2030 માં ચંદ્ર પર થશે હલચલ, નાસાની ચેતવણી
જળવાયુ પરિવર્તનના કારણે પૃથ્વીનું હવામાન ઝડપથી બદલાઈ રહ્યું છે. જેના કારણે ગ્લેશિયર ઓગળી રહ્યા છે અને ઘણા દેશોમાં પૂરની પરિસ્થિતિ ઉભી થઈ છે. યુએસ સ્પેસ એજન્સી નાસાએ એક અધ્યયનમાં દાવો કર્યો છે કે હવામાનમાં પરિવર્તનની અસર ચંદ્ર પર પણ થઈ શકે છે. નાસાએ તેના અહેવાલમાં જણાવ્યું છે કે વર્ષ 2030 માં હવામાન પરિવર્તનને કારણે સમુદ્રના વધતા સ્તર સાથે ચંદ્ર તેની ભ્રમણકક્ષાથી આગળ વધશે, જેનાથી પૃથ્વી પર વિનાશક પૂર આવશે.

નાસાનું રિસર્ચ નેચર ઓન કલાઈમેટ ચેન્જ જર્નલમાં પ્રકાશિત થયુ
નાસાનું આ રિસર્ચ 21 જૂને નેચર ઓન કલાઈમેટ ચેન્જ જર્નલમાં પ્રકાશિત થયુ છે. અધ્યયનમાં, ચંદ્ર પર હલનચલનને કારણે પૃથ્વી પર આવેલા પૂરને 'ઉપદ્રવી પૂર' કહેવામાં આવ્યુ છે. આ પ્રકારના પુર દરિયાકાંઠાના વિસ્તારોમા આવે છે. દરિયાના મોજા સરેરાશ રોજ કરતા 2 ફૂટ ઉંચા ઉઠે છે. ઘર અને રસ્તાઓ પર પાણી ફરી વળે છે.

પૂરની પરિસ્થિતિ 2030 ના દાયકાના મધ્યભાગ સુધી સતત વધશે
નાસાના અધ્યયન મુજબ, પૂરની તોફાની પરિસ્થિતિ 2030 ના દાયકાના મધ્યભાગ સુધી સતત વધશે અને ત્યારબાદ અચાનક અનિયંત્રિત થઈ જશે. અધ્યયનમાં જણાવાયુ છે કે યુએસના કિનારે સમુદ્રની લહેરો સામાન્ય કરતા ત્રણથી ચાર ફૂટ ઉંચી ઉઠશે અને તે એક દશક સુધી ચાલશે. અધ્યયનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે પૂરની આ સ્થિતિ સમગ્ર વર્ષ દરમિયાન નહીં રહે. ફક્ત થોડા મહિનાઓમાં આ પરિસ્થિતિ સર્જાશે. જેનું જોખમ વધારે હશે.

વૈશ્વિક સ્તરે દરિયાકાંઠાના વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિનું સર્જન થશે
નાસાના એડમિનિસ્ટ્રેટર બિલ નેલ્સને કહ્યું કે દરિયાની સપાટી વધતા નીચાણવાળા વિસ્તારોમાં પૂરનું જોખમ વધી રહ્યું છે. અવારનવાર પૂરને કારણે લોકોની મુશ્કેલીઓ પણ વધી રહી છે અને આગામી સમયમાં આ મુશ્કેલીઓ વધુ વધશે. તેમણે કહ્યું હતું કે કક્ષામાં ચંદ્રની સ્થિતિમાં પરિવર્તન, ગુરુત્વાકર્ષણ, સમુદ્રનું વધતું સ્તર અને આબોહવા પરિવર્તન એક સાથે વૈશ્વિક સ્તરે દરિયાકાંઠાના વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિનું સર્જન કરશે, જેના કારણે મોટો વિનાશ થઈ શકે છે.

વધતી ગરમી અને દરિયાની વધતી સપાટી ચિંતાનું કારણ
હવાઈ યુનિવર્સિટીના સહાયક પ્રોફેસર અને સંશોધનના મખ્ય લેખક ફિલ થોમ્પસને પૃથ્વી પર ચંદ્રની અસરને લીધે આવેલા પૂર વિશે જણાવ્યું કે, જ્યારે ચંદ્ર તેની કક્ષામાં ભ્રમણ કરે છે, ત્યારે તેને પૂર્ણ થવામાં 18.6 વર્ષ લાગે છે. પરંતુ પૃથ્વી પર વધતી ગરમી, દરિયાની વધતી સપાટી વગેરે બાબતો મળીને ખતરનાક પરિણામ આપશે.

9 વર્ષ દરમિયાન પૃથ્વી પર દરિયામાં હાઈ ટાઈડ ઘટી જાય છે
થોમ્પસને કહ્યું કે 18.6 વર્ષમાં, અર્ધા સમય એટલે કે લગભગ 9 વર્ષ દરમિયાન પૃથ્વી પર દરિયામાં હાઈ ટાઈડ ઘટી જાય છે. આ સમયે ભરતી નીચી રહે છે. બીજી બાજુ, આગામી બીજા 9 વર્ષ તેનાથી ઉલ્ટી પરિસ્થિતી રહે છે.આ ચક્ર 2030 ની શરૂ થશે. જેના કારણે જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થશે.