સૌરવ ગાંગુલીના જીવન પર ફિલ્મ બનશે, લવ ફિલ્મ્સે જાહેરાત કરી!
ક્રિકેટ ચાહકોની લાંબી પ્રતીક્ષાનો અંત આવ્યો છે. ભારતીય ક્રિકેટ બોર્ડના વર્તમાન પ્રમુખ અને ભારતના સફળ ખેલાડીઓમાંથી એક સૌરવ ગાંગુલીના જીવન અને કારકિર્દી પર બાયોપિક બનાવવાની જાહેરાત કરાઈ છે. લવ ફિલ્મ્સ આ ફિલ્મનું નિર્માણ કરશે. બાયોપિક વિશે પોતાનો ઉત્સાહ વ્યક્ત કરતા સૌરવ ગાંગુલીએ લખ્યું કે, ક્રિકેટ જ બધું છે અને હવે તેની સફર મોટા પડદા પર હશે.
અગાઉ એવા અહેવાલ હતા કે સૌરવ ગાંગુલીએ પોતાની બાયોપિક માટે હા કહી દીધી છે. હવે એ વાતની પુષ્ટિ થઈ ગઈ છે કે ચાહકોને પૂર્વ ક્રિકેટર અને ભારતીય ક્રિકેટ બોર્ડના વર્તમાન અધ્યક્ષની જીવનકથા મોટા પડદા પર જોવા મળશે.
સૌરવ ગાંગુલીની બાયોપિકની આજે 9 મી સપ્ટેમ્બરે જાહેરાત કરતા લવ ફિલ્મ્સના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલે શેર કર્યું છે કે, લવ ફિલ્મ્સ દાદા સૌરવ ગાંગુલીની બાયોપિકનું નિર્માણ કરશે તેવી જાહેરાત કરતા અમે રોમાંચિત છીએ. અમને આ જવાબદારી મળતા સોંપવામાં સન્માનિત મહેસૂસ કરી રહ્યા છીએ. અમે એક અદ્ભુત ઇનિંગની રાહ જોઈ રહ્યા છીએ. નોંધનીય છે કે લવ ફિલ્મ્સ ફિલ્મ નિર્માતા લવ રંજનની કંપની છે. અંકુર ગર્ગ પણ આ બાયોપિકમાં ભાગીદાર છે. લવ ફિલ્મ્સે અગાઉ સોનુ કે ટીટુ કી સ્વીટી, દે દે પ્યાર દે, મલંગ અને છલાંગ જેવી ફિલ્મો બનાવી છે.
તેના બાયોપિકના સમાચાર તેના ચાહકો સાથે શેર કરતા સૌરવ ગાંગુલીએ લખ્યું, ક્રિકેટ મારા જીવનમાં બધું જ છે, તેણે મને માથું ઉંચું રાખીને આગળ વધવાની આત્મવિશ્વાસ અને ક્ષમતા આપી, લવ ફિલ્મ્સ મારી યાત્રા પર બાયોપિક બનાવશે અને તેને મોટા પડદા પર જીવંત બનાવશે.
સૌરવ ગાંગુલીની દાયકા સુધી લાંબી અને શાનદાર કારકિર્દી રહી છે. તેને ભારતીય ક્રિકેટ ટીમના સૌથી સફળ કેપ્ટનોમાંના એકનું શ્રેય આપવામાં આવે છે. તે હંમેશા ક્રિકેટ પ્રેમીઓ માટે દાદા રહેશે અને હંમેશા તેમના હૃદયમાં વિશેષ સ્થાન ધરાવશે. તેનું જીવન મોટા પડદા પર જોવું રસપ્રદ રહેશે.
ઉલ્લેખનિય છે કેે આ અગાઉ સચિન તેંડુલકર, મહેન્દ્રસિંહ ધોની, અઝરૂદ્દિન સહિતના ખેલાડીઓના કરિયર બની ચૂકી છે. આ ઉપરાંત ક્રિકેટ સિવાય હોકીના ખેલાડીઓ પર પણ ફિલ્મો બની ચુકી છે. ભારતીય ટીમના પુર્વ કપ્તાન અને ભારતને વિશ્વકપ અપાવનાર મહેન્દ્રસિંહ ધોનીની બાયોપીક ખૂબ લોકપ્રિય થઈ હતી.