• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પાકિસ્તાનનું ત્રણ દાયકા પહેલાં ગુમ થયેલું એ વિમાન જેની ભાળ હજુ પણ મળી નથી

By BBC News ગુજરાતી
|
Google Oneindia Gujarati News

"મારા પિતા તેમના જીવનના છેલ્લા શ્વાસ સુધી તેમની દીકરી, જમાઈ અને નાનકડી પૌત્રીને યાદ કરતા હતા. તેમણે હિમાલયના પર્વતોથી માંડીને અફઘાનિસ્તાન તથા ભારત સાથેના પાકિસ્તાનના સરહદી વિસ્તારોમાં એ વિમાનનો કાટમાળ શોધવાનો પ્રયાસ કર્યો હતો, જે વિમાનમાં તેમની દીકરી, જમાઈ અને પૌત્રીએ પ્રવાસ કર્યો હતો."

ગિલગિટમાં રહેતા શાહિદ ઈકબાલને પાકિસ્તાન ઇન્ટરનેશનલ ઍરલાઈન્સ(પીઆઈએ)ની એ કમનસીબ ફ્લાઇટ ક્રમાંક 404 બાબતે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે તેનો જવાબ ઉપરોક્ત શબ્દોમાં આપ્યો હતો.

વર્ષ 1989ની 25 ઑગસ્ટે સવારે લગભગ સાડા સાત વાગ્યે ગિલગિટથી ઇસ્લામાબાદ જઈ રહેલા પીઆઈએના વિમાન ક્રમાંક 404માં પ્રવાસીઓ તથા ચાલકદળના સભ્યો મળીને કૂલ 54 લોકો પ્રવાસ કરતા હતા. તેમાં પાંચ શિશુઓ પણ સામેલ હતાં.

એ ફ્લાઇટ ગિલગિટથી રવાના થઈ તેને 32 વર્ષ વીતી ચૂકયાં છે, પરંતુ એ ફ્લાઇટ આજે પણ લાપતા છે. એ ફ્લાઇટનું શું થયું અને તેને કેવા સંજોગોમાં અકસ્માત નડ્યો હતો એ વિશે અત્યાર સુધી કશું જ જાણવા મળ્યું નથી.

વિમાનનો કાટમાળ શોધવાના નિષ્ફળ પ્રયાસ લાંબા સમય સુધી કર્યા બાદ અધિકારીઓએ તે ફ્લાઇટના તમામ પ્રવાસીઓને મૃત જાહેર કર્યા હતા.

એ પ્રવાસીઓમાં શાહિદ ઈકબાલના પિતા અબ્દુલ રઝ્ઝાકનાં દીકરી નીલોફર, તેમના પતિ નાસિરુદ્દીન અને અબ્દુલ રઝ્ઝાકનાં પૌત્રીનો પણ સમાવેશ થાય છે.

શાહિદ ઈકબાલ જણાવે છે કે તેમના પિતાએ તે વિમાનનો કાટમાળ શોધવાના વ્યક્તિગત પ્રયાસ લાંબા સમય સુધી કર્યા હતા, કારણ કે તેઓ કહેતાઃ "વિમાનનો કાટમાળ સોય જેવી ચીજ નથી કે શોધનારને દેખાય જ નહીં."

અબ્દુલ રઝ્ઝાકનું થોડા સમય પહેલાં અવસાન થયું.


વિમાનમાં હતા 49 પ્રવાસીઓ

એ વિમાનમાં બે વિદેશી નાગરિકો અને પાંચ શિશુઓ સહિત કૂલ 49 પ્રવાસીઓ હતા તથા ચાલકદળના પાંચ સભ્યો હતા. મોટા ભાગના પ્રવાસીઓ ગિલગિટ-બાલ્ટિસ્તાનના રહેવાસી હતા.

બે વિદેશી પ્રવાસીઓમાં સ્વતંત્ર પત્રકાર તથા શિક્ષક ડૉ. રેના સીડ્રેસ અને પૉલ મૅકગવર્નનો સમાવેશ થતો હતો.

શાહિદ ઈકબાલ તેમનાં બહેન નીલોફરથી ચાર વર્ષ નાના છે.

તેઓ કહે છે, "મારા બનેવી નસીરુદ્દીન ગિલગિટમાં કૃષિ બૅન્કના મૅનેજર હતા. તેઓ તેમના વરિષ્ઠ સહયોગી આસિફુદ્દીન સાથે ઇસ્લામાબાદ જઈ રહ્યા હતા. વિમાનમાં આસિફુદ્દીનનાં પત્નીં તથા બાળકો પણ પ્રવાસ કરતાં હતાં."

