• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

નરેન્દ્ર મોદી સરકારે પાકિસ્તાન સાથે યુદ્ધવિરામની સંધિ કેમ જાહેર કર્યો અને કેટલું ટકશે?

By BBC News ગુજરાતી
|

ભારત અને પાકિસ્તાને નિયંત્રણ રેખા (એલઓસી) પર યુદ્ધવિરામની જાહેરાત ગુરુવારે કરી હતી. બન્ને દેશના સૈન્યના ડિરેક્ટર જનરલ ઑફ મિલિટરી ઓપરેશન્શ (ડીજીએમઓ) વચ્ચે થયેલી વાતચીત બાદ યુદ્ધવિરામની આ જાહેરાત કરવામાં આવી છે.

આ સમજૂતી હેઠળ બન્ને દેશ 24-25 ફેબ્રુઆરીની મધરાતથી નિયંત્રણ રેખા પર ગોળીબાર બંધ કરશે અને યુદ્ધવિરામ માટે થયેલા પાછલા કરારોનું પાલન કરશે.

સંરક્ષણ મંત્રાલયે 25 ફેબ્રુઆરીએ બહાર પાડવામાં આવેલા સંયુક્ત નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે "ભારત અને પાકિસ્તાનના ડીજીએમઓએ હોટલાઇન મારફત ચર્ચા કરી હતી. બન્ને પક્ષે નિયંત્રણ રેખા અને બીજાં તમામ સેક્ટર્સ પરની વર્તમાન પરિસ્થિતિની મોકળાશથી અને સૌહાર્દપૂર્ણ માહોલમાં સમીક્ષા કરી હતી."

એ નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે "પારસ્પરિક હિતને ધ્યાનમાં રાખીને અને સીમા પર શાંતિ જાળવી રાખવા માટે બન્ને ડીજીએમઓ એકમેક સાથે, શાંતિ ભંગ થવાની અથવા હિંસા વધવાની શક્યતા હોય તેવા તમામ ગંભીર મુદ્દે મંત્રણા કરશે."

નિવેદનમાં એવું પણ જણાવવામાં આવ્યું હતું કે બન્ને પક્ષ તમામ કરાર અને એલઓસી તથા અન્ય તમામ સેક્ટર્સમાં યુદ્ધવિરામનું કડકાઈથી પાલન કરવા બાબતે પણ સહમત છે.

અમેરિકા તથા સંયુક્ત રાષ્ટ્રસંઘે નિર્ણયને આવકાર્યો

ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધવિરામ બાબતે અમેરિકા તથા સંયુક્ત રાષ્ટ્રસંઘે ખુશી વ્યક્ત કરી હતી.

સંયુક્ત રાષ્ટ્રસંઘની મહાસભાના પ્રમુખ વોલ્કન બોઝકિરે બન્ને દેશ વચ્ચેના યુદ્ધવિરામનું સ્વાગત કર્યું હતું અને કહ્યું હતું કે, મૂળ મુદ્દાઓને ઉકેલવાની તથા શાંતિ જાળવી રાખવાની બન્ને દેશોની પ્રતિબદ્ધતા અન્ય દેશો માટે પણ ઉદાહરણરૂપ છે.

અમેરિકાએ પણ આ પગલાનું સ્વાગત કર્યું છે. અમેરિકાએ આ નિર્ણયને દક્ષિણ એશિયામાં શાંતિ તથા સ્થિરતા માટેનું એક હકારાત્મક પગલું ગણાવ્યો હતો.


કરારથી મંત્રણા માટેનો માર્ગ મોકળો થવાની આશા

નિવૃત્ત લેફટેનેન્ટ જનરલ વિનોદ ભાટિયા યુદ્ધવિરામને હકારાત્મક પગલું માને છે. ભાટિયા કહે છે, "2003ના યુદ્ધવિરામને નવું સ્વરૂપ આપવામાં આવ્યું છે. તેનાથી ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધને સુધારવામાં મદદ મળશે."

તેઓ કહે છે, "એ ઉપરાંત બન્ને દેશ વચ્ચેના હોટલાઇન તથા ફ્લેગ મિટિંગ્ઝ જેવા એકમેક પર ભરોસો વધારવાના ઉપાય(સીબીએમ)ની વાત પણ કરવામાં આવી છે. ગોળીબારને કારણે આ બધું અટકી પડ્યું હતું."

