For Quick Alerts
For Daily Alerts
2015માં વિશ્વકપમાં ટીમને લીડ કરશે ધોનીઃ ગાંગુલી
નવી દિલ્હી, 28 જૂનઃ ચેમ્પિયન્સ ટ્રોફીમાં જીત હાંસલ કરવા બદલ ટીમ ઇન્ડિયાના સુકાની મહેન્દ્ર સિંહ ધોનીના ચારેકોર વખાણ થઇ રહ્યાં છે, આ યાદીમાં પૂર્વ સુકાની સૌરવ ગાંગુલી પણ છે. સૌરવ ગાંગુલીએ ધોનીના વખાણ કરતા કહ્યું છે કે, ધોનીના નેતૃત્વ હેઠળ ભારતીય ટીમે અવિશ્વસનીય પ્રદર્શન કર્યું છે. એક સુકાનીના રૂપમાં તેનો રેકોર્ડ ઘણો જ શાનદાર છે. હજુ પણ તેનામાં ઘણું ક્રિકેટ બાકી છે, મારા મતે વિશ્વકપ 2015માં તે ટીમનું નેતૃત્વ કરવા માટે યોગ્ય વ્યક્તિ છે.
ભારતના પૂર્વ ક્રિકેટ સુકાનીએ ધોનીના વખાણ કરતા કહ્યું છે કે, તેમના નેતૃત્વમાં ઘણા યુવા ખેલાડીઓ સુરેશ રૈના, રવિન્દ્ર જાડેજા અને રોહિત શર્માએ સુધારો કર્યો છે. જે આપણા માટે એક સારો સંકેત છે. તેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં જીતની એક સાઇકલ પૂર્ણ કરી છે. ટી20 વિશ્વકપ, 2011 વિશ્વકપ અને હવે ચેમ્પિયન્સ ટ્રોફી, ખરેખર આ એક શાનદાર પ્રદર્શન છે.
પોતાના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયાને વિદેશોમાં જીતવાનું શીખવનાર સૌરવ ગાંગુલીએ કહ્યું કે, હું એ મજબૂત પણે કહી શકું છું કે, ધોની 2015 વિશ્વકપ અંગે કંઇક વિચારી રહ્યાં હશે અને એવું કોઇ કારણ ઉભું નથી થતું કે તેમણે ટીમના સુકાની ના રહેવું જોઇએ. ગાંગુલીએ કહ્યું કે, એક સુકાની તરીકે તમારા પર ઘણું દબાણ હોય છે, ધોની આ વાતને જાહેર કરતા નથી, પરંતુ અંદરથી તેમના પર ઘણું દબાણ રહે છે.