IND vs AUS: ઋષભ પંત, અજિંક્ય રહાણે, ચેતેશ્વર પૂજારા, મોહમ્મ્દ સિરાઝ, શાર્દુલ ઠાકુર-વૉશિંગ્ટન સુંદરે ગાબામાં ક્રિકેટનો નવો ઇતિહાસ રચ્યો
ગઈ કાલે રાત્રે ભારતીય ક્રિકેટ ટીમ સૂવા ગઈ ત્યારે તેણે કદાચ પ્રાર્થના કરી હશે કે મંગળવારે વરસાદ પડે તો ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ બચાવી શકાય.
ગાબા ટેસ્ટના પાંચમા દિવસે ભારતે જીતવા માટે 328 રન કરવાના હતા. બૉર્ડર-ગાવસ્કર સિરીઝમાં બંને ટીમ 1-1ની બરાબરી પર હતી. આ ટેસ્ટ મૅચ ડ્રો થઈ હોત તો ભારત આ ટ્રૉફી પોતાની પાસે જાળવી શક્યું હોત, પરંતુ ઑસ્ટ્રેલિયાએ આ ટ્રૉફી મેળવવા અને પોતાની પ્રતિષ્ઠા જાળવવા માટે ટેસ્ટ મૅચ જીતવી જરૂરી હતી.
ભારત આ ટેસ્ટ જીતશે એવું ઑસ્ટ્રેલિયાની ગણતરીમાં જ ન હતું. પરંતુ ભારતીય ટીમની યોજના અલગ હતી.
બ્રિસબેનમાં જ્યાં આ ટેસ્ટ મૅચ રમાઈ તે ગાબાનું મેદાન ઑસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ માટે કિલ્લા સમાન છે.
તેઓ 1988થી અહીં ક્યારેય હાર્યા નથી. ઑસ્ટ્રેલિયા અત્યારે તેની શ્રેષ્ઠ બૉલિંગ ઍટેક સાથે રમી રહ્યું હતું.
બીજી તરફ ભારતીય બૉલિંગની હાલત જાણે હૉસ્પિટલના વોર્ડ જેવી હતી. ભારતના પાંચ ફાસ્ટ બૉલર્સ અને બે સ્પિનર્સ, જેઓ બેટિંગ પણ કરી શકે છે, તેઓ ઈજાગ્રસ્ત હતા.
ફક્ત 13 વિકેટ લેવાનો અનુભવ ધરાવતો બૉલિંગ ઍટેક
ભારતીય ટીમ પોતાના 8મા, 9મા, 10મા, 11મા અને 12મા બેસ્ટ બૉલરો સાથે રમી રહી હતી. તેમાંથી સૌથી વધુ અનુભવી મોહમ્મદ સિરાજની પણ આ હજુ ત્રીજી મૅચ હતી. નવદીપ સૈની અને શાર્દૂલ ઠાકુર તેમની બીજી ટેસ્ટ રમતા હતા.
વૉશિંગ્ટન સુંદર અને ટી. નટરાજનની આ પહેલી ટેસ્ટ હતી. સુંદર અને નટરાજન એ મૂળ ટેસ્ટ ટીમનો હિસ્સો પણ ન હતા. તેમને તો નેટ પ્રૅક્ટિસ વખતે બૉલિંગ કરવા માટે ઑસ્ટ્રેલિયામાં રાખવામાં આવ્યા હતા.
ભારત અને ઑસ્ટ્રેલિયાની સરખામણી કરીએ તો ઑસ્ટ્રેલિયન બૉલરોને કુલ મળીને 1,033 વિકેટ લેવાનો અનુભવ હતો, જ્યારે ભારતના બધા બૉલરો સંયુક્ત રીતે 13 વિકેટ લેવાનો અનુભવ ધરાવતા હતા.
ખતરનાક પીચ અને બોડીલાઇન બૉલિંગ ઍટેક સામે ટક્કર
ગાબાની પીચ અત્યંત ઝડપી અને ઉછાળ ધરાવે છે. અહીં રમવું આસાન નથી હોતું. ફાસ્ટ બૉલર્સના દડા ખેલાડીઓના માથા, ખભા, કોણી, હાથ, પાંસળી પર 90 માઇલની ઝડપે અથડાય છે. હેલમૅટ અને બેટ પર તિરાડો પડી જાય છે. કેટલાકનાં હાડકાં પર પણ ઈજા થઈ છે.
પ્રથમ ઇનિંગમાં ભારતે 186 રનમાં 6 વિકેટ ગુમાવી ત્યારે તે હાર તરફ આગળ વધી રહ્યું હતું.
વૉશિંગ્ટન સુંદર અને શાર્દૂલ ઠાકુર બેટિંગ કરતા હતા. સુંદર એ તામિલનાડુના ઑફ સ્પિનર છે અને ટી-ટ્વેન્ટી માટે પસંદગી કરવામાં આવી છે. છેલ્લે તેઓ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમ્યા તેને ત્રણ વર્ષ કરતાં પણ વધુ સમય થઈ ગયો છે.
ચેન્નાઈસ્થિત તેમના પરિવારે સવારના 3.15 વાગ્યાનું ઍલાર્મ સેટ કર્યું હતું જેથી 21 વર્ષીય સુંદરને પ્રથમ ટેસ્ટ મૅચ રમતા જોઈ શકાય.
તેમના પરિવારને સુંદર પાસે ઘણી આશા હતી અને તેમના હોઠે પ્રાર્થના હતી. બાકીના ભારતીયો માત્ર પ્રાર્થના કરી શકે તેમ હતા.
ઋષભ પંત આઉટ થયા પછી મુંબઈના પેસ બૉલર શાર્દૂલ ઠાકુર હજુ પીચ પર આવ્યા હતા.
ઋષભ પછી ટીમમાં બૅટ્સમૅન કહી શકાય તેવું કોઈ બાકી રહ્યું ન હતું. ઠાકુર આ અગાઉ માત્ર એક ટેસ્ટ મૅચ રમવાનો અનુભવ ધરાવતા હતા, જેમાં તેમણે ફક્ત 10 બૉલ ફેંક્યા પછી ઈજા થઈ હતી અને તેમણે નૉટઆઉટ 4 રન બનાવ્યા હતા.
આ બંનેને મુખ્યત્વે તેમની બૉલિંગ ક્ષમતા માટે પસંદ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમણે ઑસ્ટ્રેલિયાની લીડ ઘટાડી નાખી. એટલું જ નહીં, તેમણે વિશ્વની કદાચ સર્વશ્રેષ્ઠ બૉલિંગ ઍટેકના આત્મવિશ્વાસને ડગમગાવી દીધો.
તેઓ બાઉન્ડરી અને સિક્સર ફટકારતા હતા ત્યારે ઑસ્ટ્રેલિયાના ઘાતક બૉલરો તેમની સામે ડોળા કાઢતા હતા અને ઈજા પહોંચાડે તેવી બૉલિંગ કરતા હતા.
સ્ટાર્કનો એક 90 માઇલની ગતિએ ફેંકાયેલો બાઉન્સર સુંદરના ખભા પર વાગ્યો, પરંતુ તેમણે મચક ન આપી.
ઠાકુર અને સુંદર બંનેએ આ ટેસ્ટ મૅચ રમવાની કલ્પના પણ નહીં કરી હોય. તેઓ અનુક્રમે 67 અને 62 રન બનાવશે તેની તો વાત જ જવા દો.
ભારતીય ટીમમાંથી આ બંનેના સ્કોર સર્વાધિક હતા. તેમની વચ્ચે 123 રનની ભાગીદારી થઈ અને ભારત તે દિવસે બચી ગયું.
તેમણે આ રન કોઈ ઢીલી બૉલિંગ સામે બનાવ્યા ન હતા. આ રન ગાબાની પીચ પર ઑસ્ટ્રેલિયાની સૌથી ખતરનાક બૉલિંગ સામે બનાવવામાં આવ્યા હતા, જ્યાં ભારતીય ટીમ ભારે દબાણ હેઠળ હતી.
સુંદર અને ઠાકુરે પોતાની ઉત્તમ ટેકનિકનું પ્રદર્શન કર્યું હતું. તેમણે નસીબના આધારે નહીં પરંતુ ગમે તેવી સ્થિતિમાં અડગ રહેવાની માનસિકતથી આ દેખાવ કર્યો હતો.
યાદ રાખો, ચાર ટેસ્ટ મૅચની પહેલી ટેસ્ટ મૅચમાં આ જ ટીમ પોતાના શ્રેષ્ઠ ખેલાડીઓ હોવા છતાં માત્ર 36 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી.
ત્યારપછી ભારતીય ટીમે કૅપ્ટન વિરાટ કોહલીની ગેરહાજરી સહન કરવી પડી જે ટીમના શ્રેષ્ઠ બૅટ્સમૅન પણ છે.
રહાણની કપ્તાની અને હનુમા વિહારીનો જલવો
બીજી ટેસ્ટમાં રહાણેએ કૅપ્ટનશિપ સંભાળી અને જોરદાર સદી ફટકારી. આ દરમિયાન ઈજાગ્રસ્ત ખેલાડીઓની યાદી લંબાતી જતી હતી છતાં ભારત બીજી ટેસ્ટ જીતવામાં સફળ રહ્યું.
આ કમબૅકમાં ભારતીય ટીમે પોતાનાં કૌશલ્ય અને ક્ષમતાનું પ્રદર્શન કર્યું હતું, તો ત્રીજી ટેસ્ટના છેલ્લા દિવસે ભારતીયોઓ લોખંડી મનોબળ દર્શાવ્યું હતું.
11 જાન્યુઆરીએ હનુમા વિહારીએ હેમસ્ટ્રીંગ ફાટી ગઈ હોવા છતાં અને રવિચંદ્રન અશ્વિને પીઠની નસ ખેંચાઈ ગઈ હોવા છતાં ત્રણ કલાક કરતાં વધુ સમય સુધી ઑસ્ટ્રેલિયાનો મુકાબલો કર્યો અને બૉલરોનો નાસીપાસ કરી દીધા.
તેમણે તાજેતરના સમયનો સૌથી યાદગાર કહેવાય તેવો ડ્રૉ હાંસલ કર્યો હતો. તે મૅચ પછી અશ્વિન અને વિહારીએ જણાવ્યું હતું કે તેમણે જે પ્રાપ્ત કર્યું હતું તેની અસર મહિનાઓ સુધી જોવા મળશે. પરંતુ ભારતે તો એક સપ્તાહથી ઓછા સમયમાં ફરીથી કમાલ કરી.
મોહમ્મદ સિરાઝની એ પાંચ વિકેટ
ગાબામાં ચોથા દિવસે મોહમ્મદ સિરાજ પોતાના વાળની ગાંઠ બાંધીને રમે છે, જેથી ભારત વતી તેમને ટેસ્ટ ક્રિકેટ રમતા જોવાનું તેમના પિતાનું સ્વપ્ન સાકાર થાય.
થોડા કલાકો પછી તેઓ બૉલને અધ્ધર કરે છે. તેમની આંખો આંસુથી છલકાય છે અને ભારતીય ટીમ ફિલ્ડ પરથી પેવિલિયનમાં જઈ રહી છે.
તે દિવસે બીજી ઇંનિંગમાં ભારતે ઑસ્ટ્રેલિયાને 294 રનમાં પેવિલિયન ભેગી કરી દીધી છે. ઑટોરિક્ષા ડ્રાઇવરના પુત્ર સિરાજે તેમની ત્રીજી ટેસ્ટમાં પહેલી વખત પાંચ વિકેટ ઝડપી છે.
ગયા નવેમ્બરમાં જ સિરાજના પિતા મૃત્યુ પામ્યા હોવાથી તેમને યાદ કરીને સિરાજની આંખ ભીની થઈ જાય છે.
પિતા મૃત્યુ પામ્યા ત્યારે સિરાજ ઑસ્ટ્રેલિયામાં હતા. આ આંસુ તેમણે આટલાં વર્ષો સુધી જે સખત મહેનત કરી હતી તેના પ્રતાપે હતાં.
થોડા દિવસો અગાઉ સિરાજે મૅચ અટકાવી હતી, કારણ કે સિડનીમાં કેટલાક દર્શકો તેમના વિશે વંશીય ટિપ્પણી કરતા હતા.
ગિલ, પુજારા અને પંતની કમાલ
દિવસ 5: ભારતની હાર નક્કી જણાતી હતી અને માત્ર વરસાદ જ આ ટેસ્ટને ડ્રૉમાં લઈ જઈ શકે તેમ હતો.
પ્રથમ સત્રમાં જ પીચ પોતાના રંગ દેખાડી રહી હતી, જેમાં ઑસ્ટ્રેલિયન બૉલર્સે તરત શર્માની વિકેટ ઝડપી લીધી. બધા હવે વરુણદેવને પ્રાર્થના કરતા હતા.
પરંતુ 21 વર્ષીય શુભમન ગિલના મનમાં બીજા વિચારો ચાલતા હતા. તેમની બેટિંગે દર્શાવી દીધું કે તેઓ ઑસ્ટ્રેલિયન બૉલરોનો મુકાબલો કરી શકે છે.
91 રનના સ્કોરે ગિલે વિકેટ ગુમાવી ત્યારે પણ ભારતીયો વરુણદેવને પ્રાર્થના કરતા હતા. પરંતુ આ વખતે વરસાદ માટે નહીં, પરંતુ વરસાદ ન પડે તે માટે પ્રાર્થના થતી હતી, કારણ કે હવે જીતના સંકેત દેખાતા હતા અને ડ્રૉ એ બીજો વિકલ્પ હતો.
આઠ ઓવર કરતાં ઓછા સમયમાં ઑસ્ટ્રેલિયનોના મનમાં પણ શંકા જાગવા લાગી. એક સિક્સ, એક બાઉન્ડરી, વધુ એક બાઉન્ડરી. અચાનક હવે 6 ઓવરની અંદર 24 રનની જરૂર હતી.
પંત અને સુંદર ક્રિઝ પર ઊભા હતા અને 32 વર્ષથી જે મેદાન ઑસ્ટ્રેલિયા માટે ગઢ હતું તેના કાંગરા ખરવા લાગ્યા હતા. ઑસ્ટ્રેલિયાનો ગઢ ધ્વસ્ત થતો દેખાતો હતો.
સુંદરે વિકેટ ગુમાવી, ઠાકુર આઉટ થયા પરંતુ ભારતીયોની આશા વધતી જતી હતી. છેલ્લે પંતે એક બાઉન્ડરી ફટકારી જેને લાંબા સમય સુધી યાદ રાખવામાં આવશે.
ભારતે ટેસ્ટ મૅચ અને શ્રેણી જીતી લીધી છે. આ સાથે જ આજીવન સન્માન પણ પ્રાપ્ત કર્યું છે.
- કોરોના વાઇરસની દવા મળી, જે બચાવી રહી છે લોકોના જીવ
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચી શકાય?
- કોરોના વાઇરસ દૂધની થેલી અને શાકભાજી પર કેટલું જીવે છે?
- કોરોના વાઇરસનો ચેપ આખરે કયા પશુમાંથી ફેલાયો?
https://www.youtube.com/watch?v=CZRuslESZUI
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો