
વર્લ્ડ કપમાં પહેલીવાર 4 વિકેટકીપર સાથે તૈયાર થઈ ભારતીય ટીમ, જાણો કોનામાં કેટલો દમ
નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સમાં ચાલી રહેલ વર્લ્ડ કપમાં ભારતીય ક્રિકેટ ટીમ ગઝબ ફોર્મમા છે. ટીમ સતત 4 મેચમાંથી 3 મેચ જીતી ચૂકી છે જ્યારે એક મેચ વરસાદના કારણે રદ્દ થઈ હતી. જેના આધારે પોઈન્ટ ટેબલમાં ભારત 7 અંક સાથે ચોથા સ્થાન પર છે. વિરાટ કોહલીની કપ્તાનીમાં ભારતીય ટીમની સેમી ફાઈનલમાં પહોંચવાનો રસ્તો સહેલો બનતો જઈ રહ્યો છે. જ્યારે ટીમમાં ખતરનાક ખેલાડી પણ સામેલ છે. જેમાં 4 વિકેટકીપર છે. જી હાં, ભારતીય ટીમ પાસે હાલ વર્લ્ડ કપમાં 4 વિકેટકીપર છે. વર્લ્ડ કપમાં આવું પહેલીવાર થયું જ્યારે 4 વિકેટકીપર સાથે ટીમ મેદાનમાં ઉતરી રહી હોય. કોણ છે આ કેલાડીઓ અને કોનામાં કેટલો દમ છે જાણો...

કેએલ રાહુલ
શિખર ધવન બહાર થયા બાદ હવે કેએલ રાહુલ ઓપનર તરીકે ટીમમાં ભૂમિકા નિભાવશે પરંતુ સાથે જ અવસર મળતાં તેઓ વિકેટકીપિંગ પણ કરી શકે છે. રાહુલે આઈપીએલ સીઝન 2019માં કિંગ્સ ઈલેવન પંજાબ માટે પણ વિકેટકીપરની ભૂમિકા નિભાવી હતી. રાહુલ અત્યાર સુધી 17 વનડે મેચ રમી ચૂક્યો છે જેમાં તેણે 36.42ની એવરેજથી 437 રન બનાવ્યા છે. જેમાં 1 સદી અને 3 ફિફ્ટી પણ સામેલ છે.

મહેન્દ્ર સિંહ ધોની
37 વર્ષના ધોની ટીમમાં એક સીનિયર વિકેટકીપરના રૂપમાં સામેલ છે. હાલ વિકેટની પાછળ તેઓ જોવા મળી રહ્યા છે. ધોનીની પાસે 344 વનડે મેચ રમવાનો મોટો અનુભવ છે. આ દરમિયાન તેમણે 50.3ની એવરેજથી 292 ઈનિંગમાં 10,562 રન બનાવ્યા છે, જેમાં 10 સદી અને 71 ફિફ્ટી સામેલ છે. વિકેટ પાછળ ધોનીનો કોઈ તોળ નથી. વિકેટ પાછળ ધોની 121 વખત સ્ટમ્પ ઉખાડી ચૂક્યા છે. તેઓ વિકેટ પાછળ સૌથીવધુ સ્ટમ્પ આઉટ કરનાર એકમાત્ર વિકેટકીપર છે.

દિનેશ કાર્તિક
આ ખેલાડીએ 15 વર્ષ પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પગલું રાખ્યું હતું. કાર્તિક પણ વિકેટકીપર તરીકે ટીમમાં આવ્યા છે. જો કે ધોની હોવાના કારણે 15 વર્ષના કરિયરમાં માત્ર 91 વનડે મેચ જ રમી શક્યો છે જેમાં તેના નામે 31.04ની એવરેજથી 1738 રન બનાવ્યા છે. જેમાં 9 ફિફ્ટી પણ સામેલ છે.

રિષભ પંત
આ વર્લ્ડ કપમાં ચોથા વિકેટકીપર તરીકે રિષભ પંત સામેલ થયા છે. ધવન વર્લ્ડ કપથી બહાર થતાં પંતને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. 21 વર્ષના પંતે કેટલીય વખત પોતાની વિસ્ફોટક ઈનિંગથી વિરોધી ટીમની ઉંઘ હરામ કરી દીધી છે. ઈંગ્લેન્ડની બેટિંગ પિચ જોતા જ બોર્ડે ધવનની જગ્યાએ પંતને પસંદ કર્યો છે. પંતે અત્યાર સુધીમાં માત્ર 5 વનડે મેચ જ રમી છે જેમાં તેણે 93 રન બનાવ્યા.
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો