IPL 2021 : આ 5 ખેલાડીઓ ભવિષ્યમાં RCB ના કેપ્ટન બની શકે છે!
ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ટી 20 વર્લ્ડકપ બાદ ટી 20 ફોર્મેટની કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ તે બાદ ચાહકોને ત્યારે આંચકો લાગ્યો જ્યારે તેને જાહેરાત કરી કે કેપ્ટન તરીકે આઈપીએલ 2021 તેની છેલ્લી સીઝન હશે. કોહલી 2022 માં રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) ની કેપ્ટનશીપ નહીં સંભાળે, જોકે તેણે દાવો કર્યો છે કે તે હંમેશા IPL માં RCB તરફથી રમશે.
કેપ્ટન કોહલી પોતાની ભૂમિકાથી દૂર થતા હવે સવાલ એ ઉદ્ભવી રહ્યો છે કે હવે IPL 2022 માં ટીમની કેપ્ટનશીપ કોણ કરશે? IPL 2022 માટે ખેલાડીઓની હરાજી પણ ટૂંક સમયમાં થશે. ત્યાં ઘણા બધા ખેલાડીઓ આવશે અને બહાર થ1શે. આરસીબીના આ 5 એવા ખેલાડીઓ છે, જે ભવિષ્યમાં આરસીબીની કેપ્ટનશીપ કરી શકે છે.

એબી ડી વિલિયર્સ
કેટલાક નામો એવા છે જે હંમેશાથી ફ્રેન્ચાઇઝીનો મુખ્ય ભાગ રહ્યા છે અને દક્ષિણ આફ્રિકાના સુપરસ્ટાર ડી વિલિયર્સ આરસીબી માટે તેમાંથી એક છે. ડી વિલિયર્સે ઘણી વખત ટીમને જીતાડવાનું કામ કર્યું છે. રન બનાવવા ઉપરાંત તે આરસીબીના સૌથી અનુભવી ખેલાડીઓમાંથી એક છે. જો કોહલીએ રાજીનામું આપવાનું નક્કી કર્યું હોય તો મિસ્ટર 360 કરતાં વધુ સારી રીતે કોઈ ટીમ સંભાળી શકે નહીં. તમામ ફોર્મેટમાં રાષ્ટ્રીય ટીમની કેપ્ટનશીપ કરવાનો અનુભવ ધરાવતા વિલિયર્સને આરસીબી મેનેજમેન્ટ દ્વારા ટીમની કેપ્ટનશીપ આપવાનો નિર્ણય યોગ્ય રહેશે.

ડેવિડ વોર્નર
હાલમાં આઈપીએલમાં ડેવિડ વોર્નર માટે સ્થિતી બહુ સારી નથી. આઈપીએલ 2021 ના ભારતીય તબક્કા દરમિયાન તેને કેપ્ટનશીપમાંથી અધવચ્ચેથી હટાવી દેવામાં આવ્યો હતો અને તેનાથી પણ ખરાબ તેને SRH ની પ્લેઇંગ ઇલેવનમાં પોતાનું સ્થાન ગુમાવ્યું. આવતા વર્ષે મેગા હરાજીમાં SRH કેન વિલિયમસન, રાશિદ ખાન વગેરેને જાળવી રાખવા માટે મક્કમ રહેશે. જો કે, તે જોવાનું રહેશે કે તે વોર્નર સાથે જશે કે નહીં અને જો નહીં, તો તે આરસીબી માટે વિકલ્પ બની શકે છે. વોર્નરે 2016 માં SRH ને ખિતાબ અપાવ્યો હતો. તેણે ત્રણ વખત ઓરેન્જ કેપ જીતી છે. હવે જોવાનું એ રહે છે કે શું આરસીબી તેને ખરીદવા અને કેપ્ટન બનાવવા માંગે છે કે નહીં.

દેવદત્ત પડિક્કલ
હાલની RCB ટીમના કેટલાક અગ્રણી બેટ્સમેનોની વાત કરીએ તો યુવા દેવદત્તનું નામ સૌથી વધુ આગળ છે. તે છેલ્લા બે વર્ષથી ટીમ માટે ચમત્તકાર કરી રહ્યો છે અને કેપ્ટનશિપના વિચાર સાથે તેના પર વિશ્વાસ કરવો આરસીબી માટે ફળદાયી નિર્ણય હોઈ શકે છે. આઈપીએલ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં યુવાનોને તક અને જવાબદારીઓનો સંપૂર્ણ હિસ્સો આપવામાં આવે છે. ઘણા યુવાનો તેમની ટીમોનું નેતૃત્વ કરે છે અને RCB ની ભાવિ સંભાવનાઓને ધ્યાનમાં રાખીને જોતા પેડિક્કલ ઘણો આગળ જશે. તે બેટથી કમાલ કરી રહ્યો છે અને અનુભવી ખેલાડીઓના ટેકાથી તે ટીમનો હવાલો સંભાળી શકે તેમ છે. તેને આઈપીએલ 2020 માં 473 રન બનાવ્યા હતા અને આઈપીએલ 2021 ના પહેલા ભાગમાં સદી ફટકારી ચૂક્યો છે.

સૂર્યકુમાર યાદવ
જો કોઈ એવો માણસ છે જે તેની મહેનત અને સમર્પણથી પોતાનું નસીબ બદલી રહ્યો છે તો તે બીજું કોઈ નહીં પણ સૂર્યકુમાર યાદવ છે. ભારતમાં શરૂઆતથી લઈને ટી 20 વર્લ્ડ કપ સુધી તેની સફર હવે સારી રીતે આગળ વધી રહી છે. મુંબઈ ઇન્ડિયન્સ સાથે આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ તેને યોગ્ય તક મળવા લાગી છે. મુંબઈમાં તેના જેવા ઘણા બેટ્સમેન છે. આ સ્થિતિમાં જો સૂર્યકુમાર પોતાનું કદ વધારવા માંગે છે તો તે હરાજીમાં જોવા મળી શકે છે. જો આવું થાય તો આરસીબી તેને ખરીદી શકે છે અને તેને કેપ્ટનની તક આપી શકે છે. તેની પાસે બેટિંગનો પૂરતો અનુભવ છે અને તે આગામી સિઝનમાં સંપૂર્ણ શક્તિ સાથે નવી ભૂમિકા નિભાવવા માટે ઉત્સુક રહેશે.

ક્વિન્ટન ડી કોક
દક્ષિણ આફ્રિકાના સ્ટાર ડી કોક પણ કેપ્ટનશિપ માટે યોગ્ય પસંદગી બની છે. હાલમાં આ ખેલાડી મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમે છે, પરંતુ મેગા હરાજી નજીક આવી રહી છે. રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ, કિરોન પોલાર્ડ અને હાર્દિક પંડ્યાને જાળવી રાખવા મુંબઈની પ્રથમ પસંદ હશે. આવી સ્થિતિમાં ડી કોકની શક્યતા ઘણી ઓછી છે. જો કે એ પણ સાબિત થાય છે કે જો કોઈ ખેલાડી બીજી ટીમમાં જાય છે તો તેનું મહત્વ પહેલા કરતા વધે છે. જો RCB કેપ્ટનની શોધમાં ડી કોકને ઉમેરે તો તેમાં કંઈ ખોટું નથી. ભૂતકાળમાં તેની રાષ્ટ્રીય ટીમનું નેતૃત્વ કર્યા બાદ વિકેટકીપિંગ-બેટ્સમેને હજુ પણ આઈપીએલમાં ઘણા રેકોર્ડ છે.