર્શીને ટાંકીને અહેવાલ આપ્યો કે, તાલિબાનોએ અફઘાનિસ્તાનના હેરાત શહેરના મુખ્ય ચોકમાં ક્રેન સાથે મૃતદેહ લટકાવ્યો હતો. અહેવાલો અનુસાર, સુન્ની પશ્તુન લડવૈયાઓ ચાર મૃતદેહોને અફઘાનિસ્તાનના ત્રીજા સૌથી મોટા શહેરના મુખ્ય ચોકમાં લાવ્યા હતા અને તેમાંથી એકનો મૃતદેહ હેરાત શહેરના બજારમાં લટકાવી દીધો હતો, જ્યારે ત્રણ મૃતદેહને લઈને જતા રહ્યા હતા. આ લાશોને તે અન્ય જગ્યાઓએ લટકાવવાના હતા. અહેવાલો છે કે તાલિબાનોએ હેરાત શહેરના જુદા જુદા વિસ્તારોમાં પણ અન્ય ત્રણ લોકોના મૃતદેહો લટકાવ્યા છે. ક્રેનથી લટકતી લાશનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે.
તાલિબાનેએ કહ્યું છે કે, આ ચારેય અપહરણના પ્રયાસમાં પકડાયા હતા અને પોલીસ દ્વારા માર્યા ગયા હતા. વજીર અહમદ સિદ્દીકી નામના પ્રત્યક્ષદર્શીના જણાવ્યા અનુસાર, તાલિબાન પોલીસે ચાર લોકોને પકડીને ગોળી મારી દીધી હતી અને પછી તેમાંથી એકનો મૃતદેહ ક્રેનથી લટકાવી દીધો હતો. જો કે, તાલિબાને હજુ સુધી હત્યાના જાહેરમાં પ્રદર્શન અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. પરંતુ મુલ્લા નૂરુદ્દીન તુરાબી, જે અગાઉના શાસન દરમિયાન શરિયા કાયદાને લાગુ કરવા માટે જવાબદાર હતા તેમણે ફરીથી કહ્યું છે કે તે મૃત્યુદંડ અને શિરચ્છેદને ફરીથી લાગુ કરી રહ્યા છે.
ઇસ્લામવાદી કટ્ટરવાદી તાલિબાનોએ દેશમાં ફરી કડક શરિયા કાયદો જાહેર કરીને ધાર્મિક પ્રચાર મંત્રાલયની પુનસ્થાપના કરી છે. 1996-2001 ની વચ્ચે આ તાલિબાન મંત્રાલયે ભયાનક હત્યાઓ કરી સેંકડો લોકોના શિરચ્છેદ કર્યા હતા, હજારો લોકોની નિર્દયતાથી હત્યા કરી હતી. શરિયા કાયદા હેઠળ ક્રૂર સજા અને આંતરરાષ્ટ્રીય માનવાધિકાર વિરુદ્ધ શરિયા કાયદા હેઠળ ભયાનક સજા આપવા માટે તાલિબાન કુખ્યાત હતું અને ફરી એકવાર તાલિબાનોએ તે જ નિર્દયતા બતાવવાનું શરૂ કર્યું છે.
તાલિબાનના એક અધિકારીએ તાજેતરમાં ન્યૂયોર્ક પોસ્ટને જણાવ્યું હતું કે, નવું શાસન દોષિતોને ઇસ્લામિક નિયમો અનુસાર સજા કરશે. સજાની જોગવાઈ વર્ણવતા અફઘાનિસ્તાનના સેન્ટ્રલ ઝોન માટે જવાબદાર હોવાનો દાવો કરનાર મોહમ્મદ યુસુફે જણાવ્યું કે, જે વ્યક્તિએ ઈરાદાપૂર્વક હત્યા કરી હશે તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવશે, પરંતુ જો હત્યા ઈરાદાપૂર્વક નહીં હોય તો બીજી સજા પણ હશે. યુસુફે કહ્યું કે ચોરોના હાથ કાપી નાખવામાં આવશે, જ્યારે ગેરકાયદે સંબંધો સાથે સંકળાયેલા લોકો પર પથ્થરમારો કરવામાં આવશે. 1996-2001 દરમિયાન તાલિબાન શાસન દરમિયાન અફઘાનિસ્તાનમાં ગોળીઓ મારવી, પથ્થરમારો કરવો, જાહેરમાં લિંચિંગ પણ સામાન્ય હતું.
ઇસ્લામિક કાયદા માટે કુખ્યાત તાલિબાને 1996 માં અફઘાનિસ્તાનમાં સત્તા સંભાળી ત્યારે તે તેના ક્રૂર શાસન માટે વિશ્વભરમાં કુખ્યાત હતું. તાલિબાનો માટે કોઈને ફાંસી આપવી, પથ્થરમારો કરવો અને હાથ કાપી નાખવા એ મોટી વાત નહોતી, પરંતુ આ વખતે તાલિબાને કાબુલ પર કબજો કર્યા બાદ ઉદારવાદી હોવાનો દાવો કર્યો હતો. પરંતુ, દરેક વચનની જેમ તાલિબાને આ વચન તોડ્યું છે. ધ એસોસિયેટેડ પ્રેસ સાથેની મુલાકાતમાં મુલ્લા નૂરુદ્દીન તુરાબીએ કહ્યું હતું કે હાથ કાપવા અત્યંત જરૂરી છે.