ભાટિયા માને છે કે પાકિસ્તાનને આ કરારની વધારે જરૂર હતી, કારણ કે તે અત્યારે પણ ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ(એફએફટીએફ)ના ગ્રે લિસ્ટમાં છે. આ કરારથી ભારતને પણ ફાયદો થશે.

વરિષ્ઠ પત્રકાર ગઝાલા વહાબ કહે છે કે આ એક હકારાત્મક પગલું છે.

તેઓ કહે છે, "કોઈ પણ દેશ માટે સતત તણાવમાં રહેવું શક્ય નથી. તણાવના દૌરમાં દ્વિપક્ષીય કરાર અને બિઝનેસ સહિતની દરેક બાબત પર ખરાબ અસર થતી હોય છે. એ દૃષ્ટિએ આ સારી શરૂઆત થઈ છે અને આગળ જતાં પરિસ્થિતિમાં વધુ સુધારો થવાની આશા છે."

બન્ને દેશ વચ્ચે અગાઉ પણ યુદ્ધવિરામના કરાર થયા હતા અને એ લાંબા સમય સુધી અમલી પણ રહ્યા હતા. 2003 પછી લાંબા સમય સુધી સીમા પર શાંતિ રહી છે.

ગઝાલા વહાબ કહે છે, "એ સમય દરમિયાન તો લોકો એલઓસીની પાર જઈને ખેતીવાડી પણ કરતા હતા. આ સંજોગોમાં બન્ને દેશ આ સમજૂતીનું પાલન કરશે તો ભવિષ્યમાં મંત્રણાના દરવાજા પણ ઉઘડશે."

વ્યૂહાત્મક બાબતોના જાણકાર અને વરિષ્ઠ પત્રકાર સૈકત દત્તા કહે છે, "ચીન સાથે ગયા વર્ષથી તણાવ ચાલી રહ્યો છે. એ સંજોગોમાં ભારત સરકાર એવું ઇચ્છતી ન હતી કે ચીન તથા પાકિસ્તાન બન્ને સાથે સીમા સંબંધે તણાવનું વાતાવરણ યથાવત રહે."

એ સંજોગોની દૃષ્ટિએ આ સમજૂતી બરાબર છે, એવું તેઓ માને છે.

સૈકત દત્તા જણાવે છે કે યુદ્ધવિરામના ઉલ્લંઘનની ઘટનાઓમાં 2014 પછી વધારો થયો છે. એ દરમિયાન ઉગ્રવાદી ઘટનાઓ તથા લોકોની જાનહાનિનું પ્રમાણ પણ વધ્યું છે.

તેઓ માને છે કે 2003થી માંડીને 2014 સુધી યુદ્ધવિરામના ઉલ્લંઘનની બહુ ઓછી ઘટના બની હતી. એ સમયગાળામાં લગભગ શાંતિ રહી હતી.


પાછલાં કેટલાંક વર્ષોમાં વધી છે ગોળીબારની ઘટનાઓ

ભારત અને પાકિસ્તાન વચ્ચે 2003માં યુદ્ધવિરામનો કરાર થયો હતો. જોકે, થોડા વર્ષો સુધી સારી રીતે અમલ બાદ એ નામમાત્રની સમજૂતી બની રહ્યો હતો અને બન્ને દેશ વચ્ચે સરહદ પર ગોળીબાર તથા યુદ્ધવિરામના ઉલ્લંઘનની ઘટનાઓ બનતી રહી હતી.

સરકારી આંકડા મુજબ, 2020માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામના ઉલ્લંઘનની ઘટનાઓમાં વધારો થયો હતો.

જમ્મુ અને કાશ્મીર સાથેની સરહદે 2020માં યુદ્ધવિરામના ઉલ્લંઘનની 5,133 ઘટનાઓ બની હતી, જે 2019માં યુદ્ધવિરામના ઉલ્લંઘનની 3,479 ઘટનાઓની સરખામણીએ 47.5 ટકા વધારે છે.

