• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

અમેરિકાની એ પાંચ કંપનીઓ જેમણે અફઘાનિસ્તાન યુદ્ધમાં ધૂમ કમાણી કરી

By BBC News ગુજરાતી
|
Google Oneindia Gujarati News

આ અમેરિકાના ઇતિહાસનું સૌથી લાંબું અને સૌથી મોંઘું યુદ્ધ સાબિત થયું છે.

30 ઑગસ્ટે અફઘાનિસ્તાનમાં હાજર અમેરિકાના સૈનિકોએ કાબુલ છોડ્યું તે સાથે જ લાંબા સંઘર્ષનો અંત આવ્યો.

તેની પાછળ અમેરિકાની તિજોરીના 2.3 ટ્રિલિયન ડૉલર વપરાઈ ગયા, તેવો અંદાજ બ્રાઉન યુનિવર્સિટીના કૉસ્ટ ઑફ વૉર પ્રોજેક્ટનો છે.

તાલિબાને સત્તા કબજે કરી લીધી અને અંધાધૂંધી વચ્ચે અમેરિકાની સેનાએ દેશ છોડવો પડ્યો તેના કારણે કેટલાક વિશ્લેષકોએ આ યુદ્ધને નિષ્ફળ પણ ગણાવ્યું છે.

ઘણા માટે યુદ્ધમાં આ હાર હતી, પણ કેટલીક કંપનીઓએ આ દરમિયાન તગડો નફો રળી લીધો.

2001થી 2013 સુધીમાં કુલ $ 2.3 ટ્રિલિયન ડૉલર ખર્ચાયા, તેમાંથી લગભગ 1.05 ટ્રિલિયનનો ખર્ચ સંરક્ષણ મંત્રાલયે અફઘાનિસ્તાનમાં કામગીરી માટે કર્યો હતો.

આમાંથી ઘણી મોટી રકમ અફઘાનિસ્તાનમાં આ કામગીરીમાં સહાયરૂપ થનારી ખાનગી કંપનીઓને ચૂકવવામાં આવી હતી.

અફઘાનિસ્તાનમાં કૉન્ટ્રૅક્ટર

કેલિફોર્નિયા યુનિવર્સિટીના કૅનેડી સ્કૂલ ઑફ ગવર્નમેન્ટના પ્રોફેસર લિન્ડા બિલમીઝ કહે છે, "આ યુદ્ધમાં અમેરિકાના ઘણા ઓછા સૈનિકો હતા - બધા સ્વંયસેવકો જ હતા અને તેમની મદદે મિલિટરી કૉન્ટ્રૅક્ટરો હતા. અમેરિકી સૈનિકો કરતાં બમણી સંખ્યામાં ખાનગી કૉન્ટ્રૅક્ટરો હતા."

બીબીસી મુન્ડો સાથેની વાતચીતમાં બિલ્મીઝે જણાવ્યું કે કેટલા સૈનિકો ત્યાં મોકલવામાં આવશે તેની મહત્તમ મર્યાદા બાંધી દેવામાં આવી હતી અને તેના કારણે ખૂટતા માણસો કૉન્ટ્રૅક્ટરો પાસેથી લેવામાં આવ્યા હતા.

"ઘણું બધું કામ કરવાનું હતું એટલે પ્લેનમાં બળતણ ભરવું, રસોઈ, સફાઈ, હેલિકૉપ્ટર ચલાવવા અને સાધન સરંજામની હેરફેર કરવી તે બધું કામ કૉન્ટ્રૅક્ટરોના હાથમાં હતું. કૉન્ટ્રૅક્ટરોએ લશ્કરી થાણાં, ઍરપૉર્ટ, રનવે વગેરેનું બાંધકામ પણ કર્યું હતું", એમ તેઓ ઉમેરે છે.


સૌથી વધુ કમાણી કરનારી પાંચ કંપનીઓ

અફઘાનિસ્તાનમાં જુદીજુદી કામગીરી માટે એકસોથી વધુ કંપનીઓને પેન્ટાગોનના કૉન્ટ્રૅક્ટ મળ્યા હતા, પરંતુ તેમાંથી કેટલીક કંપનીઓને અબજો ડૉલરની વરદી મળી હતી.

