GT vs MI : ગુજરાતને 178 રનનો ટાર્ગેટ, ટિમ ડેવિડની તોફાની ઇનિંગ્સ!
IPL 2022ની 51મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત ટાઈટન્સને જીતવા માટે 178 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા MIએ 6 વિકેટે 177 રન બનાવ્યા હતા. ઈશાન કિશને સૌથી વધુ 45 રન બનાવ્યા હતા, જ્યારે ટિમ ડેવિડે 20 બોલમાં 44 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. ગુજરાત તરફથી રાશિદ ખાને 2 વિકેટ ઝડપી હતી.
ગુજરાત ટાઇટન્સના વાઇસ કેપ્ટન રાશિદ ખાને શાનદાર બોલિંગ કરતાં 4 ઓવરમાં 2 વિકેટ ઝડપી હતી. તેણે રોહિત શર્મા (43) અને કિરોન પોલાર્ડ (4)ને આઉટ કર્યા હતા. સ્પેલમાં રાશિદે 6ની ઇકોનોમી પર રન ખર્ચ્યા હતા.
મુંબઈ ઈન્ડિયન્સના કિરોન પોલાર્ડનું ખરાબ ફોર્મ ચાલુ છે. ગુજરાત સામેની મેચમાં તેણે 14 બોલમાં માત્ર 4 રન બનાવ્યા હતા અને તે રાશિદ ખાનના હાથે ક્લીન બોલ્ડ થયો હતો. આ સિઝનમાં પોલાર્ડના બેટમાંથી એક પણ અડધી સદી નથી બની.
IPL 2022નો સૌથી મોંઘો ખેલાડી ઇશાન કિશન 29 બોલમાં 45 રન બનાવીને આઉટ થયો હતો. તેની વિકેટ અલઝારી જોસેફના ખાતામાં આવી અને મિડવિકેટ પર રાશિદ ખાનના હાથે કેચ થયો.