ભૂકંપના જોરદાર આંચકા, રહેણાંક મકાન ધરાશાયી થતાં 26ના મોત
કાબુલ : અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન વચ્ચે સોમવારના રોજ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. મળતી માહિતી મુજબ સોમવારના રોજ પશ્ચિમ અફઘાનિસ્તાન પ્રાંતના બડગીસમાં આવેલા ભૂકંપમાં 26 લોકોના મોત થયા છે. આંતરરાષ્ટ્રીય મીડિયાના અહેવાલો અનુસાર બદગીસના કાદિસ જિલ્લામાં એક રહેણાંક મકાન ધરાશાયી થતાં 26 લોકોના મોત થયા છે. ભૂકંપના આંચકાના કારણે આ અકસ્માત થયો હતો.

ભૂકંપની તીવ્રતા 5.3 હતી
યુએસ જિયોલોજિકલ સર્વે અનુસાર અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.3 હતી. સ્થાનિક અધિકારી ગવર્નર મોહમ્મદ સાલેહ પરદેલે જણાવ્યું કે, "આજના ભૂકંપમાં ઘણા લોકો ઘાયલ પણ થયા છે." તેમણે કહ્યું કે પીડિતોમાં મહિલાઓ અને બાળકો પણ શામેલ છે.

3-4 દિવસમાં બીજો આંચકો
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 3-4 દિવસમાં આ બીજી વખત છે, જ્યારે અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. શુક્રવારના રોજ અફઘાનિસ્તાનના ફૈઝાબાદ નજીકભૂકંપના આંચકા અનુભવાયા હતા. તે ભૂકંપની તીવ્રતા પણ 5.3 હતી, પરંતુ તેમાં કોઈ જાન-માલનું નુકસાન થયું ન હતું.

અફઘાનિસ્તાનમાં પહેલેથી જ માનવતાવાદી સંકટ છે
ઉલ્લેખનીય છે કે, અફઘાનિસ્તાન પહેલાથી જ માનવતાવાદી આપત્તિની ઝપેટમાં છે, ઓગસ્ટ 2021માં તાલિબાન દ્વારા દેશ પર કબ્જો કરવામાં આવ્યો હતો, જેના કારણેઆંતરરાષ્ટ્રીય વેપાર પ્રભાવિત થયો છે અને આંતરરાષ્ટ્રીય સંબંધો સમાન નથી. સોમવારે ભૂકંપનો આંચકો અનુભવાયેલો જિલ્લો પહેલાથી જ વિનાશક દુષ્કાળથી સૌથીવધુ પ્રભાવિત છે.