સત્તાવાર રીતે સૌથી વધુ કમાણી કરનારી કંપનીઓનો કોઈ સત્તાવાર ક્રમ નક્કી નથી કરાયો, પરંતુ બૉસ્ટન યુનિવર્સિટીના "યુદ્ધના 20 વર્ષ" એ પ્રોજેક્ટના ડિરેક્ટર પ્રોફેસર હેઇડી પેલ્ટિયરે આ માટે તૈયાર કરેલા અંદાજો બીબીસી મુન્ડોને આપ્યા હતા. આ અભ્યાસ હજી પ્રસિદ્ધ થવાનો બાકી છે.

સરકારી વેબસાઇટ પર ઉપલબ્ધ આંકડાંઓને આધારે આ તારણ નક્કી કરાયું છે. 2008ની આર્થિક કટોકટી પછી સરકારી વિભાગો ક્યાં કેવી રીતે ખર્ચ કરી રહી છે તેના આંકડાં એકઠાં કરવા માટે આ વેબસાઇટ તૈયાર થઈ હતી.

"આ આંકડાં 2008-2021 વચ્ચેના છે, જોકે કેટલાક કૉન્ટ્રૅક્ટ 2008ની પહેલાં પણ અપાયા હતા. તેથી 2001 પછીના બધા ખર્ચ જાણવા મળે તો સાચો આંકડો આનાંથી વધુ હોઈ શકે છે" એવી સ્પષ્ટતા તેઓ કરે છે.

આ અંદાજ અનુસાર અફઘાનિસ્તાનમાં સૌથી વધુ કમાણી અમેરિકાની ત્રણ કંપનીઓને થઈ છે - ડાયનકૉર્પ (Dyncorp), ફ્લુઅર કૉર્પોરેશન (Fluor), અને કેલોગ બ્રાઉન એન્ડ રૂટ (KBR).

આ ત્રણ કંપનીઓને લૉજિસ્ટિક્સ ઑગમેન્ટેશન પ્રોગ્રામ વિથ સિવિલિયન પર્સોનેલ (LOGCAP તરીકે જાણીતા કાર્યક્રમ) હેઠળના તથા અન્ય નાના કોન્ટ્રેક્ટ્સ પણ મળ્યા હતા.

પેલ્ટિયરના જણાવ્યા અનુસાર "સામાન્ય રીતે ઘણા વર્ષો માટેનો LOGCAP કૉન્ટ્રેક્ટ થતો હોય છે, જેની હેઠળ લૉજિસ્ટિક્, ટ્રાન્સપોર્ટેશન, ઉપકરણોની જાળવણી, વિમાનોનું મેઇન્ટેનન્સ વગેરે સિવિલયન કામગીરી કરવાની હોય છે".

અન્ય કામગીરી સાથે ડાયનકૉર્પને અફઘાનિસ્તાનમાં નેશનલ પોલીસને તાલીમ આપીને તૈયાર કરવાની કામગીરી સોંપાઈ હતી. પોલીસ ઉપરાંત ઍન્ટી-નાર્કોટિક્સ વિભાગ તૈયાર કરવો, હામીદ કરઝાઈ પ્રમુખ હતા ત્યારે તેમના માટે બૉડીગાર્ડ્સની ટીમ પૂરી પાડવી વગેરેના કૉન્ટ્રૅક્ટ પણ હતા.

પેલ્ટિયરની ગણતરી અનુસાર ડાયનકૉર્પને $7.5 અબજના LOGCAP કોન્ટ્રેક્ટ સહિત કુલ $14.4 અબજ ડૉલરના કૉન્ટ્રૅક્ટ્સ મળ્યા હતા. આ કંપનીને હાલમાં જ અન્ય કંપની એમ્નેટમ કૉન્સર્શિયમ દ્વારા ખરીદી લેવામાં આવી છે.

બીબીસી મુન્ડોએ આ વિશે કંપનીને સવાલો મોકલ્યા હતા તેના જવાબમાં કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે "2002ના વર્ષથી ડાયનકૉર્પ ઇન્ટરનેશનલ આપણી સરકાર તથા અફઘાનિસ્તાનમાં સરકારના સાથીઓ સાથે ખભેખભા મીલાવીને ઊભું રહ્યું છે. અમે અમારા ક્લાયન્ટ માટે જરૂરી અગત્યની વિવિધ સર્વિસ પૂરી પાડીએ છીએ."

જોકે પ્રવક્તાએ સ્પષ્ટતા કરી કે તેમની કંપની પ્રાઇવેટ કંપની હોવાથી કૉન્ટ્રૅક્ટ વિશે કે નાણાંકીય બાબતો વિશે માહિતી જાહેર કરતી નથી.

ટૅક્સાસ ખાતેની કંપની ફ્લુઓરને દક્ષિણ અફઘાનિસ્તાનમાં અમેરિકાનું લશ્કરી થાણું તૈયાર કરવાની જવાબદારી સોંપાઈ હતી.

કંપનીએ પોતાની વેબસાઇટમાં આપેલી માહિતી પ્રમાણે અફઘાનિસ્તાનમાં 76 લશ્કરી મથકોના 100,000થી વધુ સૈનિકો માટે સહાયક કામગીરી કરતી હતી અને રોજના 191,000 ભોજનથાળ તૈયાર કરતી હતી.

પેલ્ટિયરની ગણતરી પ્રમાણે ફ્લોઅર કૉર્પોરેશનને $12.6 અબજના LOGCAP કૉન્ટ્રૅક્ટ્સ સહિત કુલ 13.5 અબજ ડૉલરના કૉન્ટ્રૅક્ટ્સ મળ્યા હતા.

અફઘાનિસ્તાનમાં યુદ્ધ દરમિયાન કંપનીની કામગીરી વિશે જાણવા માટે બીબીસી મુન્ડોએ પૂછપરછ કરી હતી, પણ આ લેખ લખાય છે ત્યાં સુધી કંપની તરફથી પ્રતિસાદ મળ્યો નહોતો.

કેલોગ બ્રાઉન ઍન્ડ રૂટ (KBR)ને અમેરિકાની સેનાને એન્જિનિયરિંગ અને લૉજિસ્ટિક્સ સપોર્ટ માટેનું કામ મળ્યું હતું. તેમાં આવાસ, ભોજન સહિતની પાયાની સેવાઓનો સમાવેશ થતો હતો.

આ ઉપરાંત અફઘાનિસ્તાનના જુદાજુદા ઍરપૉર્ટ્સ પર નેટોના હવાઈદળની કામગીરી માટે ગ્રાઉન્ડ સપોર્ટનું કામ પણ આ કંપનીને મળેલું હતું. આ કામગીરીના ભાગરૂપે કંપનીએ રનવૅની જાળવણી કરવી, વિમાનોની સર્વિસ કરવી અને ઍરોનૉટિક્સ કમ્યુનિકેશન્સ સંભાળવાની જવાબદારી લેવાની હતી.

પેલ્ટિયરના અંદાજ અનુસાર KBR કંપનીને પેન્ટાગોન તરફથી કુલ 3.6 અબજ ડૉલરના કૉન્ટ્રૅક્ટ્સ મળ્યા હતા.

આ કંપનીના પ્રવક્તાએ બીબીસી મુન્ડોને જણાવ્યું કે "2002થી 2010 સુધી KBR કંપનીએ અફઘાનિસ્તાનમાં અમેરિકન સુરક્ષા દળો માટે LOGCAP કામગીરી હતી, જેનો કૉન્ટ્રૅક્ટ અમને ડિસેમ્બર 2001માં મળ્યો હતો."

"અમેરિકાની સેના માટે વિવિધ 82 મથકોએ અમે ભોજન, લૉન્ડ્રી, વીજળી, સાફસફાઈ અને મેઇન્ટેનન્સની કામગીરી સંભાળી હતી. જુલાઈ 2009માં સેનાએ આ સેવાઓને ચાલુ રાખવા માટેના કૉન્ટ્રૅક્ટ ડાયનકૉર્પ અને ફ્લુઅરને આપ્યા હતા, જેમણે સંયુક્તપણે કેબીઆર દ્વારા અપાતી સર્વિસ સંભાળી લીધી હતી. કેબીઆરની સર્વિસીઝ સપ્ટેમ્બર 2010માં પૂર્ણ થઈ હતી." એમ પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું.

ચોથી સૌથી વધુ કમાણી કરનારી કંપની હતી રેથિયોન. આ અમેરિકાની સૌથી મોટી ઍરૉસ્પેસ અને ડિફેન્સ કંપની છે, જેને અફઘાનિસ્તાનમાં કામગીરી માટે 2.5 અબજ ડૉલરના કૉન્ટ્રૅક્ટ્સ મળ્યા હતા.