શાહિદ ઈકબાલ કહે છે, "હું પોતે મારાં બહેન, બનેવી અને ભાણેજને મૂકવા ઍરપોર્ટ ગયો હતો. ત્યાં આસિફુદ્દીનનો પરિવાર પણ હાજર હતો. ઍરપૉર્ટ પર બન્ને પરિવારો વાતચીત કરી રહ્યા હતા. વિમાન રવાના થયું એટલે હું ઘરે પાછો આવી ગયો હતો."

તેઓ ઉમેરે છે, "એ બધાં ઇસ્લામાબાદ પહોંચ્યા કે નહીં તેની તપાસ લગભગ દોઢ કલાક પછી અમે કરી હતી. એ વખતે અમને જણાવવામાં આવ્યું હતું કે વિમાન ગૂમ થઈ ગયું છે. એ સાંભળતાં અમારા માથે જાણે કે આભ તૂટી પડ્યું હતું."

ફ્લાઇટ નંબર 404ની દૂર્ઘટના સાથે સંકળાયેલા અનેક પરિવારોની કહાણી આવી જ છે.


'એ ખુદા હાફિઝ ભૂલાતું નથી'

ગિલગિટમાં રહેતા ઝહૂર અહમદ રાવલપિંડીમાં પોતાનો બિઝનેસ કરે છે. તેમના નાના ભાઈ એજાઝ અહમદ, મામાના દીકરા મહમદ ઈબ્રાહિમ અને ભાઈના દોસ્ત મહમદ ઈરફાન પણ એ વિમાનમાં પ્રવાસ કરતા હતા.

ઝહૂર અહમદ કહે છે, "મારો ભાઈ ઇસ્લામાબાદની એક નાઈટ કૉલેજમાં ઇન્ટરમીડિએટનો વિદ્યાર્થી હતો. એ વૅકેશનમાં ઘરે આવ્યો હતો. તેનું વૅકેશન પુરું થવાનું હતું. અમારું ઘર ઍરપૉર્ટ પાસે જ હતું. હું પોતે તેને મોટરસાયકલ પર ઍરપૉર્ટ મૂકવા ગયો હતો. મહમદ ઈબ્રાહિમ અમારા પહેલાં ઍરપોર્ટ પહોંચી ગયા હતા, જ્યારે મહમદ ઈરફાનને તેઓ ઍરપૉર્ટ પર જ મળ્યા હતા."

ઝહૂર અહમદ ઉમેરે છે, "ત્રણેય દોસ્તો ખુશખુશાલ ચહેરે વિમાનમાં સવાર થયા હતા. એ લોકોએ હાથ હલાવીને મને ખુદા હાફિઝ કહ્યું હતું એ દૃશ્ય અનેક વર્ષો પછી પણ હું ભૂલી શક્યો નથી."

ઝહૂર અહમદના જણાવ્યા મુજબ, વિમાનદૂર્ઘટના પછી તેમનાં માતા ડિપ્રેશનમાં સપડાઈ ગયાં હતાં.

તેઓ કહે છે, "પુત્રને ગુમાવ્યા પછી, મારાં માતા કોઈ વિમાનદૂર્ઘટનાના સમાચાર સાંભળતાં ત્યારે રડવા લાગતાં હતાં. આજે 32 વર્ષ થયાં, પરંતુ એ વિમાન સાથે ખરેખર શું થયું હતું એ અમને આજ સુધી જણાવવામાં આવ્યું નથી."


ફ્લાઇટ નંબર 404 સાથે શું થયું હતું?

ફ્લાઇટ નંબર 404 બાબતે માહિતી મેળવવા માટે બીબીસીએ પીઆઈએ તથા સિવિલ ઍવિએશન ઑથોરિટીનો સંપર્ક કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ બહુ જૂની ઘટના છે અને એ વિશે હાલ કોઈ તપાસ અહેવાલ તેમના રૅકોર્ડમાં નથી.

બન્ને એજન્સીઓના જણાવ્યા મુજબ, તેઓ એ ફ્લાઇટ વિશે માહિતી આપી શકે તેમ નથી.

ઍવિએશન સેફટી નેટવર્કના જણાવ્યા મુજબ, ફ્લાઇટ નંબર 404 એક ફોકર ફ્રેન્ડશિપ વિમાન હતું. એ વિમાને 1962માં તેની પહેલી ઉડાન ભરી હતી.

ગૂમ થયા પહેલાં એ વિમાન કૂલ 44,000 કલાકનો પ્રવાસ કરી ચૂક્યું હતું.

ઍવિએશન સેફટી નેટવર્કના જણાવ્યા મુજબ, એ વિમાને 1989ની 25 ઑગસ્ટની સવારે 7.36 વાગ્યે ગિલગિટથી ઉડ્ડયન કર્યું હતું.

વિમાનના ચાલકદળે કંટ્રોલ રૂમને 7.40 વાગ્યે જણાવ્યું હતું કે તેઓને 7.59 વાગ્યે સમુદ્રની સપાટીથી 10,000 ફીટની ઉંચાઈ પર પહોંચી જવાની આશા હતી.

ચાલકદળનો કંટ્રોલ રૂમ સાથેનો એ છેલ્લો સંપર્ક હતો. એ સમયના કેટલાક મીડિયા રિપોર્ટ મુજબ, થોડી મિનિટ હવામાં ઉડાણ ભર્યા પછી વિમાન ગાયબ થઈ ગયું હતું.


વિમાનને શોધવાનું અભિયાન

એક અખબારી અહેવાલ મુજબ, પીઆઈએના પ્રવક્તાએ મીડિયાને જણાવ્યું હતું કે વિમાન ગૂમ થયા બાદ પાકિસ્તાન તરફના હિમાલય પર્વતમાળા ક્ષેત્રમાં તપાસઅભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

એ કામગીરીમાં તપાસ-કર્મચારીઓ અને એ પ્રદેશના જાણકાર લોકો સહિત ઓછામાં ઓછા 700 લોકો સામેલ હતા.

વિમાનને શોધવાનું અભિયાન ઘણા દિવસો સુધી ચાલ્યું હતું. તેમાં પાકિસ્તાની હવાઈદળનાં ચાર હેલિકૉપ્ટર, સી-130 પ્રકારનાં બે પ્લેન અને પીઆઈએનાં બે વિમાન પણ સામેલ હતાં.

પાકિસ્તાનના અધિકારીઓએ કરેલી વિનતીના અનુસંધાને ભારતીય હવાઈદળે પણ પોતાના પ્રદેશમાં વિમાનનો કાટમાળ શોધવાનું અભિયાન હાથ ધર્યું હતું.

આ ઘટના બાબતે એ સમયખંડમાં પ્રકાશિત સમાચારોનો અભ્યાસ કરતાં જાણવા મળે છે કે વિમાનનો કાટમાળ શોધવાનું સૌથી વધુ કામ વિશ્વના સૌથી કઠીન નાગા પર્વત અને તેની આસપાસના વિસ્તારોમાં કરવામાં આવ્યું હતું.

એ વખતે નાગા પર્વત પર હાજર બે બ્રિટિશ પર્વતારોહકોએ મીડિયાને જણાવ્યું હતું કે તેમણે નાગા પર્વત પર એક વિમાનને બહુ નીચે ઊડતું જોયું હતું.

શાહિદ ઈકબાલ જણાવે છે કે અધિકારીઓએ વિમાનના પ્રવાસીઓ મૃત જાહેર કર્યા અને શોધઅભિયાનની સમાપ્તિની જાહેરાત કરી પછી પણ તેમના પિતાને એ વાત પર વિશ્વાસ ન હતો.

તેથી તેઓ વ્યક્તિગત રીતે તપાસ કરવા નાગા પર્વત ગયા હતા અને એ કામમાં સ્થાનિક લોકોની મદદ પણ લીધી હતી.

શાહિદ ઈકબાલના જણાવ્યા મુજબ, સત્તાવાર શોધઅભિયાન પૂર્ણ થયા બાદ તેમના પિતાએ જ નહીં, પરંતુ અન્ય પ્રવાસીઓના પરિવારજનોએ પણ વિમાનનો કાટમાળ શોધવાના પ્રયાસ કર્યા હતા અને એ સિલસિલો અનેક મહિનાઓ સુધી ચાલતો રહ્યો હતો.

શાહિદ ઈકબાલ કહે છે, "મારા પિતા અન્ય મુસાફરોના પરિવારજનો સાથે ચિત્રાલ પાસેના અફઘાનિસ્તાનના પહાડી વિસ્તારમાં પણ ગયા હતા. તેમણે સ્થાનિક લોકો સાથે વાતચીત કરી હતી. અંકુશરેખા પ્રદેશમાં સઘન તપાસ કરી હતી. જ્યાં શક્ય હતું એ બધા વિસ્તારમાં તપાસ કરી હતી."


એ વિમાન સાથે શું થયું હશે?

પાકિસ્તાન હવાઈ દળના ભૂતપૂર્વ ફ્લાઈંગ ઓફિસર સરદાર ફિદા હુસૈનના જણાવ્યા મુજબ, એ ઘટનામાં ખરેખર શું થયું હશે એ ખાતરીપૂર્વક કહી શકાય તેમ નથી.

