કોરોનાએ વધુ એક રમતને પહોંચાડી અસર, એશિયન ગેમ્સ 2022 પોસ્ટપોન કરાઇ- રિપોર્ટ
વર્ષ 2022માં યોજાનારી એશિયન ગેમ્સને અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દેવામાં આવી છે. આયોજકોએ શુક્રવારે આ માહિતી આપી હતી. તેમનું કહેવું છે કે આ નિર્ણય કોવિડ હેઠળ લેવામાં આવ્યો છે, જેમાંથી ચીન હજુ પણ ઉભરી રહ્યું છે. જો કે સપ્ટેમ્બરમાં હાંગઝોઉમાં આ ગેમ્સને લઈને વિલંબ માટે કોઈ કારણ આપવામાં આવ્યું ન હતું, ચીન મહામારીના શરૂઆતના દિવસોથી જ તેના સૌથી મોટા કોવિડ-19 ફાટી નીકળવાની લડાઈ લડી રહ્યું છે.
"ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયાએ જાહેરાત કરી છે કે 19મી એશિયન ગેમ્સ, જે મૂળ રૂપે ચીનના હાંગઝોઉમાં 10થી 25 સપ્ટેમ્બર, 2022 દરમિયાન યોજાવાની છે, તે મુલતવી રાખવામાં આવશે," સત્તાવાર સ્પોર્ટ્સ વેબસાઇટ પર એક નિવેદનમાં જણાવાયું છે.
નિવેદનમાં જણાવાયું છેકે સ્પોર્ટિંગ ઈવેન્ટની નવી તારીખો પછીથી જાહેર કરવામાં આવશે. હાંગઝોઉનું યજમાન શહેર દેશના સૌથી મોટા શહેર શાંઘાઈની નજીક આવેલું છે. અહીં શાસક કમ્યુનિસ્ટ પાર્ટીએ વાયરસ પ્રત્યે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે. અહીં લાંબા સમયથી લોકડાઉન ચાલી રહ્યું હતું.
હાંગઝોઉ નામના શહેરમાં આ ગેમ્સ માટે ઘણી તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી. આ શહેરની વસ્તી 12 મિલિયન છે અને તે પૂર્વ ચીનમાં આવેલું છે. અહીં એશિયન અને એશિયન પેરા ગેમ્સ માટે 56 સ્પર્ધાત્મક સ્થળો પર કામ પૂર્ણ થયું હતું.
આ દરમિયાન એવું પણ કહેવામાં આવ્યું હતું કે કોવિડ માટે નિયંત્રિત વાતાવરણમાં ગેમ્સનું આયોજન કરવાની યોજના બનાવવામાં આવી હતી કારણ કે બેઇજિંગ ઓલિમ્પિક્સ પણ તે જ રીતે યોજવામાં આવી હતી, જે કોવિડ સલામત બબલમાં ફેબ્રુઆરીમાં યોજવામાં આવી હતી.