• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

એ મીઠાઈ જેને ખાતા પહેલાં તમારે જુગાર રમવું પડે છે

By BBC News ગુજરાતી
|

મેં રુલેટ વ્હીલને જોરથી ઊંધું ફેરવ્યું અને ગોલ્ડન ટિકર 0થી 10 સુધીના સફેદ અને પીળા નંબરો પર ગોળ ગોળ ફરવા લાગ્યું.

ટિક ટિક ટિક એવા ધબકારા જેવા અવાજ સાથે હું જોતી રહી કે તે કયા નંબર પર જઈને અટકે છે. જો એક ઇંચ જમણે આગળ વધે તો મને 10 મળી જાય. એક ઇંચ ડાબે જાય તો મને કશું નહીં મળે.

સ્પેનના સેલિનાસ બીચ પર બિકિની પહેરેલી ટૂરિસ્ટ યુવતીઓ મારી આસપાસ મારું ચક્કર મને શું જિતાડે છે તે જોવા એકઠી થઈ ગઈ હતી.

મેં પ્રસિદ્ધ બાર્કિલોસ ગીયેર્મો પલાયોને ત્યાં રુલેટનું ચકરડું ફેરવ્યું હતું જેથી મને તેની સ્વાદિષ્ટ વેફર જેટલી પાતળી મધમાં બોળેલી વેનિલા બિસ્કિટ મળી શકે.

રુલેટ ફેરવવા માટે ગ્રાહકોએ નક્કી કરેલી રકમ આપવાની હોય છે. જેટલા નંબર પર તમારી કૂકરી અટકે તેટલા બિસ્કિટ તમને મળે. પણ જો રુલેટ શૂન્ય પર અટકે તો તમારા પૈસા પડી ગયા, બિસ્કિટ પણ તમને નહીં મળે.

મારી આસપાસના બધા સિસકારા બોલાવતા ઊભા હતા અને આખરે મારી કૂકરી 3 પણ આવીને અટકી. મારા બિસ્કિટ મને મળી ગયા અને હું મોંમાં પાણી સાથે તેનો સ્વાદ માણવા લાગી અને મધ મારી દાઢીએ ઢોળાવા લાગ્યું.

મને એક નહિ, પણ સ્પેનની સૌથી મધુર ગણાતી પારંપારિક બિસ્કિટની ત્રણ-ત્રણ વાનગી આ રીતે મળી ગઈ તે તક હતી કે મારું નસીબ?

ગીયેર્મો પલાયો 10 વર્ષના હતા ત્યારથી આ રીતે બિસ્કિટ વેચવાનું શરૂ કર્યું હતું. મારી સાથે વાતચીતમાં હસતાં હસતાં તેઓ કહે છે, "હું પહેલાં બહુ શરમાતો કે બધા મારી સામે જ જોયા કરે છે, પણ હવે હું ટેવાઈ ગયો છું."


બાર્કિલોસ વેચવાની પરંપરા

આજે 50 વર્ષ પછીય પલાયો તેમની વેફર બિસ્કિટ આ રીતે જ સ્પેનિશ બીચ પર વેચે છે.

આ તેમના કુટુંબની પરંપરા રહી છે, કેમ કે તેમના દાદા અને પરદાદાનો પણ આ જ વ્યવસાય હતો.

તેમના પરિવારની ચાર પેઢી આ રીતે બાર્કિલોસ વેચતી આવી છે. તેમની પાસે રહેલું રુલેટ પણ 100 વર્ષ જૂનું છે. પેઢી દર પેઢી આ રુલેટ પણ સંતાનોને વારસમાં મળતું જાય છે

સ્પેનિશમાં બોમ્બો તરીકે ઓળખાતું આ રુલેટ ભરેલું હોય ત્યારે તેનું વજન 40 કિલો થઈ જાય છે.

તેની માથે અલગથી વ્હીલ મૂકી શકાય તેવી ગોઠવણ છે અને નીચેના ભાગે વેચવા માટેની વેફર બિસ્કિટ ગોઠવાયેલી હોય છે. દરિયાકિનારે એક આંટો મારે અને પૂરતું વેચાણ થઈ શકે એટલી બિસ્કિટ નીચે ગોઠવેલી હોય છે.

પલાયો કહે છે, "આ બહુ વજનદાર છે, પણ અમે આ રીતે જ તેને ઊંચકતા રહ્યા છીએ," એમ કહીને લાલ રંગની બોમ્બોના બે પટ્ટા તેણે ખભે ભરાવ્યા અને તેને ઊંચકી લીધું.

બોમ્બો પર પલાયો અને તેમના પિતાની બાર્કિલોસ વેચતા હોય તેવી બ્લૅક ઍન્ડ વ્હાઇટ તસવીર પણ લગાડેલી છે.

સ્પેનમાં ખ્રિસ્તી ધર્મના આગમન સાથે બાર્કિલોસ બનવાના શરૂ થયા હતા, પણ તેને મેળવવા માટે રીતે જુગારિયું ચકરડું ફેરવવાની પરંપરા બહુ પાછળથી શરૂ થઈ હતી.

કેન્ટાબ્રિયામાં આવેલા બાર્કિલોસ મ્યૂઝિયમના માલિક બેન્જામીન કેવાર્સાના જણાવ્યા અનુસાર સ્પેનની શેરીમાં આ રીતે બાર્કિલોસ વેચવા માટે ફેરિયાઓ બોમ્બો ફ્રાન્સથી લઈ આવ્યા હતા.

એક જમાનામાં પોતાની બાર્કિલોસની ફૅક્ટરી ધરાવતા કેવાર્સા કહે છે કે ફ્રાન્સમાં રુલેટનો ઉપયોગ 1790થી શરૂ થયો હતો.

"ફ્રેન્ચ ફેરિયાઓ શેરીમાં રુલેટ લઈને ફરતા અને અનેક પ્રકારની પેસ્ટ્રી અને મીઠાઈઓ વેચતા," એમ કેવાર્સા કહે છે.

"અમારા ફેરિયાઓ ફ્રાન્સ ગયા અને આ રીતે રમત રમવા સાથે મીઠાઈ વેચવાનું જોયું ત્યારે તેને સ્પેનમાં લઈ આવ્યા."

19મી સદીના પાછલા હિસ્સામાં આ રીતે રુલેટથી સ્પેનની શેરીમાં વાનીઓ વેચાવા લાગી તે બહુ લોકપ્રિય બની.

ખાસ કરીને યુવાન સૈનિકો આ રીતે ગેમ રમીને પોતાની પ્રેયસીઓને વધુ મીઠાઈ ખવડાવવા માટે જુગાર રમતા.

"તેના કારણે બાર્કિલોસનું વેચાણ એક જાતનો સામાજિક રિવાજ બની ગયો. સૈનિકો યુવતીઓને આકર્ષવા માટે આ રીતે રુલેટ રમતા. મિત્રોમાં પણ આ રમત રમવાનો ચીલો પડ્યો હતો."


રેસિપી છે એક રહસ્ય

પલાયો પોતાનો બોમ્બો લઈને આગળ વધવા લાગ્યા કે સિત્તેરેક વર્ષનાં વૃદ્ધાએ નામ દઈને તેમને સાદ પાડ્યો. તેમના હાથમાં પાંચ યુરોની નોટ હતી.

તેઓ કહે છે, "હું પાંચ વર્ષની હતી ત્યારે પહેલી વાર પલાયો પાસેથી બોર્કિલો ખરીદ્યા હતા. જો મારું ચાલે તો સેલિનાસ બીચ પર હું પલાયોની મૂર્તિ બનાવડાવીશ."

પલાયોના પિતાના નિયમિત ગ્રાહક રહી ચૂકેલા અન્ય એક ગ્રાહકે કહ્યું કે કેમ આ નાનકડા સોનેરી રંગના બિસ્કિટ બહુ મજાના છે "પલાયોના બાર્કિલોસનો સ્વાદ જ અનોખો છે. તેના જેવા બીજે ક્યાંય ન મળે."

પલાયો બાર્કિલોસ બનાવે છે ત્યાં સવારે હું તેમને મળી હતી ત્યારે આટલા સ્વાદિષ્ટ બિસ્કિટ બનાવવાનું રહસ્ય શું છે તે પૂછ્યું હતું.

