કુદરતના નિયમોને પડકારવાની મળી સજા, આ ત્રણ દેશોમાં આવી ભયંકર કુદરતી આફત
નવી દિલ્હી, 27 જુલાઈ : પ્રકૃતિના નિયનોને પડકારવાના પરિણામો અતિ જોખમી હોય છે. દેશની સરકાર આ વિશે વિચારતી નથી અને પ્રકૃતિને સતત નુકસાન થાય તેવા કાર્ય કરતા રહે છે. જે કારણે પ્રકૃતિએ માણસો સાથે બદલો લેવાનું શરૂ કર્યું હોય તેમ જણાઇ રહ્યું છે. એક તરફ સમગ્ર વિશ્વ કોરોના મહામારીથી પરેશાન છે, તો બીજી તરફ કુદરતી આફતોએ લોકોનું જીવવું હરામ કરી નાખ્યું છે. પ્રકૃતિને સતત નુકસાન પહોંચાડી રહેલા વિશ્વના ત્રણ દેશો આજકાલ તેની સજા ભોગવી રહ્યા છે.
પૂર, વરસાદ અને વાવાઝોડાનું સામુહિક તાંડવ
પૂર, વરસાદ અને વાવાઝોડાએ વિશ્વના ઘણા દેશોમાં તબાહી મચાવી છે. અમેરિકામાં રેતીમાં અત્યાર સુધીમાં સાત લોકોનાં મોત થયા છે, જ્યારે 'ઈન ફા' નામના વાવાઝોડાએ ચીનના પૂર્વ ઝિજિયાંગ પ્રાંતમાં કહેર મચાવ્યો છે, જેનાથી ભયંકર વિનાશ સર્જાવાની આશંકા છે. મંગળવારના રોજ પેસિફિક મહાસાગરથી ઉત્તર તરફ જતા હરિકેન નેપાર્તક મંગળવારના રોજ ટોક્યો સહિત જાપાનમાં પહોંચી શકે છે, જેનાથી જાપાનની પરિસ્થિતિ વધુ વણસી શકે છે. આ વાવાઝોડું ટોક્યો ઓલિમ્પિક 2020ના આયોજન વચ્ચે અથડાશે. આ સાથે ભારતમાં પણ ભારે વરસાદને કારણે લોકોની મુશ્કેલીઓ વધી રહી છે. ઘણા રાજ્યો પૂરની ભયાનક પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે.

અમેરિકામાં રેતીના વાવાઝોડાનો તરખાટ
અમેરિકાના યુટાહમાં રેતીના વાવાઝોડાને કારણે 20 વાહનોનો અકસ્માત થયો હતો. જેમાં 7 લોકોનાં મોત થયા છે. આ દુર્ઘટનાઓ ઇન્ટરસ્ટેટ 15 ખાતે કનોશ નજીક બની છે. જેમાં ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એક રિપોર્ટ અનુસાર રેતીના વાવાઝોડાને કારણે વિઝિબિલિટીમાં ઘટાડો થઇ ગયો હતો, જે કારણે આ અકસ્માત સર્જાયો હતો.
ચીનમાં વાવાઝોડાને કારણે વિનાશનું સંકટ
ચીનના દરિયાકાંઠાના પ્રાંત ઝેજિયાંગમાં 'ઇન-ફા' વાવાઝોડું ટકરાયું છે. જે બાદ ફોર્થ સ્ટેજ ઇમરજન્સી રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. 'ઈન-ફા' વાવાઝોડાને કારણે શાંઘાઈના ટ્રાફિકને અસર થઇ છે. વાવાઝોડાને કારણે 3.60 લાખથી વધુ લોકોને દરિયાકાંઠાના વિસ્તારોમાંથી સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. આ વાવાઝોડું રવિવારની બપોરે ઝિજિયાંગ પ્રાંતના દરિયાકાંઠે પહોંચ્યું હતું, જેની ઝડપ 6.2 માઇલ પ્રતિ કલાકની હતી.
જાપાન મુશ્કેલીમાં ફસાયું
પ્રશાંત મહાસાગરથી ઉત્તર તરફ જતા હરિકેન નેપાર્ટક મંગળવારના રોજ જાપાનની રાજધાની ટોક્યો સહિત જાપાનના મુખ્ય શહેરોમાં ટકરાશે. આ વાવાઝોડું પશ્ચિમ તરફ જશે અને જાપાનના પૂર્વ અને પૂર્વોત્તર ભાગોમાં પહોંચે તેવી શક્યતાઓ છે. વાવાઝોડાને કારણે ઓલિમ્પિક પર પણ અસર થઈ શકે છે અને ઘણી મેચ રદ્દ થાય તેવી પણ શક્યતાઓ છે. જાપાનની હવામાન એજન્સી દ્વારા ભારે વરસાદ, પવન અને ઉચ્ચ મોજા ઉછળશે તેવી ચેતવણી આપવામાં આવી છે. જાપાનમાં 100 MM સુધી વરસાદ પડે તેવી શક્યતા વચ્ચે સરકાર રાહત અને બચાવ કાર્ય માટે એલર્ટ છે.