પાકિસ્તાની લાહોર લાયન્સની 10 જાણવા જેવી બાબતો
13 સપ્ટેમ્બરથી ભારતમાં ચેમ્પિયન્સ લીગ ટી20ની ક્વોલિફાયર મેચ રમાનારી છે અને તેની પહેલી મેચ 17 સપ્ટેમ્બરે હૈદરાબાદ ખાતે ચેન્નાઇ સુપર કિંગ્સ અને કોલકતા નાઇટ રાઇડર્સ વચ્ચે છે. જેને લઇને દેશના ક્રિકેટ ચાહકોમાં એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે, સાથોસાથ દરેક ટીમ પોત-પોતાની રીતે ચેમ્પિયન્સ લીગ ટાઇટલ જીતવાના ઉદ્દેશ્ય સાથે પોતાની તૈયારીઓમાં લાગી ગઇ છે. શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન અને વેસ્ટ ઇન્ડિઝ જેવા દેશોની ટીમો ભારતમાં આવી ગઇ છે અને તેઓ ટાઇટલને કેવી રીતે જીતવો તેની રણનીતિ બનાવી રહ્યાં છે.
આ વખતની ચેમ્પિયન્સ લીગનું જો કોઇ ખાસ આકર્ષણ હોય તો એ પાકિસ્તાનની ટીમ લાહોર લાયન્સ છે, જે પહેલીવાર ચેમ્પિયન્સ લીગ ટી20 રમી રહી છે. જેને ધ્યાનમાં રાખીને આજે અમે અહીં આ ટીમ સાથે જોડાયેલા કેટલાક તથ્યો લઇને આવ્યા છીએ. તો ચાલો તસવીરો થકી આ ટીમની જાણવા જેવી બાબતો અંગે જાણીએ.
આ પણ વાંચોઃ-CLT20માં નહીં રમી શકે રોહિત, કેપ્ટન્સી માટે ભજ્જી-પોલાર્ડ રેસમાં
આ પણ વાંચોઃ- ક્રિકેટ ઇતિહાસમાં થયેલા પાંચ શાનદાર કમબેક
આ પણ વાંચોઃ- ધોની સિવાય આ ક્રિકેટર્સની પણ છે અધધ સંપત્તિ

પહેલી ટૂર્નામેન્ટ
લાહોર લાયન્સ ટીમનું નિર્માણ 2004-05માં કરવામાં આવ્યું હતું અને ટીમે પોતાની પહેલી ટૂર્નામેન્ટ ફેયસલ બેન્ક ટી20 કપ રમી હતી.

ટીમનું હોમ ગ્રાઉન્ડ
ટીમના હોમ ગ્રાઉન્ડ અંગે વાત કરીએ તો આ ટીમનું હોમ ગ્રાઉન્ડ ગદ્દાફી સ્ટેડિયમ, લાહોર છે, જેનું નિર્માણ 1959માં કરવામાં આવ્યું હતું. આ પાકિસ્તાનનું સૌથી મોટું સ્ટેડિયમ છે, જેમાં દર્શકોને સમાવવાની કેપેસિટી 62 હજારની છે.

આ પાકિસ્તાની દિગ્ગજ રમી ચૂક્યા છે ટીમ તરફથી
મોહમ્મદ યુસુફ, અબ્દુલ રઝાક, ઇમરાન તાહિર અને કામરાન અકમલ જેવા આંતરરાષ્ટ્રીય ક્રિકેટર્સ લાહોર લાયન્સના 10 વર્ષના ઇતિહાસમાં ટીમ તરફથી રમી ચૂક્યા છે.

હાલના કોચ અને સુકાની
લાહોર લાયન્સના કોચ અને સુકાની અંગે વાત કરવામાં આવે તો ટીમનો સુકાની પાકિસ્તનની ટી20 ટીમનો પૂર્વ સુકાની મોહમ્મદ હાફીઝ છે, જેણે પાકિસ્તાન માટે 243 આંતરરાષ્ટ્રીય મેચો રમી છે. જ્યારે ટીમના કોચ પૂર્વ પાકિસ્તાની ખેલાડી મોહિસ કમાલ છે.

પાકિસ્તાનની બીજી સૌથી સફળ ટીમ
લાહોર લાયન્સ લાહોરના ઇતિહાસની પહેલી સૌથી સફળ ટી20 ટીમ છે, જ્યારે પાકિસ્તાનની બીજી ટીમ છે, જે સિયાલકોટ સ્ટોલિયન્સ પછી આવે છે.

2011માં જીત્યો પહેલો કપ
મોહમ્મદ યુસુફના નેતૃત્વ હેઠળ લાહોર લાયન્સે 2010-11માં પહેલો ફેયઝલ બેન્ક ટી20 કપ જીત્યો હતો. ત્યાર બાદ તે 2012-13 અને 2013-14માં વિજયી બનવા તરફ આગળ વધી હતી.

મોહમ્મદ હાફીઝ સૌથી સફળ સુકાની
લાહોર લાયન્સનો સૌથી સફળ સુકાની મોહમ્મદ હાફીઝ છે, જેના નેતૃત્વ હેઠળ ટીમ 18માંથી માત્ર 2 મેચ જ હારી છે.

પહેલીવાર સીએલટી20માં લેશે ભાગ
લાહોર લાયન્સ પોતાના ક્રિકેટ ઇતિહાસમાં પહેલીવાર 2014 ચેમ્પિયન્સ લીગમાં ભાગ લઇ રહી છે. ગત બે સેશનમાં તે ક્વોલિફાય થતાં થતાં રહી ગઇ હતી.

ટીમના માલિક
લાહોર લાયન્સ ટીમના માલિક લાહોર રિજનલ ક્રિકેટ એસોસિએશન છે. જે એક ગવર્નિંગ બોડી છે.

ટીમના સફળ ખેલાડી
ટીમે 2013-14 ટી20 દરમિયાન સારું પ્રદર્શન કર્યું હતું, જેમાં પાકિસ્તાની ઓપનિંગ બેટ્સમેન અહેમદ શહઝાદે 171 રન બનાવ્યા હતા, જ્યારે એઝાઝ ચીમાએ સૌથી વધું 11 વિકેટ લીધી હતી.