તેમણે કહ્યું, "લોટ, પાણી અને સાકર મેળવીને તે તૈયાર થાય છે, પણ તેની રેસિપી શું છે તે હું નહીં જણાવું. અમે સારી ગુણવત્તાના પદાર્થો વાપરીએ છીએ તે અમારી વિશેષતા છે."

પલાયોના સ્વાદિષ્ટ બિસ્કિટ બનાવવાની રીત કુટુંબમાં પેઢી દર પેઢી ઊતરી આવી છે. તેમના પરિવારે 1890થી તેને બનાવવાનું શરૂ કર્યું હતું.

ભઠ્ઠીમાં તેને પકવવા માટે મૂકવાના લાંબા લોખંડના સળિયા પણ તેમના પરદાદા વખતના છે.

"થોડાં વર્ષો પહેલાં હળવા નવા સળિયા મેં લીધા હતા, પણ મજા ના આવી એટલે ફરીથી આ જૂના જ વાપરું છું," એમ પોતાની બેકરીમાં બિસ્કિટને તૈયાર કરવા માટે મૂકતાં મૂકતાં પલાયો કહે છે.

હવે જોકે પલાયોની જેમ રુલેટ સાથે વેફર વેચનારા બહુ થોડા ફેરિયા સ્પેનમાં રહી ગયા છે. 18મી સદી પછી તેને બનાવવાની રીતમાં જરાય ફેરફાર થયો નથી. જોકે 19મી સદીના પાછલા ભાગમાં શેરીમાં, બગીચામાં, ચાર રસ્તા પર રુલેટ સાથે તેને વેચવાનું શરૂ થયું હતું.

પલાયા કહે છે "મારા દાદા નાના હતા ત્યારે બધી જગ્યાએ બાર્કિલોસ વેચાતા હતા. ત્યારે પણ તે બહુ વખણાતા અને મારા પરદાદા તો તેને વેચવા માટે છેક પેરીસ જતા હતા."

તેમના અનોખા સ્વાદના બાર્કિલોસ અને વેચવાની અનોખી પદ્ધતિને કારણે તે બહુ લોકપ્રિય બન્યા હતા. ઘણા ફેરિયાઓ સમગ્ર યુરોપમાં ફરીને આ રીતે તેને વેચતા. જોકે સ્પેનમાં ફ્રાન્સિસ્કો ફ્રાન્કોની તાનાશાહી આવી ત્યારે સ્પેનમાં જુગારિયા ચક્કર સાથે તેને વેચનારા ફેરિયાઓ પર તવાઈ આવી હતી.

ફ્રાન્કોની તાનાશાહી 1939થી 1975 સુધી ચાલી હતી અને તેના કારણે સ્પેનમાં મંદી અને અનાજની તંગી ઊભી થઈ હતી.

બાર્કિલોસ બનાવતા અનેક પરિવારો માટે ગુજરાન ચલાવવું મુશ્કેલ બની ગયું હતું. 1980ના દાયકા પછી સ્પેનનું અર્થતંત્ર ફરી પાટે ચડ્યું તે પછી ઘણા ફેરિયાઓએ ફૅક્ટરી કે બેકરીમાં નોકરી કરવાનું સ્વીકારી લીધું.

હવે માત્ર પલાયો અને મેડ્રિડના કેનેસ પરિવાર, એમ બે જ ફેરિયાઓ સ્પેનમાં બચ્યા છે, જે આવી જુગારી પદ્ધતિએ બાર્કિલોસ હજીય વેચે છે.


કોરોનાને કારણે ઊભું થયું સંકટ

https://www.youtube.com/watch?v=CUiW8WcMWOc

જોકે આ સ્વાદિષ્ટ વાનગીઓ બેકરીમાં મળે છે ખરી, પણ પલાયો કહે છે કે સ્ટોરમાં મળતા બાર્કિલોસ પોતાના બાર્કિલોસની તોલે આવી શકે નહી.

"તમને દુકાનમાં મળે તે વેફર હાથે બનેલી હોતી નથી અને તેમાં પરંપરાગત રેસિપી હોતી નથી. તેમાં અસલી સ્વાદ નહીં આવે."

સ્પેનમાં હવે અનાજની અછત રહી નથી, પરંતુ પલાયો સામે નવા પડકારો આવ્યા છે.

તેના વેફર બિસ્કિટ બનાવવાની રીત લાંબી અને મોંઘી છે, તેની સાથે ઓછી કિંમતે તેને વેચવા પડે છે. (રુલેટ ફેરવીને બિસ્કિટ ના જીતવા હોય અને એમ જ ખરીદવા હોય તો પલાયો માત્ર 0.70 યુરોમાં એક બિસ્કિટ આપે છે.)

59 વર્ષના પલાયોએ વહેલા ચાર વાગ્યે ઊઠીને કામે લાગી જવું પડે છે, જેથી 300થી 400 બાર્કિલોસ તૈયાર કરી શકે. તે માટે ઓછામાં ઓછા છ કલાકની મહેનત લાગે છે.

તે પછી બીચ પર આખો દિવસ ફરીને તેને વેચવાના. બધા વેચાય પછી ઘરે પરત આવે ત્યારે શ્વાસ ખાવાનો હોશ ના રહ્યો હોય. પલાયો માને છે કે હવે આ ધંધામાં એ કસ નથી રહ્યો કે નવી પેઢી તેને સંભાળે.

https://www.youtube.com/watch?v=jl12dpP-FAQ

"મને આ ગમે છે, પણ મારાં બાળકો આમાં પડે તેમ નથી ઇચ્છતો. બહુ મહેનતનું કામ છે," એમ પલાયો કહે છે.

તેમનાં પુત્ર-પુત્રી બાર્સિલોસ બનાવાનું શીખ્યાં છે, પણ બંને પ્રોફેશનલ કરિયરમાં આગળ વધી રહ્યાં છે.

તેનો અર્થ એ કે સ્પેનની આ 130 વર્ષ જૂની પરંપરાનો અંત આવી જવાનો છે. પલાયો અને કેનેસા પરિવાર આ ધંધાને સમેટી લે એટલે જુગારિયા બિસ્કિટનો જમાનો પૂરો થઈ જવાનો.

કોરોના વાઇરસના કારણે પલાયોની મુશ્કેલીમાં વધારો થયો છે. ત્રણ મહિના માટે ધંધો ના થયો તેના કારણે મુશ્કેલીમાં મૂકાયેલા પલાયો ફરી લૉકડાઉન આવે તો ધંધો કાયમ માટે બંધ કરવો પડે તેવી સ્થિતિ આવશે તેવી ચિંતામાં છે.

પલાયો કહે છે, "બીચ ખુલ્લા રહે અને લોકો ફરવા આવે તો જ મારો ધંધો ચાલે." અત્યારે તેઓ માસ્ક પહેરીને બીચ પર વેચાણ કરે છે, પણ માસ્કના કારણે વજનદાર બોમ્બો ઉપાડીને ફરવું તેમને મુશ્કેલ લાગે છે અને શ્વાસ લેવો મુશ્કેલ લાગે છે." પલાયો માસ્ક બતાવતા કહે છે અને ઉમેરે છે, "પણ કામ તો કરવું જ પડે."

સેલિનાસ બીચ પર બાર્કિલોસ વેચવાનું શરૂ કર્યું તેને આવતા વર્ષે 50 વર્ષ પૂરાં થઈ જશે. અનેક સંકટો, નફામાં ઘટાડો અને કોરોના રોગચાળા વચ્ચે પાંચ દાયકાથી પલાયો ધંધો કરતા રહ્યા છે.

શું તેઓ પોતાનું કામ છોડી દેશે ખરા એવું મેં પૂછ્યું ત્યારે મારી સામે ઉષ્માભર્યું હસતાં ગીયેર્મો પલાયો કહે છે, "આ તો મારું જીવન છે. હું બીજું કશું કરવાનું કલ્પી પણ નથી શકતો."https://www.youtube.com/watch?v=CUiW8WcMWOc

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
The dessert that you have to gamble before you eat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X