
ફરીથી કર્મચારીઓને નોકરીમાંથી કાઢશે ટ્વિટર, લિસ્ટ તૈયાર
સોશિયલ નેટવર્કિંગ સાઈટ ટ્વિટરની કમાન ઈલોન મસ્કના હાથમાં આવી છે ત્યારથી જ ખળભળાટ મચી ગયો છે. પહેલા તેઓએ 50 ટકા કર્મચારીઓને બહારનો રસ્તો બતાવ્યો. બાદમાં દાવો કર્યો કે હવે તેઓ છટણી નહીં કરે, પરંતુ હવે ત્યાંથી વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. સમાચાર એ છે કે કંપનીએ ફરીથી 50 કર્મચારીઓની છટણી કરવાની યોજના બનાવી છે, પરંતુ ટ્વિટરના અધિકારીઓ આ મામલે સંપૂર્ણપણે મૌન છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, Twitter Inc 50 કર્મચારીઓની છટણી કરવા જઈ રહી છે. આ પછી કર્મચારીઓની કુલ સંખ્યા 2000થી ઓછી થઈ જશે. ઘણા મીડિયા હાઉસે આ અંગે ટ્વિટર પાસે જવાબ માંગ્યો હતો, પરંતુ તેમના તરફથી કોઈ જવાબ મળ્યો નહોતો. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે જ્યારથી મસ્કે ટ્વિટરનો હવાલો સંભાળ્યો છે ત્યારથી કંપની ખોટમાં ચાલી રહી છે. જેના કારણે તેમને કર્મચારીઓની છટણી કરવી પડી છે. આ સિવાય તેના વર્તનથી પરેશાન થયેલા ઘણા કર્મચારીઓએ જાતે જ નોકરી છોડી દીધી હતી.
એક રિપોર્ટ અનુસાર ચોથા ક્વાર્ટરમાં ટ્વિટરની આવક લગભગ 35% ઘટીને $1.025 બિલિયન થઈ ગઈ છે. આ કારણે ઈલોન મસ્ક ખૂબ જ પરેશાન છે. નિષ્ણાતો દાવો કરી રહ્યા છે કે જો મસ્ક ટૂંક સમયમાં કોઈ નક્કર પગલાં નહીં ભરે તો ટ્વિટર ચલાવવું ઘણું મુશ્કેલ બની જશે.