હાલમાં જ આ કંપનીને એક કૉન્ટ્રૅક્ટ મળ્યો હતો તે હતો અફઘાન ઍર ફોર્સને તાલીમ આપવાનો. 2020માં આ માટે 145 મિલિયન ડૉલરનો કૉન્ટ્રૅક્ટ કંપનીને મળ્યો હતો.

વર્જિનિયામાં આવેલી સુરક્ષા ક્ષેત્રની કંપની એજિસ એલએલસી સૌથી વધુ કમાણી કરનારી કંપનીઓમાં પાંચમાં સ્થાને છે. અફઘાનિસ્તાનમાં કામગીરી માટે આ કંપનીને કુલ 1.2 અબજ ડૉલરના કૉન્ટ્રૅક્ટ્સ મળ્યા હતા.

કાબુલમાં આવેલી અમેરિકાની ઍમ્બેસીમાં સુરક્ષા પૂરી પાડવા સહિતની કામગીરી આ કંપનીને મળી હતી.

અફઘાનિસ્તાનમાં કંપનીની કામગીરી વિશેની જાણકારી માટે બીબીસી મુન્ડોએ કંપનીનો સંપર્ક કર્યો હતો, પરંતુ આ લખાય છે ત્યાં સુધી પ્રતિસાદ મળ્યો નહોતો.


સંરક્ષણ કંપનીઓને કેટલી કમાણી થઈ?

બીબીસી મુન્ડોએ આ બાબતમાં નિષ્ણાતો સાથે વાતચીત કરી ત્યારે તેઓએ જણાવ્યું કે અમેરિકાના સંરક્ષણ ક્ષેત્રની કદાવર કંપનીઓ, જેવી કે બોઈંગ, રેયથન, લોકહીડ માર્ટીન, જનરલ ડાયનેમિક્સ અને નોર્થ્રોપ ગ્રમેન જેવી કંપનીઓને પણ અફઘાનિસ્તાન યુદ્ધને કારણે સારી કમાણી થઈ છે.

લિન્ડા બિલ્મીઝ કહે છે "આ કંપનીઓએ યુદ્ધમાંથી અઢળક કમાણી કરી છે."

જોકે આ કંપનીઓને કૉન્ટ્રૅક્ટ મળ્યા તે સીધા અફઘાનિસ્તાનમાં કામગીરી સાથે જોડાયેલા નહોતા, એટલે યુદ્ધમાંથી કેટલી કમાણી થઈ તે જાણવું મુશ્કેલ છે.

પેલ્ટિયર કહે છે, "અફઘાનિસ્તાનમાં ઉપયોગમાં લેવાયેલા ઉપકરણો આ કંપનીઓ પાસેથી લેવાયા હતા, પણ તેનો હિસાબ અફઘાનિસ્તાનમાં થયેલા ખર્ચમાં ગણવામાં આવ્યો નથી."

કૉસ્ટ ઑફ વોર પ્રોજેક્ટે ગયા અઠવાડિયે અહેવાલ રજૂ કર્યો તેમાં જણાવાયું હતું કે 9/11 પછી અમેરિકાએ સેના પાછળ જંગી ખર્ચ કર્યો છે તેનો ફાયદો આ પાંચ કંપનીઓને થયો છે.

અહેવાલમાં જણાવાયું છે કે "2001થી 2020 સુધીના નાણાકીય વર્ષો દરમિયાન આ પાંચ કંપનીઓને પેન્ટાગોન તરફથી 2.1 ટ્રિલિયન ડૉલરના કૉન્ટ્રૅક્ટ મળ્યા છે."

આ પાંચ કંપનીઓને પણ બીબીસી મુન્ડોએ અફઘાનિસ્તાનમાં યુદ્ધને કારણે તમારી કામગીરી અને બિઝનેસને શું અસર થઈ તે જાણવા માટે સવાલો મોકલ્યા હતા.

જનરલ ડાયનેમિક્સે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો, જ્યારે બાકીની કંપનીઓ તરફથી આ લખાય છે ત્યાં સુધી કોઈ પ્રતિસાદ મળ્યો નહોતો.

