સાઉદી અરેબિયાના આ નિર્ણયથી ભારતમાં મોંઘવારી માઝા મૂકશે?
એવું માનવામાં આવે છે કે ભારતના અર્થતંત્રની ગાડી ફરી પાટા ઉપર આવવા લાગી છે, જેના કારણે પેટ્રોલ-ડીઝલ સહિતનાં ઈંધણનો વપરાશ વધ્યો છે. બીજી બાજુ, ઑપેકે ક્રૂડઑઇલના ઉત્પાદનમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે, જેના કારણે અર્થતંત્રની ગાડીની ગતિને બ્રેક લાગી શકે છે.
ભારત તેની કુલ જરૂરિયાતના 80 ટકા જેટલો હિસ્સો આયાત કરે છે, જેથી ન કેવળ પૂરતો પુરવઠો, પરંતુ નીચા ભાવ તેના માટે નિવાર્ય બની રહે છે.
ક્રૂડઑઇલના વપરાશની દૃષ્ટિએ અમેરિકા અને ચીન બાદ ભારત ત્રીજા ક્રમે છે. આથી, તેના માટે આ નિર્ણયને ચિંતાજનક માનવામાં આવે છે.
- કર્ણાટકમાં ભયાનક વિસ્ફોટથી આખો જિલ્લો ધ્રૂજ્યો, આઠ લોકોનાં મૃત્યુ
- બાઇડનના એક નિર્ણયથી અમેરિકા અબજો ડૉલરનું દેવાદાર કેવી રીતે બની જશે?
ક્રૂડઑઈલ ઉત્પાદનમાં ઘટાડો
https://twitter.com/dpradhanbjp/status/1351580402205351936
ચાલુ સપ્તાહે સાઉદી અરેબિયાના નેતૃત્વવાળા OPEC (ઑઇલ ઍન્ડ પેટ્રોલિયમ ઍક્સ્પૉર્ટિંગ કંટ્રીઝ) દ્વારા ક્રૂડઑઇલના ઉત્પાદનમાં દૈનિક 10 લાખ બેરલ, જ્યારે OPEC દ્વારા 97 લાખ બૅરલ ઑઈલનું ઉત્પાદન ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ બાબતને ભારત માટે માઠા સમાચાર તરીકે જોવામાં આવી રહ્યા છે. ભારતના પેટ્રોલિયમમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આ મુદ્દે 'ઍટલાન્ટિક કાઉન્સિલ થિન્ક ટૅન્ક'ને સંબોધતાં નારાજગી વ્યક્ત કરી હતી. આ સાથે જ તેમણે ટ્વિટર ઉપર લખ્યું :
"મેં વાજબી ભાવનિર્ધારણની વ્યવસ્થા ઉપર ભાર મૂક્યો છે. જે ઉત્પાદકો તથા વપરાશકર્તાઓના હિતમાં છે. ઉત્પાદનમાં ઘટાડો વૈશ્વિક આર્થિક સુધાર માટે પ્રોત્સાહન આપવાનો સર્વશ્રેષ્ઠ માર્ગ ન હોઈ શકે."
પ્રધાને ઊર્જાના અન્ય વિકલ્પો ઉપર નજર દોડાવવાની વાત પણ કહી.
ભારત માટે નિરાશાજનક
ધર્મેન્દ્ર પ્રધાને ઑપેકના મહાસચિવ મોહમ્મદ બર્કિંડોને જણાવ્યું કે 'વિરોધાભાસી' નીતિને કારણે ક્રૂડઑઇલની ખરીદી કરતાં રાષ્ટ્રોમાં ભ્રમની સ્થિતિ ઊભી થાય છે. તેમણે કહ્યું કે ક્રૂડની આયાત કરતા ભારત સહિતના દેશો ઉત્પાદનવૃદ્ધિ તથા ભાવઘટાડાની અપેક્ષા રાખી રહ્યા હતા.
બર્કિંડોએ જવાબમાં જણાવ્યું હતું, "ઉત્પાદનમાં દૈનિક 97 લાખ બેરલનો ઘટાડો કરવાનો નિર્ણય અભૂતપૂર્વ મંદીની સામે સર્વાંગી પ્રતિક્રિયા તરીકે લેવામાં આવ્યો હતો." બર્કિંડોના કહેવા પ્રમાણે, તેઓ ભારત જેવા દેશોના હિતને ધ્યાને લઈને જ નિર્ણય લે છે.
https://twitter.com/dpradhanbjp/status/1351580642690023426
છેલ્લા કેટલાક મહિનાથી ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવોમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થઈ રહી છે. બુધવારે ભારતમાં પેટ્રોલ સૌથી મોંઘું જયપુરમાં (રૂ. 92.69 પ્રતિલિટર) તથા સૌથી સસ્તું ચંદીગઢમાં (82.04) વેચાયું હતું.