આવી ઘટનાઓને કારણે 2020માં 46 લોકોનાં મૃત્યુ થયાં હતાં. તેમાં 22 સામાન્ય નાગરિકો અને સલામતી દળના 24 લોકોનો સમાવેશ થાય છે. આ વર્ષે અત્યાર સુધીમાં યુદ્ધવિરામના ઉલ્લંઘનની લગભગ 300 ઘટનાઓ બની છે.

2018માં જમ્મુ અને કાશ્મીરમાં યુદ્ધવિરામના ઉલ્લંઘનની 2,936 ઘટનાઓ બની હતી અને તેમાં સલામતી દળ તથા સામાન્યજન મળીને કૂલ 61 લોકો માર્યા ગયા હતા. 2017માં આવી 971 ઘટનાઓ બની હતી. તેમાં 12 સામાન્ય નાગરિકો તથા સલામતી દળોનાં 19 લોકો માર્યા ગયા હતા.

આ પ્રકારના આંકડાથી જાણવા મળે છે કે ગત કેટલાંક વર્ષોમાં ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની ઘટનાઓમાં વધારો થયો છે.


સમજૂતી ટકાઉ સાબિત થશે?

બન્ને દેશ વચ્ચેના વિવાદના ઇતિહાસ, ઉગ્રવાદ, ઘૂસણખોરી અને યુદ્ધવિરામના ખરાબ અનુભવને ધ્યાનમાં લેતા એ સવાલ જરૂર થાય છે કે આ યુદ્ધવિરામ કેટલો લાંબો સમય ટકી શકશે?

લેફટેનેન્ટ જનરલ વિનોદ ભાટિયા કહે છે, "વાસ્તવમાં પાકિસ્તાન ગોળીબારની આડમાં ઘૂસણખોરી કરાવે છે. એ ઘૂસણખોરી અટકાવે તો આગળ જતાં મંત્રણા શરૂ થઈ શકે છે."

ગઝાલા વહાબ કહે છે, "બન્ને દેશો માટે આ યુદ્ધવિરામને વળગી રહેવાનું કામ જ સૌથી મોટો પડકાર છે. આ મુદ્દે રાજકીય તકવાદનો ઉપયોગ થવો ન જોઈએ."

યુદ્ધવિરામના વારંવાર ઉલ્લંઘનનો ઉલ્લેખ કરતાં ભાટિયા એવી શંકા વ્યક્ત કરે છે કે આગળની વાતચીતનો આધાર આ સમજૂતીના અમલ પર નિર્ભર રહેશે.

ભાટિયાના જણાવ્યા મુજબ, યુદ્ધવિરામ આ કંઈ પહેલીવાર નથી થયો. 2003માં સૌપ્રથમ વખત યુદ્ધવિરામનો કરાર થયો હતો અને એ ચાર-પાંચ વર્ષ જ અમલમાં રહ્યો હતો. 2007માં ગોળીબારની ઘટના બનવા લાગી હતી.

ભાટિયા કહે છે, "2013માં હું ડીજીએમઓ તરીકે વાઘા બોર્ડર ગયો હતો અને પાકિસ્તાનના ડીજીએમઓ સાથે વાતચીત થઈ હતી. એ પછી યુદ્ધવિરામ અમલી રહ્યો હતો. પછી ફરી એ તૂટી પડ્યો હતો. 2018માં યુદ્ધવિરામ બાબત ફરી મંત્રણા થઈ હતી અને ફરી તૂટી પડ્યો. આ વખતે પણ એ જોવું પડશે કે યુદ્ધવિરામ કેટલો લાંબો સમય ટકે છે."

ભાટિયા ઉમેરે છે, "પાકિસ્તાન ઘૂસણખોરી પર લગામ તાણેલી રાખશે ત્યાં સુધી જ યુદ્ધવિરામ ટકી શકશે. 3-4 વર્ષ સુધી પણ યુદ્ધવિરામ ટકેલો રહે તો બહુ મોટી વાત ગણાશે."

તેઓ પાકિસ્તાનની દાનત પર શંકા વ્યક્ત કરતાં કહે છે, "પાકિસ્તાનની એક નીતિ પ્રોક્સી વોરની છે. તેથી તેઓ ઘૂસણખોરી રોકશે એવું મને લાગતું નથી."


