
IND vs SA : ભારત 174 રનમાં ઓલઆઉટ, દક્ષિણ આફ્રિકાને 305 રનનો ટાર્ગેટ!
સેન્ચ્યુરિયન : દક્ષિણ આફ્રિકાની પ્રથમ ટેસ્ટના ચોથા દિવસે ભારતનો બીજો દાવ 174 રનમાં સમેટાઈ ગયો હતો, ભારતે યજમાન ટીમને જીતવા માટે 305 રનનો ટાર્ગેટ આપ્યો છે. સુપરસ્પોર્ટ પાર્કમાં ચાલી રહેલી આ મેચમાં ભારતીય બેટ્સમેનો બીજા દાવ દરમિયાન લથડતા જોવા મળ્યા હતા. વિકેટકીપર રિષભ પંતે 34 બોલમાં 34 રન બનાવ્યા હતા. આ સિવાય અન્ય કોઈ બેટ્સમેન આ કામ કરી શક્યો ન હતો. ઓપનર કેએલ રાહુલે 23, મયંક અગ્રવાલે 4, શાર્દુલ ઠાકુરે 10, ચેતેશ્વર પુજારાએ 16, વિરાટ કોહલીએ 18, અજિંક્ય રહાણેએ 20 અને રવિ અશ્વિને 14 રન બનાવ્યા હતા. મોહમ્મદ શમી 1 રન બનાવી શક્યો હતો. કાગીસો રબાડા અને માર્કો જેનસેને 4-4 જ્યારે લુંગી નગિડીએ 2 વિકેટ ઝડપી હતી.
ભારતીય ટીમે ચોથા દિવસે 146 રનથી ઇનિંગની શરૂઆત કરી હતી. પરંતુ દિવસની શરૂઆતમાં જ ભારતીય ટીમને મોટો આંચકો લાગ્યો હતો. કાગીસો રબાડાએ શાર્દુલ ઠાકુરને સસ્તામાં પેવેલિયન મોકલ્યો હતો. ત્યારપછી ચેતેશ્વર પૂજારા અને કેએલ રાહુલે ઇનિંગ બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે રાહુલ 23 રન બનાવીને પરત ફર્યો હતો. જે બાદ મેદાન પર આવેલા ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ચાર ચોગ્ગા ફટકારીને સારી શરૂઆત કરી હતી. જો કે, તે 18 રનથી આગળ વધી શક્યો નહોતો. પૂજારા 16 અને અજિંક્ય રહાણે 20 રને આઉટ થયા હતા.
બંને ટીમો આ પ્રમાણે છે
ભારત - કેએલ રાહુલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે, ઋષભ પંત, આર. અશ્વિન, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર
દક્ષિણ આફ્રિકા - ડીન એલ્ગર (કેપ્ટન), એડન માર્કરામ, કીગન પીટરસન, રાસી વાન ડેર ડુસેન, ટેમ્બા બાવુમા, ક્વિન્ટન ડી કોક, વિયાન મુલ્ડર, કેશવ મહારાજ, કાગીસો રબાડા, લુંગી એનગીડી, માર્કો યાનસન