સાઉદી અરેબિયાના નેતૃત્વમાં ઑપેક દેશોએ ક્રૂડઑઇલના ઉત્પાદનમાં ઘટાડાની જાહેરાત કરી છે, ત્યારે બજારમાં ભાવ વધી શકે છે. સિંગાપોરમાં રહેતા ભારતીય મૂળનાં ઊર્જા વિશેષજ્ઞ શૈલજા નારાયણે બીબીસીને જણાવ્યું, "કોવિડ પછીની સ્થિતિમાંથી બહાર નીકળવાના તબક્કામાં ક્રૂડઑઇલમાં ભાવવધારાને કારણે મુશ્કેલીઓ વધશે. ક્રૂડમાં ભાવવૃદ્ધિને કારણે પેટ્રોલ-ડીઝલ ઉપરાંત અનેક ચીજોના ભાવોમાં વધારો થશે."
શૈલજાના કહેવા પ્રમાણે, ક્રૂડઑઇલના ભાવોમાં વધારોએ પેટ્રોલ-ડીઝલની ઊંચી કિંમત માટે એકમાત્ર જવાબદાર કારણ નથી. નારાયણ કહે છે:
"ભારતમાં અલગ-અલગ રાજ્યોના નાગરિકોને અલગ-અલગ ભાવથી પેટ્રોલ-ડીઝલ મળે છે. કારણ કે રાજ્ય સરકારો તથા સ્થાનિક તંત્ર ઈંધણો ઉપર અલગ-અલગ પ્રકારના કર અને ઉપકર લાદે છે."
"વિદેશી બજારમાં ક્રૂડઑઇલ ખાસ મોંઘું નથી, પરંતુ ભારતમાં પેટ્રોલ-ડીઝલની ઊંચી કિંમત માટેનું એક કારણ તેની ઉપરના અલગ-અલગ ટૅક્સ છે."
ભાવવધારો કેમ?
પેટ્રોલ ઉપર લિટરદીઠ રૂ. 21નો ટૅક્સ લાગે છે. કેટલાક નિષ્ણાતોના કહેવા પ્રમાણે, આ દર ખૂબ જ ઊંચો છે તથા તેને ઘટાડવામાં આવે, તો દેશમાં પેટ્રોલ હજુ સસ્તું થઈ શકે તેમ છે. રાજ્ય સરકારો તથા સ્થાનિક વહીવટી તંત્ર તેની ઉપર વૅલ્યૂ ઍડેડ ટૅક્સ (VAT) લાદે છે.
દિલ્હી-મુંબઈ જેવાં શહેરોમાં તેનો દર ખૂબ જ ઊંચો છે, જેના કારણે ત્યાં પેટ્રોલ-ડીઝલની કિંમત ઊંચી છે. આ સિવાયનાં કાંરણોને લીધે પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં દૈનિક વૃદ્ધિ થાય છે.
શૈલજા નારાયણના કહેવા પ્રમાણે, ઇન્ડિયન ઑઈલ, ભારત પેટ્રોલિયમ તથા હિંદુસ્તાન પેટ્રોલિયમ જેવી પેટ્રોલિયમ કંપનીઓ દ્વારા આંતરરાષ્ટ્રીય કિંમતોના આધારે ભાવો નક્કી કરવામાં આવે છે. આથી, જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ વધે છે, ત્યારે ભારતમાં પણ પેટ્રોલિયમ પેદાશોના ભાવોમાં વૃદ્ધિ જોવા મળે છે.
આવી જ રીતે જો આંતરરાષ્ટ્રીય બજારોમાં ભાવ ઘટે તો ઘટાડો જોવા મળે છે. પાકિસ્તાન તથા શ્રીલંકા જેવા પાડોશી દેશોની સરખામણીમાં ભારતમાં પેટ્રોલ ખૂબ જ મોંઘું છે.
અગાઉ કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલ ઉપર સબસીડી આપવામાં આવતી હતી, પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોથી તેનું ભાવનિર્ધારણ બજારને આધીન કરી દેવાયું છે.
છેલ્લાં કેટલાંક વર્ષો દરમિયાન મોદી સરકારે પેટ્રોલિયમ પેદાશોની ઉપરના ઉત્પાદનકરમાં સતત વૃદ્ધિ કરી છે, જેનાકારણે પણ પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા છે.
- કોરોના વાઇરસની દવા મળી, જે બચાવી રહી છે લોકોના જીવ
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચી શકાય?
- કોરોના વાઇરસ દૂધની થેલી અને શાકભાજી પર કેટલું જીવે છે?
- કોરોના વાઇરસનો ચેપ આખરે કયા પશુમાંથી ફેલાયો?
https://www.youtube.com/watch?v=BMePMYJWbfI&t=
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો