Ind Vs. Eng : જાણો કેવી છે મોટેરાની પીચ અને તેની ખાસિયત, કોને થશે ફાયદો, કોને થશે નુકસાન
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાર ક્રિકેટ ટેસ્ટની સિરીઝ ચાલી રહી છે. સિરીઝ રસપ્રદ બની ગઈ છે કેમ કે બંને ટીમે શાનદાર દેખાવ કરીને એક એક ટેસ્ટ જીતી છે. હવે ક્રિકેટ કાર્નિવાલ અમદાવવાદ પહોંચ્યો છે જ્યાં સરદાર પટેલ ગુજરાત સ્ટેડિયમ મોટેરા ખાતે નવું જ બંધાયેલું વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ જો રૂટ અને વિરાટ કોહલીની ટીમોની રાહ જોઈ રહ્યું છે.
મોટેરા સ્ટેડિયમ ખાતે છેલ્લા પાંચ વર્ષથી એકેય ઇન્ટનેશનલ મૅચ યોજાઈ ન હતી કેમ કે તેનું નવનિર્માણ થઈ રહ્યું હતું. ઓસ્ટ્રેલિયાના મેલબોર્નને પણ પાછળ રાખીને આ સ્ટેડિયમને વિશાળ બનાવવામાં આવ્યું છે. તેની ક્ષમતા 1,10,000 પ્રેક્ષકોને સમાવવાની છે. દુનિયામાં કોઈ સ્ટેડિયમ પર આટલા પ્રેક્ષકો સમાવી શકાતા નથી.
જોકે પ્રેક્ષકો એક હોય કે એક લાખ હોય તેમને તો ઉમદા રમતથી મતલબ હોય છે અને જોવાનું એ છે કે મોટેરા ખાતે ભારત અને ઇંગ્લેન્ડ કેવી રમત દાખવે છે. આ માટે સૌથી અગત્યની છે મોટેરાના મેદાનની પીચ.
કોઈ પણ મેદાન હોય તેની ઉપર સંખ્યાબંધ પીચો હોય છે પરંતુ મેચ ચાલતી હોય ત્યારે ટીવી પર કે સ્ટેડિયમ જઈને મૅચ નિહાળનારા પ્રેક્ષકોને એકાદ બે પીચ જ જોવા મળતી હોય છે પરંતુ મેદાન પર સંખ્યાબંધ પીચ હોય છે જેને આપણે વિકેટ કહીએ છીએ.
લાલ અને કાળી માટીના મિશ્રણથી પીચ બનાવાઈ
હકીકતમાં મૅચ સમયે નક્કી થાય કે આ પીચ પર મૅચ રમાડવાની છે, ત્યાર બાદ ગ્રાઉન્ડ સ્ટાફ જે તે પટ્ટી તૈયાર કરી દે. આ પટ્ટી એટલે કે સ્ટ્રીપ કે પીચની પણ રોચક દાસ્તાન છે.
મોટેરાથી શરૂઆત કરીએ તો નવા બંધાયેલા સ્ટેડિયમમાં વિવિધ 11 પીચ તૈયાર કરવામાં આવી છે. એવું નથી કે આ જ સ્ટેડિયમ ખાતે 11 પીચ છે અથવા તો આ કોઈ એવો રેકોર્ડ નથી કેમ કે સામાન્ય રીતે આપણને બે કે ચાર જ પીચ જોવા મળતી હોય છે.
બાકી મેચ દરમિયાન પીચને બાદ કરતાં બાકીના તમામ વિસ્તારને ઘાસથી આવરી લેવામાં આવતો હોય છે. પણ તેમ છતાં 11 પીચ હોવી તે પણ કોઈ નાની બાબત નથી.
ખાસ વાત એ છે કે મોટેરા ખાતે આ વખતે લાલ અને કાળી માટીના મિશ્રણથી પીચ બનાવવામાં આવી છે. બીજું એ કે મેઇન ગ્રાઉન્ડ પર જ્યાં ટેસ્ટ રમાનારી છે તે પીચ અને ખેલાડીઓ મેદાનની પાછળના ભાગમાં જ્યાં પ્રૅક્ટિસ કરે તે પીચ આ બંને એક સમાન માટીમાંથી જ તૈયાર કરાઈ છે.
- ડૉ. સ્વાતિ મોહન : ભારતીય મૂળનાં એ મહિલા જેમણે નાસાના મંગળ મિશનમાં મહત્ત્વની ભૂમિકા નિભાવી
- મેટ્રો મેન : ઈ.શ્રીધરન લગભગ અડવાણીની ઉંમરમાં ભાજપમાં જઈને શું કરશે?
તેનો અર્થ એ થયો કે ખેલાડી જેવી પીચ પર પ્રૅક્ટિસ કરશે તેવી જ પીચ પર તેમને હરીફ સામે રમવાનું છે. આ યુનિક બાબત છે, કેમ કે દુનિયામાં કોઈ સ્ટેડિયમ કે કોઈ યજમાન ઍસોસિયેશન આ પ્રકારની સવલત આપતું નથી. મોટેરા નવું જ બંધાયું છે એટલે અહીં આ સવલત પેદા કરી શકાઈ છે પરંતુ વર્ષોથી જ્યાં સ્ટેડિયમ છે ત્યાં આ શક્ય ન હોય એમ બની શકે.
હવે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ માટેની પીચની વાત કરીએ. મૅચના એક સપ્તાહ અગાઉ સ્થાનિક મીડિયામાં ગ્રીન ટોપ વિકેટ વિશે ખૂબ ચર્ચા ચાલી હતી. મીડિયા ટૂર દરમિયાન મેદાન પર ઘાસ જોઈને તેના ફોટો લેવાયા હતા જેમાં પીચ જેવું કાંઈ દેખાતું જ ન હતું માત્ર ઘાસ જ હતું તેનાથી એવી અટકળ બંધાઈ હતી કે મોટેરામાં આ વખતે ગ્રીન ટોપ હશે.
જોકે મેચના એકાદ દિવસ અગાઉ જ ખબર પડશે કે કઈ પીચ પર મૅચ રમાનારી છે.
બીસીસીઆઈના નિયમ મુજબ સ્થાનિક ઍસોસિયેશનના ક્યુરેટરે કેટલીક પીચ તૈયાર કરી દેવાની હોય છે જે તેમણે બીસીસીઆઈના ક્યુરેટરને સોંપી દેવાની હોય છે. ત્યાર બાદ મૅચ અગાઉ મૅચ રેફરી આવે અને બોર્ડના ક્યુરેટર તથા રેફરી સાથે મળીને કઈ પીચ પર મૅચ રમાશે તેનો નિર્ણય લેતા હોય છે.
કઈ પીચ અને કેવા પ્રકારની પીચ પર મેચ યોજવી તેનો નિર્ણય આ રીતે લેવાય પણ આખરી અધિકાર યજમાન ક્રિકેટ બોર્ડનો હોય છે.
આ સંજોગોમાં બોર્ડ ધારે તેવી પીચ બનાવતી હોય છે. હાલના સંજોગોની વાત કરીએ તો ભારતનો હુકમનો એક્કો રવિચંદ્રન અશ્વિન છે. તેની સાથે અક્ષર પટેલ અને કુલદીપ યાદવ જેવા બૉલર છે. અક્ષર પટેલે ચેન્નાઈમાં બીજી ટેસ્ટના બીજા દાવમાં વેધક બોલિંગ કરી હતી.
અશ્વિન તો આ સિરીઝનો સૌથી સફળ બૉલર છે. આવા બૉલર હોય ત્યારે સ્પિન વિકેટની અપેક્ષા રખાતી હોય અને મોટેરાની પીચ ગ્રીન ટોપ હોય તે શક્ય જ નથી.
આમ મોટેરામાં આગામી બે દિવસમાં પરિસ્થિતિ બદલાઈ જવાની પૂરી સંભાવના છે. આમેય કોઈ પણ મેદાન પર ટેસ્ટ શરૂ થવાના ચાર પાંચ દિવસ અગાઉ જે પીચ દેખાતી હોય તે હોતી નથી.
મહેમાન ટીમને માત્ક બતાવવા એકાદ પીચ તૈયાર થાય છે?
મહેમાન ટીમને માત્ર બતાવવા માટે એકાદ પીચ તૈયાર કરાતી હોય છે. આ નીતિ નવી નથી. ભૂતકાળમાં મૅલબોર્ન કે લોર્ડ્ઝમાં પણ આમ બન્યું છે.
ભારતીય ટીમ મેદાન પર પહેલી વાર જાય ત્યારે તેને એમ લાગે કે પીચ સ્પિનર્સ માટેની બની છે પરંતુ મૅચના દિવસે જુઓ તો સ્થિતિ અલગ જ હોય અને મૅચના છેલ્લા દિવસે પરિણામ યજમાનની તરફેણમાં આવે તેમ હંમેશાં બનતું આવ્યું છે.
આમ મોટેરામાં હાલમાં જે ગ્રીન ટોપ દેખાય છે તેવી જ પીચ પર મૅચ રમાય,તો ઇંગ્લેન્ડના ઝડપી બૉલર્સને ફાયદો થાય જે સ્વાભાવિકપણે જ કોઈ યજમાન બોર્ડ ઇચ્છે નહીં.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો