
IPL Qualifier 1 : ગુજરાત ફાઇનલમાં, રાજસ્થાનની 7 વિકેટે હાર!
IPL 2022ના પ્રથમ ક્વોલિફાયરમાં ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટે હરાવી ફાઇનલમાં જગ્યા બનાવી છે. રાજસ્થાનની ટીમે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 188 રન બનાવ્યા હતા. મેચમાં શાનદાર બેટિંગ કરતા ડેવિડ મિલર અને હાર્દિક પંડ્યાએ સદીની ભાગીદારી કરી હતી. જેના કારણે ગુજરાતે 19.3 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. ગુજરાતને છેલ્લી ઓવરમાં જીતવા માટે 16 રનની જરૂર હતી. ડેવિડ મિલરે ફાઈનલમાં પહોંચવા માટે પ્રસિદ્ધ કૃષ્ણાના ત્રણ બોલમાં ત્રણ છગ્ગા ફટકાર્યા હતા.
પ્રથમ વિકેટ વહેલી પડી ગયા બાદ શુભમન ગિલ અને મેથ્યુ વેડે ગુજરાત માટે 43 બોલમાં 71 રનની શાનદાર ભાગીદારી નોંધાવી હતી. આ પછી 21 બોલમાં 35 રન રમી રહેલા શુભમન રનઆઉટ થયો હતો. શુભમનના આઉટ થયા બાદ મેથ્યુ વેડ પણ લાંબો સમય બેટિંગ કરી શક્યો ન હતો અને તે પણ 35 રન બનાવીને ઓબેડ મેકકોયની બોલ પર જોસ બટલરના હાથે કેચ આઉટ થયો હતો.
189 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ગુજરાતની ટીમની શરૂઆત ખરાબ રહી હતી અને ટ્રેન્ટ બોલ્ટે પ્રથમ ઓવરના બીજા બોલ પર જ તેમને ઝટકો આપ્યો હતો. શાનદાર ફોર્મમાં ચાલી રહેલ રિદ્ધિમાન સાહા ખાતું પણ ખોલી શક્યો નહોતો અને વિકેટો ગુમાવી હતી. વિકેટકીપર સંજુ સેમસને તેનો આસાન કેચ લીધો હતો.
રાજસ્થાન તરફથી ફરી એકવાર જોસ બટલરે ધમાકેદાર બેટિંગ કરી અને માત્ર 56 બોલમાં 89 રન બનાવ્યા. તેના બેટથી 12 ચોગ્ગા અને 2 છગ્ગા આવ્યા હતા.