પેલ્ટિયર રેયથનનો દાખલો આપીને જણાવે છે કે ઉપરની ગણતરીમાં કંપનીને અફઘાનિસ્તાનમાં કામગીરી માટે 2.5 અબજના કૉન્ટ્રૅક્ટ્સ મળ્યા તેની જ ગણતરી કરાઈ છે, જ્યારે તે સિવાયના ઘણા કૉન્ટ્રૅક્ટ્સ પણ કંપનીને મળ્યા છે.

પેલ્ટિયર કહે છે, "રેયથને અમેરિકામાં જ શસ્ત્રો અથવા કમ્યુનિકેશન્સ સિસ્ટમનું ઉત્પાદન કર્યું હોય, પરંતુ તેનો ઉપયોગ અફઘાનિસ્તાનમાં થયો હોય તેવું બને. પરંતુ તેની ગણતરી આ ડેટાબેઝમાં ના થઈ હોય, કેમ કે સીધી રીતે અફઘાનિસ્તાન માટેનો કૉન્ટ્રૅક્ટ ના હોય."

ઍરૉસ્પેસની આ જાણીતી કંપની અનેકવિધ શસ્ત્રો, નૅવિગેશન અને કમ્યુનિકેશન્સ સિસ્ટમ્સ વેચે છે, જે મોટા ભાગે અમેરિકાની સેનાની વિશેષ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર થયેલી હોય છે. આ બધા ઉપકરણો અફઘાનિસ્તાનમાં કામ કરી રહેલા અમેરિકી દળોને અપાયેલા હોય.

દાખલા તરીકે રનવે પર દોડ્યા વિના સીધું જ ઉપર ઉડાણ કરી શકે છે તેવા બોઈંગે તૈયાર કરેલા મલ્ટિ-રોલ Osprey V-22 વિમાન માટેના રડાર અને નાઇટ વિઝન સિસ્ટમ રેયથન તૈયાર કરે છે. આ વિમાનનો વ્યાપક ઉપયોગ અફઘાનિસ્તાનમાં થયો હતો.

લિન્ડા બિલ્મીઝના જણાવ્યા અનુસાર અફઘાનિસ્તાનમાં અમેરિકન દળો માટે આધારભૂત બની રહેલા F-15 અને F-18 ફાઇટર જેટ બોઈંગ કંપની જ બનાવે છે.

આમ છતાં અફઘાનિસ્તાનની કામગીરી માટે અપાયેલા કૉન્ટ્રૅક્ટ્સમાં બોઈંગ મોટા કોકૉન્ટ્રૅક્ટર તરીકે દેખાતું નથી. એ જ રીતે બ્લૅકહૉક હેલિકૉપ્ટર્સ બનાવનારી બીજી જાણીતી સંરક્ષણ કંપની લોકહીડ માર્ટિનનું નામ પણ યાદીમાં આવતું નથી. આ હેલિકૉપ્ટર્સનો સારો એવો ઉપયોગ અફઘાનિસ્તાનમાં થતો રહ્યો છે.

બિલ્મીઝ કહે છે, "જનરલ ડાયનેમિક્સ લાઇટ આર્મર્ડ વિહિકલ બનાવે છે. આ ઉપરાંત અફઘાનિસ્તાનમાં સાયબર સિક્યૉરિટી માટેનું ઘણું કામ આ કંપનીએ કરેલું છે."

જાણકારો કહે છે કે હાલમાં જ પુરા થયેલા આ યુદ્ધમાં આ મોટી કંપનીઓને પણ ઘણી મોટી કમાણી થઈ છે, પણ તેને સીધી યુદ્ધની કામગીરી સાથે જોડી શકાય તેમ નથી.

બિલ્મીઝ કહે છે, "દાખલા તરીકે તમે એક વિમાન વેચ્યું. હવે તેનો ઉપયોગ અફઘાનિસ્તાનમાં પણ થઈ શકે અને તેનો ઉપયોગ કેન્સાસમાં તાલીમ આપવા માટે પણ થઈ શકે."

તેઓ કહે છે, "આ બધી બાબતો લાંબા ગાળાના કૉન્ટ્રૅક્ટ હેઠળ થતી હોય છે. છેલ્લા 20 વર્ષો દરમિયાન ઇરાક અને અફઘાનિસ્તાનમાં યુદ્ધની કામગીરીની કારણે આ કંપનીઓને ફાયદો થયો છે, પણ તેને અફઘાનિસ્તાનમાં કામગીરી સાથે સીધી રીતે જોડી શકાય તેમ નથી."