ઈરાકની રાષ્ટ્રીય ઍરલાઈન માટે સલાહકાર તરીકે કામ કરી ચૂકેલા ફિદા હુસૈને જણાવ્યું હતું કે દૂર્ઘટના થઈ ત્યારે ટેકનૉલૉજી, દૂર્ગમ પ્રદેશમાંથી વિમાનના કાટમાળની ભાળ મેળવી શકાય એટલી વિકસી ન હતી. અત્યારે શક્યતા બાબતે જ ચર્ચા કરી શકાય, કારણ કે વિમાનનો કાટમાળ કે બ્લેક બોક્સ કશું જ મળ્યું નથી.

ફિદા હુસૈનનું કહેવું છે કે વિમાનના ચાલકદળનો કંટ્રોલ રૂમ સાથેનો છેલ્લો સંપર્ક નૉર્મલ હતો.

ફિદા હુસૈન કહે છે, "એ પ્રકારનું કમ્યુનિકેશન દરેક પ્લેન આકાશગમન કરે ત્યારે થતું હોય છે. એ બહુ સામાન્ય પ્રક્રિયા હતી. તેના આધારે કોઈ અનુમાન ન કરી શકાય. અલબત, એટલું જરૂર કહી શકાય કે વિમાને આકાશગમન કર્યું ત્યારે બધું યોગ્ય હતું."

ફિદા હુસૈન ઉમેરે છે, "પહેલા સંપર્ક પછી કોઈ કમ્યુનિકેશન થયું ન હતું. વિમાનમાં ખામી સર્જાય તો સામાન્ય રીતે પાઇલટ સૌપ્રથમ ઍર ટ્રાફિક કંટ્રોલને જણાવતા હોય છે. એવો કોઈ સંદેશો આપવામાં આવ્યો ન હતો. તેથી દૂર્ઘટના અચાનક બની હોય એ શક્ય છે. પરિસ્થિતિ એટલી અણધારી હોય કે પાઇલટને ઍર ટ્રાફિક કંટ્રોલનો સંપર્ક સાધવાની તક જ ન મળી હોય."

"એ પણ શક્ય છે કે વિમાનની કમ્યુનિકેશન સિસ્ટમ ફેલ થઈ ગઈ હોય અને કમ્યુનિકેશન કરવાનું શક્ય જ હોય."

ફિદા હુસૈનના જણાવ્યા મુજબ, એ સમયે કેટલાક પૂરાવા મળ્યા હોત કે તપાસ રિપોર્ટમાં કોઈ સંકેત હોત તો તેના આધારે આજે આધુનિક ટેકનૉલૉજીની મદદથી તપાસ આગળ વધારી શકાઈ હોત, પરંતુ હવે એ અશક્ય છે.

નાગા પર્વતની હિમશીલાઓ અને બરફમાંથી વિમાનનો કાટમાળ શોધવાનું દુષ્કર હશે, એમ ફિદા હુસૈને જણાવ્યું હતું.

ઝહૂર અહમદ કહે છે, "અફરાતફરીનો માહોલ હતો. તેથી દરેક પ્રકારના પુષ્ટિવિહોણા સમાચારો આવતા હતા અને વિવાદાસ્પદ વાતો કરવામાં આવતી હતી. અમે ગિલગિટ ઍરપૉર્ટ પર ગયા ત્યારે ત્યાં પણ અંધાધૂંધી હતી. ઍરપોર્ટના મોટા ભાગના કર્મચારીઓ ગિલગિટના રહેવાસી હોવાથી અમે તેમને ઓળખતા હતા."

"કેટલાક લોકોએ અમને કહ્યું હતું કે જે વિમાને આકાશગમન કર્યું તેમાં પાઇલટ જ ન હતો. કોઈ પ્રવાસી પાઇલટ તે વિમાન ચલાવતો હતો."

ઝહૂર અહમદ ઉમેરે છે, "અમે તપાસસમિતિ તથા અધિકારીઓને આ બધી વાતો જણાવી હતી. ખબર નહીં કેમ, પણ અમને ત્યારથી લાગતું હતું કે તપાસ સમિતિ અને અધિકારીઓનું વલણ યોગ્ય ન હતું. તેઓ અમારી એકેય વાત પર ધ્યાન આપતા ન હતા."

"તપાસનો અહેવાલ ટૂંક સમયમાં આવી જશે એવું અમને જણાવવામાં આવતું રહ્યું છે, પણ આજે એ ઘટનાને 32 વર્ષ વીતી ચૂક્યાં છે."


કોરોના વાઇરસ ફર્નિચર

https://www.youtube.com/watch?v=CZRuslESZUI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
The Pakistani plane that went missing three decades ago is still missing
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X