IND vs ENG : સચિનને પાછળ છોડી કોહલીએ વધુ એક વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો!
ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન કોહલી 2 વર્ષથી ભલે સદી ફટકારી શક્યો ન હોય પરંતુ ટૂંકી ઇનિંગ રમીને પણ નવા રેકોર્ડ બનાવી રહ્યો છે. લંડનના ઓવલ મેદાન પર ઈંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ દરમિયાન તેણે સચિન તેંડુલકરને પાછળ છોડી નવો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઓછી ઇનિંગમાં 23 હજાર રન પૂરા કરવાનો રેકોર્ડ કોહલીએ પોતાના નામે કર્યો છે. આ આંકડા સુધી પહોંચવા માટે કોહલીને માત્ર 1 રનની જરૂર હતી. તેણે ટેસ્ટના પ્રથમ દિવસે જેમ્સ એન્ડરસન સામે શાનદાર ઓન-ડ્રાઈવ સાથે આ રેકોર્ડ પોતાના નામે કર્યો.

સૌથી ઓછી ઈનિગ્સમાં 23 હજાર રન પુરા કર્યા
વિરાટ કોહલીએ તેંડુલકર, રિકી પોન્ટિંગ અને કુમાર સંગકારા જેવા દિગ્ગજોને પાછળ છોડી દીધા છે. તેણે તેની 440 મી મેચ 490 મી ઇનિંગમાં રેકોર્ડ પોતાના નામે કર્યો. કોહલીએ 23 હજાર રન પૂરા કરવા માટે સચિન કરતા 32 ઇનિંગ ઓછી રમી છે. કોહલી અને સચિન બાદ આ યાદીમાં ત્રીજા નંબરે રિકી પોન્ટિંગ છે. પોન્ટિંગે 544 ઇનિંગ્સમાં 23,000 રનનો આંકડો પાર કર્યો હતો. તે જ સમયે, સચિને 522 ઇનિંગ્સ રમીને આ સ્કોર હાંસલ કર્યો હતો. કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 70 સદી અને 116 અડધી સદી પણ ફટકારી છે.

દિગ્ગજોની લિસ્ટમાં કોહલી સામેલ
કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 23 હજાર રનનો આંકડો પાર કરનારો ત્રીજો ભારતીય અને વિશ્વનો સાતમો બેટ્સમેન છે. તેના પહેલા સચિન તેંડુલકર (34357) અને રાહુલ દ્રવિડ (24208) આ પરાક્રમ કરી ચૂક્યા છે. કુમાર સંગાકારા (28016), રિકી પોન્ટિંગ (27483), મહેલા જયવર્દને (25957) અને જેક કાલિસ (25534) એ પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 23,000 થી વધુ રન બનાવ્યા છે.

સૌથી ઓછી ઈનિગ્સમાં 23 હજાર રન પુરા કર્યા
490 ઇનિંગ્સ - વિરાટ કોહલી
522 ઇનિંગ્સ - સચિન તેંડુલકર
544 ઇનિંગ્સ - રિકી પોન્ટિંગ
551 ઇનિંગ્સ - જેક્સ કેલિસ
568 ઇનિંગ્સ - કુમાર સાંગાકારા
576 ઇનિંગ્સ - રાહુલ દ્રવિડ
645 ઇનિંગ્સ - મહેલા જયવર્દને

ધોનીને પણ કોહલીએ પાછળ છોડ્યા
કોહલીએ કેપ્ટનશિપ મામલે મહેન્દ્ર સિંહ ધોનીને પાછળ છોડી દીધો છે. કોહલી ટોસ માટે મેદાન ઉતરતા જ વિદેશમાં 10 ટેસ્ટ રમનારો ભારતનો પ્રથમ કેપ્ટન બન્યો છે. ઇંગ્લેન્ડમાં ભારતના કેપ્ટન તરીકે કોહલીની આ 10 મી ટેસ્ટ છે. એમએસ ધોની હવે બીજા સ્થાને છે, કારણ કે તેણે ઇંગ્લેન્ડમાં 9 ટેસ્ટમાં ભારતનું નેતૃત્વ કર્યું હતું, જ્યારે પાકિસ્તાનમાં 8 ટેસ્ટમાં ભારતીયનું નેતૃત્વ કર્યા બાદ સુનીલ ગાવસ્કર આ યાદીમાં ત્રીજા સ્થાને છે.