સ્થાનિક રાજકારણનું ફેક્ટર અને મૂળ મુદ્દાઓ

ભારતના ઘરેલુ રાજકારણમાં પાકિસ્તાનનું એક મહત્વનો મુદ્દો હોવું એ પણ મોટું ફેક્ટર હોઈ શકે છે.

સૈકત દત્તા કહે છે, "યુદ્ધવિરામ ટકાઉ બનાવવાના માર્ગમાં બે મોટાં પડકાર છે. પહેલો પડકાર એ છે કે આપણે પાકિસ્તાનનો ભરોસો કરી શકતા નથી. બીજો પડકાર એ કે વર્તમાન સરકારની ઘરેલુ નીતિમાં વિદેશ નીતિની ભેળસેળ થયેલી દેખાય છે. ઘરેલુ રાજનીતિમાં પાકિસ્તાનના મુદ્દાનો ઉપયોગ થતો રહ્યો છે. આ સંજોગોમાં યુદ્ધવિરામ ક્યાં સુધી ટકશે એ કહી શકાય નહીં."

ગઝાલા વહાબનાં જણાવ્યા મુજબ, આપણે શાંતિ ઈચ્છતા હોઈએ તો પાકિસ્તાનનો ઉપયોગ એક રાજકીય મુદ્દાની માફક કરવાનું પણ બંધ કરવું જોઈએ. આ બન્ને તરફથી થવું જોઈએ.

બન્ને પક્ષોએ મૂળ મુદ્દાઓના નિરાકરણની વાત સંયુક્ત નિવેદનમાં જણાવી છે, પણ એ બાબતે ભ્રમ સર્જાઈ રહ્યો છે.

ગઝાલા વહાબ કહે છે, "આ દિલચસ્પ બાબત છે, કારણ કે આપણા મૂળ મુદ્દા અને તેમના મુદ્દા અલગ-અલગ છે. આપણે ઉગ્રવાદને મુખ્ય મુદ્દો ગણીએ છીએ. તેમનો મુખ્ય મુદ્દો કાશ્મીર છે. તેથી મંત્રણા થશે તો બન્ને મુદ્દે થશે. આપણી સરકારે કહ્યું છે કે અમે કાશ્મીર મુદ્દે વાત નહીં કરીએ, કારણ કે એ અમારો આંતરિક મામલો છે. આ બાબતે પણ વિવાદ સર્જાઈ શકે છે."

બન્ને દેશોના મૂળ મુદ્દાના નિરાકરણ મારફત શાંતિ સ્થાપનાના મુદ્દે લેફટેનેન્ટ જનરલ વિનોદ ભાટિયા કહે છે, "યુદ્ધવિરામ સહમતીનું પહેલું પગલું છે. પાછલાં 70 વર્ષથી વણઉકલ્યા રહેલા મુદ્દાઓનું નિરાકરણ એક દિવસમાં થઈ શકે નહીં. અલબત, એ દિશામાં આગળ વધવાનો આધાર, આ યુદ્ધવિરામનો કઈ રીતે અમલ કરવામાં આવશે તેના પર હશે."

સરકારનો હેતુ સ્પષ્ટ નથી

જાણકારો માને છે કે સરકારે ક્યા હેતુસર યુદ્ધવિરામ કર્યો છે એ અત્યાર સુધી સ્પષ્ટ થયું નથી, કારણ કે પાકિસ્તાન સાથે કોઈપણ પ્રકારની વાતચીત નહીં કરવાની નીતિ સરકારે પાછલાં કેટલાંય વર્ષોથી સરકારે અપનાવી છે.

ગઝાલા વહાબ કહે છે, "સરકારનો હેતુ શું છે એ અત્યાર સુધી સ્પષ્ટ થયું નથી. ટૂંકા ગાળાનું કોઈ લક્ષ્યને હાંસલ કરવા માટે આ સમજૂતી કરવામાં આવી છે? ચીન સાથેના તણાવને ધ્યાનમાં રાખીને આવું કરવામાં આવ્યું છે કે પછી સરકાર ખરેખર માને છે કે પાકિસ્તાન સાથેના સંબંધ સુધારવા જોઈએ?"

ગઝાલા વહાબને આશા છે કે સમય જતાં આ દિશામાં વધારે સ્પષ્ટતા થશે.


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
Why did the Narendra Modi government declare a ceasefire treaty with Pakistan and how long will it last?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X