IND vs NZ : કિવી સામે ભારતીય બોલર ફિક્કા પડ્યા, દિવસ અય્યર અને સાઉથીના નામે રહ્યો!
કાનપુર : ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બે મેચની ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં રમાઈ રહી છે. મેચના બીજા દિવસે ભારત પ્રથમ ઈનિંગ્સમાં 345 રનમાં ઓલઆઉટ થઈ ગયુ હતું. ત્યાર બાદ બેટિંગ કરવા ઉતરેલી ન્યુઝીલેન્ડે બીજા દિવસની રમતના અંત સુધી એકપણ વિકેટ ગુમાવ્યા વિના 129 રન બનાવી લીધા હતા. બીજો દિવસ ભારતના બેટ્સમેન શ્રેયસ અય્યર અને ન્યુઝીલેન્ડના બોલર ટિમ સાઉથીના નામે રહ્યોં.
ભારતીય ટીમે પહેલા દિવસે 4 વિકેટે 258 રનથી દિવસની શરૂઆત કરી હતી. જો કે બીજા દિવસે રવિન્દ્ર જાડેજા કોઈ રન બનાવ્યા વગર આઉટ થઈ ગયો હતો. તેણે 50 રનની ઇનિંગ રમી હતી. વિકેટકીપર રિદ્ધિમાન સાહા ડબલ ફિગર સુધી પહોંચી શક્યો નહોતો. જો કે, શ્રેયસ અય્યરે પોતાનો જાદુ દેખાડતા ટેસ્ટ કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી. તેણે 105 રનમાં 12 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. તે પછી રવિચંદ્રન અશ્વિન (38) સિવાય કોઈ બેટ્સમેન પીચ પર ટકી શક્યો નહોતો. પરિણામે ભારતની ઈનિંગ્સ 345 રન પર સમાપ્ત થઈ. ન્યુઝીલેન્ડ તરફથી ટીમ સાઉથીએ સૌથી વધુ પાંચ વિકેટ લીધી હતી.
ન્યુઝીલેન્ડના ઓપનર ટોમ લાથમ અને વિલ યંગે ગ્રીન પાર્ક પિચ પર ટીમને સારી શરૂઆત અપાવી હતી. બંને ઓપનરોએ ભારતીય સ્પિનરોને વિકેટ લેવા દીધી ન હતી. બંનેએ બીજા સેશનમાં આક્રમણ અને સંયમ સાથે 72 રન બનાવ્યા હતા. ત્રીજા સેશનમાં ભારતીય સ્પિનરે થોડી બોલિંગ કરી હતી. જો કે, ભારતીય બોલરમાંથી કોઈ પણ વિકેટ લઈ શક્યા નહીં. ઓછા પ્રકાશને કારણે જ્યારે રમત રોકવામાં આવી ત્યારે ન્યૂઝીલેન્ડે એકપણ વિકેટ ગુમાવ્યા વિના 129 રન બનાવ્યા હતા. યંગ 75 અને ટોમ લાથમ 50 રને અણનમ છે. ન્યૂઝીલેન્ડ હજુ પણ ભારતથી 216 રન પાછળ છે. ભારતમાં ન્યૂઝીલેન્ડ સામે ટોમ લાથમ અને યંગની આ ત્રીજી સૌથી મોટી ઓપનિંગ ભાગીદારી છે.