બીબીસી મુન્ડોએ આ વિશે પેન્ટાગોનને પણ સવાલો મોકલ્યા હતા, જેના જવાબમાં પ્રવક્તા જેસિકા મૅક્સવેલે જણાવ્યું કે આ પાંચ મોટી કંપનીઓને અફઘાનિસ્તાનમાં તેના ઉપકરણો વપરાયા તેના કારણે કેટલી કમાણી થઈ તે નક્કી કરવું મુશ્કેલ છે.

જેસિકાએ જણાવ્યું કે "આવો અંદાજ મેળવવો અશક્ય છે. સંરક્ષણ મંત્રાલય આ કંપનીઓ પાસેથી વિવિધ પ્રકારના સાધનસરંજામ અને સર્વિસીઝ મેળવે છે. પણ આ ખરીદી 'માત્ર' અફઘાનિસ્તાન માટે થયેલી નહોતી. દુનિયાભરમાં અમારી કામગીરી માટે અમે સાધનો ખરીદીએ છીએ, કેટલાક ટૂંકા ગાળાના હેતુ માટે (જેમ કે ટ્રાન્સપોર્ટ વિમાનો), કેટલાક લાંબા ગાળા માટે."


ઇજારાશાહી અને અધધધ કિંમતો

બિલ્મીઝના જણાવ્યા અનુસાર અફઘાનિસ્તાનમાં યુદ્ધને કારણે આ કંપનીઓ મનફાવે તેવા ભાવે કૉન્ટ્રૅક્ટ મેળવી શકે તેવી સ્થિતિમાં આવી ગઈ હતી.

તેઓ કહે છે, "આમાંના ઘણા કૉન્ટ્રૅક્ટ કોઈ સ્પર્ધા વિના જ કે બહુ ઓછી સ્પર્ધા સાથે આપી દેવાયા હતા. તેનું કારણ એ કે આ કંપનીઓ કેટલીક બાબતોમાં ઇજારાશાહી ધરાવે છે. આ પ્રકારની કામગીરી કરી શકે તેવી ક્ષમતા ધરાવતી બહુ કંપનીઓ નથી. તેના કારણે તેમણે મનફાવે તેવા ભાવ સર્વિસ માટે ટાંક્યા હતા."

ઘણી કંપનીઓએ સલામતીની સ્થિતિ કફોડી છે અને જ્યાં સર્વિસ આપવાની છે ત્યાં પહોંચવામાં ભારે મુશ્કેલી પડે છે તેવી દલીલો કરીને ભાવો વધારી દીધા હતા.

અફઘાનિસ્તાનમાં યુદ્ધ વખતે કેવી પદ્ધતિએ કૉન્ટ્રૅક્ટ્સ અપાયા હતા તેવા સવાલના જવાબમાં પેન્ટાગોનના પ્રવક્તાએ કહ્યું કે તેમની પાસે અફઘાનિસ્તાને લગતા કૉન્ટ્રૅક્ટ્સની અલગથી વિગતો કે અંદાજ નથી.

તેમણે જણાવ્યું કે સામાન્ય રીતે પેન્ટાગોન "95% જેટલા કૉન્ટ્રૅક્ટ સ્પર્ધાત્મક રીતે જ આપતું હોય છે અને ડૉલરની રીતે 50 ટકા ટકા જેટલા કૉન્ટ્રૅક્ટ સ્પર્ધાત્મક રીતે અપાતા હોય છે."

પ્રવક્તાએ વધુમાં જણાવ્યું કે "સંરક્ષણ મંત્રાલયની નીતિ છે કે શક્ય હોય ત્યાં સુધી સ્પર્ધાત્મક રીતે જ કૉન્ટ્રૅક્ટ આપવા. પરંતુ એ વાત સાચી કે પ્રારંભમાં નવા તૈયાર થયેલા શસ્ત્રો માટે ટેન્ડરિંગ થયું હોય ત્યારે મોટા ભાગે એક જ ઉત્પાદક કંપની તેના માટે હોય છે."

બિલ્મીઝ કહે છે કે મોટા ભાગે આવી સ્થિતિ હોય છે, પણ સાથે જ મોટા પાયે ભ્રષ્ટાચાર પણ થતો હોય છે.

