
જાણો શું છે છૂટાછેડામાં ક્રાંતિકારી ફેરફાર લાવનારો નવો કાયદો ‘નો ફોલ્ટ ડિવોર્સ’?
ઈંગ્લેન્ડમાં લગ્ન કાયદાના ઈતિહાસમાં વધુ એક મોટો ફેરફાર સામે આવ્યો છે. ઈંગ્લેન્ડ અને વેલ્સમાં 6 એપ્રિલ 2022થી નવો "નો ફોલ્ટ" છૂટાછેડા કાયદો લાગુ કરવામાં આવશે. આ સાથે ઓનલાઈન છૂટાછેડા લેવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવશે. આ સાથે જ છૂટાછેડાની જૂની સેવાઓ 31 માર્ચ સુધીમાં ખતમ થઈ જશે. આવો જાણીએ ઈંગ્લેન્ડના આ નવા છૂટાછેડા કાયદા "નો ફોલ્ટ" ડિવોર્સ વિશે.

જૂનો કાયદો શું હતો?
જૂના કાયદા અનુસાર, છૂટાછેડા માટે પતિ-પત્નીએ તેમના અલગ થવાના કારણો તરીકે પૂર્વ-નિર્ધારિત પાંચ કારણોમાંથી કોઈ એક આપવુ જરૂરી હતું. આ કારણો આપવાથી બંને પક્ષો વચ્ચેની સમસ્યાઓ વધુ વકરતી હતી અને મોટાભાગે તેઓ સંબંધોની નિષ્ફળતા માટે એકબીજાને દોષી ઠેરવતા હતા, જેથી તેઓ મિલકતના વિભાજનમાં લાભ મેળવી શકે. નવા કાયદા બાદ હવે વૈવાહિક સંબંધો સારી રીતે સમાપ્ત થઈ શકશે.

"નો ફોલ્ટ" છૂટાછેડા કાયદો શું છે?
ઈંગ્લેન્ડે લગભગ 50 વર્ષ પછી 1973ના તેના વૈવાહિક કાયદામાં આ ફેરફારો કર્યા છે. આ ફેરફાર બાદ હવે છૂટાછેડાના કારણો જાહેર કર્યા વિના બંને પાર્ટનરની પરસ્પર સંમતિથી છૂટાછેડા લઈ શકાય છે. આનાથી એકબીજા પર દોષારોપણ કે એક બીજા પર દોષારોપણ કરવાની વૃત્તિનો પણ અંત આવશે. તેનો અર્થ એ કે કોઈ પક્ષ દોષિત રહેશે નહીં. આ સાથે યુગલો પાસે સાથે જઈ અને સંયુક્ત છૂટાછેડા લેવાનો વિકલ્પ પણ હશે.

ભારતમાં આ કાયદા માટે હજુ સમય લાગશે
જો તમામ પ્રયાસો છતાં વૈવાહિક સંબંધ સારો ન ચાલી રહ્યો હોય તો તેમાંથી બહાર નીકળવું દરેક માટે યોગ્ય છે. આ અંગે ઈંગ્લેન્ડે જે સુધારા કર્યા છે તેનાથી છૂટાછેડા લેવાની પ્રક્રિયા સરળ બનશે અને "નો ફોલ્ટ" પરિમાણને કારણે વૈવાહિક સંબંધો સકારાત્મક રીતે સમાપ્ત થશે. ભારતમાં છૂટાછેડા વિશે ઘણી સામાજિક માન્યતાઓ છે. અહીં લગ્નને એક મોટી માન્યતા તરીકે જોવામાં આવે છે. છૂટાછેડાને લગતા આવા કાયદાઓ આવવાથી છૂટાછેડાનું પ્રમાણ વધવાની શક્યતા છે.