Asia Cup 2022: ફરી થશે ભારત-પાકિસ્તાન વચ્ચે ટક્કર, જાણો ક્યાં-ક્યારે શરૂ થશે ટુર્નામેન્ટ
ફરી એકવાર પ્રશંસકોને મેદાન પર ભારત અને પાકિસ્તાન વચ્ચે જોરદાર મુકાબલો જોવા મળશે. ખરેખર, એ નક્કી થઈ ગયું છે કે આ વખતે એશિયા કપ 2022 ક્રિકેટ ટૂર્નામેન્ટ ક્યારે અને ક્યાં યોજાશે. હા, એશિયન ક્રિકેટ કાઉન્સિલે શનિવારે જાહેરાત કરી હતી કે એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટની 2022 આવૃત્તિ આ વર્ષના અંતમાં 27 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર સુધી શ્રીલંકામાં યોજાશે.

20 ઓગસ્ટથી ક્વોલિફાયર રમાશે
2016ની જેમ આ વર્ષે પણ ટૂર્નામેન્ટ T20 ફોર્મેટમાં રમાશે. ક્વોલિફાયર 20 ઓગસ્ટથી રમાશે. દર બે વર્ષે યોજાતી આ ટૂર્નામેન્ટ છેલ્લીવાર 2018માં સંયુક્ત આરબ અમીરાતમાં રમાઈ હતી, જ્યાં રોહિત શર્માની આગેવાની હેઠળ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી ફાઇનલમાં ભારતે પાડોશી દેશ બાંગ્લાદેશને 3 વિકેટે હરાવ્યું હતું. 2020ની આવૃત્તિ COVID-19 રોગચાળાને કારણે એશિયન ક્રિકેટ કાઉન્સિલ દ્વારા ટૂર્નામેન્ટ રદ કરવામાં આવી હતી અને તેને જૂન 2021 માં ખસેડવામાં આવી હતી, પરંતુ 2021 માં પણ, રોગચાળાને કારણે ટૂર્નામેન્ટ થઈ શકી ન હતી.

ટુર્નામેન્ટ 4 વર્ષ બાદ પરત ફરી રહી છે
હવે 4 વર્ષ બાદ ટુર્નામેન્ટનુ પુનરાગમન થશે અને આ વખતે તેમાં છ ટીમો સામેલ થશે. જેમાં ભારત, શ્રીલંકા, પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને ક્વોલિફાયર ટીમ હશે. 20 ઓગસ્ટથી શરૂ થનારી ક્વોલિફાયર ટુર્નામેન્ટ ચાર ટીમો વચ્ચે રમાશે. આ ટીમો સંયુક્ત આરબ અમીરાત, કુવૈત, સિંગાપોર અને હોંગકોંગ છે. જે ટીમ વિજેતા થશે તે એશિયા કપમાં ભાગ લેનારી છઠ્ઠી ટીમ હશે. જો કે, ટીમો વચ્ચે ક્યારે અને ક્યાં રમાશે તેનું શેડ્યુલ હજુ જાહેર થયું નથી.

ભારત સૌથી સફળ ટીમ
તમને જણાવી દઈએ કે એશિયા કપ ક્રિકેટ ટૂર્નામેન્ટના ઈતિહાસમાં ભારત સૌથી સફળ ટીમ છે. અત્યાર સુધી યોજાયેલી 14 આવૃત્તિઓમાં ભારતે રેકોર્ડ સાત ટાઇટલ જીત્યા છે. ધ મેન ઇન બ્લુ 1984, 1988, 1990/91, 1995, 2010, 2016 અને 2018માં વિજેતા તરીકે ઉભરી આવ્યા હતા. શ્રીલંકાએ 1986, 1997, 2004, 2008 અને 2014માં જીત મેળવી છે. પાકિસ્તાન બે વખત એટલે કે 2000 અને 2012માં જીત્યું છે. બાંગ્લાદેશ છેલ્લી બે આવૃત્તિઓમાં ફાઇનલમાં પહોંચવામાં સફળ રહ્યું છે, પરંતુ નિર્ણાયકમાં ભારતને હરાવવામાં નિષ્ફળ રહ્યું છે.
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો