
IPL 2022 : આ 4 ટીમ પ્લેઓફમાં પહોંચશે, ફેરફારની સંભાવના નહીવત!
વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ IPLની સીઝન 15 હવે ધીમે ધીમે નોકઆઉટ સ્ટેજ તરફ આગળ વધી રહી છે. 10માંથી બે ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે, જ્યારે બાકીની 8 ટીમ હજુ પણ છેલ્લી 4માં પહોંચવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહી છે. જો કે, વર્તમાન IPL પોઈન્ટ ટેબલ પર નજર કરીએ તો, તે ખૂબ જ સ્પષ્ટ છે કે આ વર્ષે IPL પ્લેઓફમાં કઈ 4 ટીમો એકબીજા સાથે ટકરાશે.

ગુજરાત અને લખનૌ માટે સરળ રસ્તો
IPL 2022માં બે નવી ટીમોએ સૌથી મોટી અસર છોડી છે. હાર્દિક પંડ્યાની કપ્તાનીવાળી ગુજરાત ટાઇટન્સ (જીટી) અને કેએલ રાહુલની લખનૌ સુપર જાયન્ટ્સ (એલએસજી) અદ્ભુત પ્રદર્શન કરી રહી છે. આ 2 ટીમોનું પ્લેઓફમાં પહોંચવાનું નિશ્ચિત છે. જ્યારે ગુજરાતને છેલ્લા 4માં પહોંચવા માટે માટે માત્ર 1 જીતની જરૂર છે, લખનૌની ટીમ બે જીત સાથે પ્લેઓફમાં સ્થાન નિશ્ચિત કરશે. હાલ ગુજરાત 11 મેચમાં 16 પોઈન્ટ સાથે નંબર વન પર છે. બીજી તરફ લખનૌની ટીમ 10 મેચમાં 14 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે.

બેંગ્લોર અને રાજસ્થાનને ટક્કર
બીજી તરફ ત્રીજી અને ચોથી ટીમ રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) હોઈ શકે છે. રાજસ્થાન 10 મેચમાં 12 પોઈન્ટ સાથે ટેબલમાં ત્રીજા સ્થાને છે. RCB 11 મેચમાં 12 પોઈન્ટ સાથે ચોથા નંબર પર છે. આ બંને ટીમોને સનરાઈઝર્સ હૈદરાબાદ, દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ સામે ટક્કર છે. આ ત્રણેય ટીમોના અત્યાર સુધી 10-10 પોઈન્ટ છે.

આ 3 ટીમો બહાર થઈ ગઈ છે
ત્રણ ટીમો IPL પ્લેઓફમાંથી લગભગ બહાર થઈ ગઈ છે. આમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI)નું નામ પ્રથમ આવે છે. આ સાથે જ પ્લેઓફમાંથી બહાર થનારી બીજી ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ બની છે. આ સિવાય ત્રીજી ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ બનવા માટે તૈયાર છે. 10 મેચમાં 8 પોઈન્ટ સાથે આ ટીમ તળિયેથી ત્રીજા નંબર પર છે અને હવે તેનું પ્લેઓફમાં પહોંચવું પણ અશક્ય છે.