કોહલી બાદ ટીમના કેપ્ટન માટે રાહુલ દ્રવિડે આ બે નામ આપ્યા!
નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમના આગામી મુખ્ય કોચ તરીકે રાહુલ દ્રવિડની નિમણૂક કરવામાં આવી છે. દ્રવિડ T20 વર્લ્ડ કપ પછી રવિ શાસ્ત્રીની જગ્યા લેશે. કોચ પોતાની સાથે કામ કરવાની સિસ્ટમ ઉભી કરે છે અથવા જુના ઢાંચામાં ફીટ થઈને કામ કરે છે. રવિ શાસ્ત્રીએ પણ ભારતીય ક્રિકેટમાં વિરાટ કોહલીના સ્થાનની આસપાસ પોતાની જગ્યા શોધી લીધી હતી અને કેપ્ટનની સાથે તેણે ટીમ ઈન્ડિયાને ટેસ્ટ મેચમાં શાનદાર પરિણામ આપ્યા હતા. દ્રવિડ પાસે જૂની વસ્તુઓ સાથે કેટલીક નવી વસ્તુઓ વિકસાવવાની અપેક્ષા છે.
ધ ઈન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ મુજબ, જ્યારે દ્રવિડને પૂછવામાં આવ્યું કે,તમે આગામી ભારતીય સફેદ બોલના કેપ્ટન તરીકે કોને જોશો? તો રાહુલ દ્રવિડનો જવાબ હતો કે પ્રથમ પસંદગી રોહિત શર્મા હશે અને બીજી પસંદગી કેએલ રાહુલ હશે.
એક વાત સૌ જાણે છે કે, ટી20 વર્લ્ડ કપ બાદ વિરાટ કોહલી કેપ્ટનશિપ છોડી રહ્યો છે અને બીસીસીઆઈના સૂત્રો મુજબ રોહિત શર્મા આગામી ટી20 કેપ્ટન હશે. રોહિત પછી કેએલ રાહુલ એક સ્ટેબલ બેટ્સમેન તરીકે ભારત માટે એક મોટું નામ છે. રાહુલ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં રમવાની ક્ષમતા ધરાવે છે. રાહુલ દ્રવિડે કહ્યું કે ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તરીકે નિયુક્ત થવું સન્માનની વાત છે અને ઉમેર્યું કે રવિ શાસ્ત્રીના નેતૃત્વમાં ભારતીય ટીમે સારું કામ કર્યું છે. દ્રવિડે અંતમાં કહ્યું કે તે ભારતીય ટીમના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ સાથે કામ કરવા તે ઉત્સુક છે.
દ્રવિડે કહ્યું કે, ભારતીય ક્રિકેટ ટીમના નવા મુખ્ય કોચ તરીકે નિમણૂક થવી એ સન્માનની વાત છે અને હું ખરેખર આ ભૂમિકાની રાહ જોઈ રહ્યો છું. શાસ્ત્રીના નેતૃત્વમાં ટીમે ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે અને હું તેને આગળ લઈ જવા માટે ઉત્સુક છું. દ્રવિડે વધુમાં ઉમેર્યુ કે, NCA, અંડર 19 અને ઈન્ડિયા A સેટ-અપમાં મોટાભાગના ખેલાડીઓ સાથે નજીકથી કામ કર્યા પછી હું જાણું છું કે તેઓમાં દરરોજ સુધારો કરવાની ઉત્કંઠા અને ઈચ્છા છે. આગામી બે વર્ષમાં કેટલીક મોટી ઇવેન્ટ છે અને હું મારી ક્ષમતામાં ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ સાથે કામ કરવા માટે આતુર છું.
રાહુલ દ્રવિડે 164 ટેસ્ટ અને 344 વનડેમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. જ્યારે તેને ટેસ્ટમાં 13288 રન બનાવ્યા છે, આ ઉપરાં ODI ફોર્મેટમાં 10889 રન બનાવ્યા છે. દ્રવિડે વર્ષ 2012માં ભારત માટે છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી.