
હરારે વનડે: ભારતે ઝિમ્બાબ્વેને 58 રને આપી માત
હરારે, 25 જુલાઇ: ભારતીય ક્રિકેટ ટીમે પોતાના આક્રમક પ્રદર્શનના દમ પર હરારે સ્પોર્ટ્સ ક્લબ મેદાન પર શુક્રવારે રમાયેલી પાંચ મેચોની શૃંખલાના બીજા એકદિવસીય મુકાબલામાં ઝિમ્બાબ્વેને 58 રનોથી માત આપી છે. આ જીતે શૃંખલામાં ભારત 2-0થી આગળ થઇ ગયું છે.
ભારતે શિખર ધવનના શાનદાર 116 રનોના કારણે મેજબાન ટીમ સમક્ષ 295 રનનો લક્ષ્ય રાખ્યો હતો. તેના જવાબમાં ઝિમ્બાબ્વેની ટીમે નિર્ધારીત 50 ઓવરોમાં નવ વિકેટ ગુમાવીને 236 રન બનાવી શકી હતી. ભારત તરફથી જયદેવ ઉનડકટે ચાર વિકેટ ઝડપી હતી. જ્યારે અમિત મિશ્રાએ 2 વિકેટ ઝડપી હતી.
ઝિમ્બાબ્વેના ઓપનર બેસ્ટમેન વુશી સિબાંદા (55) અને પ્રાસ્પર ઉત્સેયા (અણનમ 52) જ્યારે એલ્ટન ચિગુમ્બુરાએ 46 રન ફટકાર્યા હતા. આ ઉપરાંત હેમિલ્ટન માસાકાદ્ઝાએ 34 રન બનાવ્યા હતા. મેજબાન ટીમે સિબાંદા અને પાકિસ્તાની મૂળના સિકંદર રાજા (20) રનોની ઇનિંગની મદદથી પ્રથમ વિકેટ માટે 45 રન બનાવ્યા હતા.
આ પહેલાં ઓપનર બેસ્ટમેન શિખર ધવન (116) કેરિયરની ત્રીજી સદી સાથે ભારતે ટોસ હાર્યા બાદ પ્રથમ બેટીંગ કરતાં નિર્ધારિત 50 ઓવરોમાં આઠ વિકેટ પર 294 રન બનાવ્યા હતા. શિખર ધવને 127 બોલમાં 11 ચોગ્ગા અને બે સિક્સર ફટકારી હતી. શિખર ધવને દિનેશ કાર્તિક (69) સાથે પાંચમી વિકેટ માટે 167 રનોની ભાગીદારી કરતાં ટીમને મુશ્કેલ પરિસ્થિતીમાં બહાર કાઢી મજબૂત સ્કોર સુધી પહોંચાડી હતી.
દિનેશ કાર્તિકે 74 બોલની ઇનિંગમાં 6 ચોગ્ગા ફટકાર્યા હતા. શિખર ધવન અને દિનેશ કાર્તિકે 25.4 ઓવર સુધી 6.50 ની રનરેટ સાથે રન બનાવ્યા હતા. ભારતની શરૂઆત સારી રહી ન હતી. પોતાની 100મી મેચ રમી રહેલા રોહિત શર્માને વિકેટ બે રન પર પડી ગઇ હતી. ત્યારબાદ શિખર ધવન અને વિરાટ કોહલીએ બીજી વિકેટ માટે 33 રન બનાવ્યા હતા પરંતુ કુલ 35 રનના યોગદાન પર વિરાટ કોહલી પણ પેવેલિયન ભેગા થઇ ગયા હતા. વિરાટ કોહલીએ 18 બોલમાં બે ચોગ્ગા ફટકાર્યા હતા. પોતાની કેરિયરની પ્રથમ મેચમાં અર્ધશતક લગાવનાર રાયુડુની વિકેટ 55 રન પર પડી ગઇ હતી.