વીડિયોઃ ફ્રાંસમાં આ સ્પાઈડરમેનને રાષ્ટ્રપતિ આપશે નોકરી અને સિટીઝનશીપ
તમે સ્પાઈડરમેન ફિલ્મમાં એક યુવકને દુનિયાને બચાવતા અને માસૂમોના જીવનની રક્ષા કરતા જોયો છે. પરંતુ ફ્રાંસમાં હાલમાં એક સાચુકલો સ્પાઈડમેન જોવા મળ્યો છે. આ સ્પાઈડરમેને એક પછી એક ત્રણ બાલ્કની પાર કરીને ચોથી બાલ્કનીમાં જઈ નીચે પડવા જતા એક બાળકનો જીવ બચાવ્યો. હવે ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમૈનુએલ મૈક્રોંએ આ સ્પાઈડરમેનને ફ્રાંસની નાગરિકતા આપવાની સાથે જ નોકરી આપવાની પણ ઑફર કરી છે. આખા ફ્રાંસમાં જ્યાં અપ્રવાસી નાગરિકો અંગે ઉહાપોહ થઈ રહ્યો છે ત્યારે ગેર કાયદેસર રીતે રહેતો એક અપ્રવાસી નાગરિક અહીં હીરો બની ગયો છે.

ચોથી બાલ્નીમાં લટક્યો હતો બાળક
આ વ્યક્તિનું નામ છે મામોડુ ગસ્સામા અને તેની ઉંમર 22 વર્ષ છે. માલીનો રહેવાસી મામોડુનો વીડિયો હાલમાં ઘણો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં આપ જોઈ શકો છો કે મામોડુ કોઈ સપોર્ટ વિના એક એપાર્ટમેન્ટની ત્રણ બાલ્કની એવી રીતે ચડી જાય છે જાણે કોઈ સીડી ચડતો હોય. ત્યારબાદ ચોથી બાલ્કનીમાં પહોંચીને ત્યાં લટકી રહેલા એક બાળકનો જીવ બચાવે છે. આ બધામાં તે પોતાના જીવની પણ પરવા કરતો નથી અને ચાર વર્ષના માસૂમની જિંદગી બચાવી લે છે. જ્યારે તે આમ કરી રહ્યો હતો ત્યારે નીચે ઉભેલા લોકો કૂતુહલતાથી તેને જોઈ રહ્યા હતા. લોકોની નજર એક સેકન્ડ માટે પણ મામોડુથી હટી નહોતી. શનિવારે મામોડુ એક એપાર્ટમેન્ટ સામેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેણે બાળકને લટકતા જોયો અને બાદમાં તે હીરો બની ગયો.

મામોડુ બની ગયો સ્પાઈડરમેન
આ વીડિયો બાદ મામોડુને ‘સ્પાઈડરમેન' તરીકે ઓળખવામાં આવે છે. મામોડુએ આ આખી ઘટના પર પેરિસના વર્તમાનપત્ર લા પેરિસિયનને જણાવ્યુ કે, "મે આમ કર્યુ કારણકે ત્યાં એક બાળક હતુ. હું ચઢ્યો અને ભગવાનનો પાડ છે કે મે તે બાળકનો જીવ બચાવી લીધો." મામોડુના આ અસાધારણ કામે ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમૈનુએલ મૈક્રોંને પણ પ્રભાવિત કરી દીધા. ઈમૈનુએલે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા મામોડુના આ વીડિયોને જોયો અને તેને એલિસી પેલેસમાં મીટિંગ માટે આમંત્રણ આપ્યુ. મામોડુએ સોમવારે મૈક્રોં સાથે મુલાકાત કરી. મામોડુએ મૈક્રોંને જણાવ્યુ, "લોકો બૂમો પાડી રહ્યા હતા અને પોતાની ગાડીઓના હોર્ન વગાડી રહ્યા હતા. મે કંઈ વિચાર્યુ નહિ, ભાગીને રસ્તો પાર કર્યો અને તેનો જીવ બચાવી લીધો." મામોડુના જણાવ્યા અનુસાર જ્યારે તેણે આ બધુ કર્યુ ત્યારે તેને ખબર પડી કે તેણે એક બાળકનો જીવ બચાવી લીધો છે. ફ્લેટમાં જતાં તેના પગ ધ્રુજી રહ્યા હતા.

મૈક્રોંએ આપ્યો બહાદૂરીનો મેડલ
મૈક્રોંએ મામોડુને તેના આ કામ માટે અભિનંદન પાઠવ્યા અને બધુ સાંભળ્યા બાદ કહ્યુ, ‘બહુ બહાદૂર'. મૈક્રોંએ તેને કહ્યુ કે ફ્રાંસ તેને ઈમરજન્સી સર્વિસીઝમાં નોકરી આપશે. આ સાથે મૈક્રોંએ વચન આપ્યુ છે કે મામોડુને ફ્રાંસની નાગરિકતા અપાવવા માટેના જરૂરી કાગળ તેને અપાવશે અને એક ઝડપી પ્રક્રિયા હેઠળ મામોડુ જો ઈચ્છે તો તેને ફ્રાંસની નાગરિકતા મળી શકે છે. મામોડુને આ સાથે જ મૈક્રોં તરફથી તેની બહાદૂરી અને સમર્પણ માટે મેડલ પણ આપવામાં આવ્યો છે.
This man did not hesitate a second, risked his life and saved the kid! #truehero #spiderman #paris 👏 pic.twitter.com/u1fvid3i1j
— Fred (@FredBC77) May 27, 2018