તેમના જણાવ્યા અનુસાર "એવું પણ થયું હોય છે કે ઇમારતને રંગ કરવા માટે ખર્ચ થયો હોય તેના કરતાં 20 ગણી રકમ લેવામાં આવી હોય, જે ગેરરીતિ જ છે. એવી રીતે પણ ભ્રષ્ટાચાર થાય કે તમે ઇમારતને રંગકામ કરવા માટેનો કૉન્ટ્રૅક્ટ લઈ લો પછી રંગકામ કરો જ નહીં. આ સિવાય હું જેને 'બજેટ ભૂત' કહું છું તેવું પણ થતું હોય છે - રંગકામ કરવા માટે ઇમારત હોતી જ નથી, એટલે ફાળવાયેલું ભંડોળ ગૂપચાવી જવાનું."

"કેટલાક સ્થાનિક કૉન્ટ્રૅક્ટની બાબતમાં અફઘાનિસ્તાનમાં આવું જ થયું હતું." એમ તેમનું માનવું છે.

બિલ્મીઝ કહે છે કે ઘણા બધા સબકૉન્ટ્રૅક્ટર્સ પણ હતા, પણ તેમને કેટલી ચુકવણી થઈ તેની કોઈ માહિતી ઉપલબ્ધ નથી. તેથી પૈસા કેવી રીતે વપરાયા તેનો હિસાબ મેળવવો મુશ્કેલ હોય છે.

જોકે આ બાબતમાં પેન્ટાગોનના પ્રવક્તાએ બીબીસી મુન્ડોને જણાવ્યું કે ફેડરલ કાયદા અને નિયંત્રણોની એવી "ચુસ્ત વ્યવસ્થા છે, કે જ્યાં માત્ર એક જ સપ્લાયર હોય ત્યાં પણ દરેક વસ્તુ અને સર્વિસના યોગ્ય અને વાજબી ભાવો જ રહે."

તેમણે જણાવ્યું કે "વિશેષ કરીને, ટ્રૂથ ઇન નેગોશિયન્સ ઍક્ટ (TINA) હેઠળ એવી જોગવાઈ છે કે એક માત્ર સપ્લાયર હોય ત્યારે તેણે ખર્ચ અને કિંમતના એક્યુરેટ ડેટા સરકારને આપવા જરૂરી હોય છે, જેથી યોગ્ય અને વાજબી કિંમતો નક્કી થઈ શકે."

ભ્રષ્ટાચારના આરોપો અંગે મૅક્સવેલે જણાવ્યું કે કૌભાંડ, ગેરરીતિ, ઉચાપત કે ભ્રષ્ટાચારના કોઈ પણ પુરાવા હોય તો તેની ફરિયાદ સંરક્ષણ મંત્રાલયના તપાસ વિભાગના ઇન્સ્પેક્ટર જનરલને આપી શકાય છે.

ન્યૂ યૉર્ક ટાઇમ્સે તપાસ વિભાગના ઇન્સ્પેક્ટર જનરલના 2008થી 2017 સુધીના અહેવાલોને ટાંકીને જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનમાં પુનઃરચનાની કામગીરી દરમિયાન ગેરરીતિ, દુરુપયોગ, ભ્રષ્ટાચારને કારણે અમેરિકાએ અંદાજે 15.5 અબજ ડૉલર ગુમાવ્યા હતા.

બિલ્મીઝ કહે છે કે યુદ્ધને કારણે માત્ર અમુક પ્રકારની કંપનીઓને જ ફાયદો થયો એવું નથી, પરંતુ અનેક પ્રકારની કંપનીઓને ફાયદો થયો છે. સંરક્ષણ કંપનીઓ, લૉજિસ્ટિક્સ, બાંધકામ, ઇંધણ પૂરી પાડનારી કંપનીઓ, જરૂરી સૉફ્ટવેર સહિતની સર્વિસ પૂરી પાડનારી કંપનીઓ એમ અનેક કંપનીઓને અફઘાનિસ્તાનમાં સેનાની કામગીરીમાં કૉન્ટ્રૅક્ટ્સ મળ્યા હતા.

અંતમાં બિલ્મીઝ કહે છે, "હકીકતમાં, આમાંની અમુક કંપનીઓને ખરેખર તગડી કમાણી થઈ ગઈ હતી."https://www.youtube.com/watch?v=G3ciFzlPixQ&t=24s

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
The five American companies that made a fortune in the war in Afghanistan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X