
પીએચડી અને માસ્ટર ડિગ્રીની કોઈ વેલ્યૂ નથી-તાલિબાન શિક્ષણમંત્રી
અફઘાનિસ્તાનમાં નવી તાલિબાન સરકારની રચના કરવામાં આવી છે અને આ સરકાર કેવી હશે તેની ઝલક દેખાવાની શરૂ થઈ ગઈ છે. સરકારની રચના સાથે તાલિબાનના શિક્ષણ મંત્રીનું એક વિચિત્ર નિવેદન આવ્યું છે, જેમાં તેમણે કહ્યું છે કે આજના સમયમાં પીએચડીની ડિગ્રી અને માસ્ટર ડિગ્રીનું કોઈ મહત્વ નથી અને તે પોતે પણ ડિગ્રી વગર અહીં પહોંચ્યા છે. તાલિબાનના શિક્ષણ મંત્રી શેખ મોલવી નુરુલ્લા મુનીરે કહ્યું છે કે પીએચડી અને માસ્ટર ડિગ્રીની કોઈ કિંમત નથી, કારણ કે મુલ્લાઓ પાસે આ ડિગ્રીઓ નથી અને છતાં તેઓ મહાન છે.
અહેવાલ મુજબ નૂરુલ્લા મુનીરે કહ્યું કે, આજના સમયમાં પીએચડી અને માસ્ટર ડિગ્રીની કોઈ કિંમત નથી. તમે જોઈ શકો છો કે મુલ્લા અને તાલિબાન આજે સત્તામાં છે અને તેમાંથી કોઈની પાસે કોઈ ડિગ્રી નથી. પીએચડી, એમએ ને છોડી દો, તેની પાસે હાઇ સ્કૂલ ડિગ્રી પણ નથી, તેમ છત્તા તે આપણા બધામાં મહાન છે.
મંગળવારે તાલિબાને મુલ્લા મોહમ્મદ હસન અખુંદના નેતૃત્વમાં વચગાળાની સરકારની જાહેરાત કરી હતી. નવા તાલિબાન મંત્રીમંડળમાં તે તમામ ચહેરાઓનો સમાવેશ છે, જેને છેલ્લા 20 વર્ષમાં અફઘાનિસ્તાનમાં યુએસની આગેવાની હેઠળના દળો સાથે યુદ્ધમાં ચાવીરૂપ ભૂમિકા ભજવી છે. મુલ્લા હસન અખુંદને નવી તાલિબાન સરકારમાં વચગાળાના વડા પ્રધાનની જવાબદારી આપવામાં આવી છે. બે લોકોને વચગાળાના નાયબવડા પ્રધાનની જવાબદારી સોંપવામાં આવી છે, તેમાંથી એક મુલ્લા અબ્દુલ ગની બરાદર છે, જેમણે અમેરિકા સાથે વાતચીતનું નેતૃત્વ કર્યું હતું અને અફઘાનિસ્તાનમાંથી અમેરિકાની વિદાય કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.
તાલિબાનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અમીર ખાન મુતકીને વચગાળાના વિદેશ મંત્રી બનાવવામાં આવ્યા છે, જ્યારે ભારતીય મિલિટરી એકેડેમીના સ્નાતક અબ્બાસ સ્ટેનકઝાઈને નાયબ વિદેશ મંત્રી નિયુક્ત કરવામાં આવ્યા છે. કુખ્યાત હક્કાની નેટવર્કના વડા સિરાજુદ્દીન હક્કાનીને વચગાળાના ગૃહમંત્રી બનાવવામાં આવ્યા છે, જ્યારે મુલ્લા યાકુબને વચગાળાના સંરક્ષણ મંત્રીની જવાબદારી સોંપવામાં આવી છે. મુલ્લા યાકુબના પિતા મુલ્લા મુહમ્મદ ઓમરે તાલિબાનની સ્થાપના કરી હતી. તાલિબાનના શિક્ષણ મંત્રી શેખ મોલવી નુરુલ્લા મુનીરે કહ્યું છે કે પીએચડી અને માસ્ટર ડિગ્રીની કોઈ કિંમત નથી, કારણ કે મુલ્લાઓ પાસે આ ડિગ્રીઓ નથી અને છતાં તેઓ મહાન છે.