
IPL 2022: આ હોઈ શકે છે RCBનો કેપ્ટન, આકાશ ચોપરાએ નામ લીધુ!
નવી દિલ્હી : IPL 2022 મેગા હરાજી 12 અને 13 ફેબ્રુઆરીના રોજ બેંગલુરુમાં થવાની છે, જ્યાં તમામ ટીમો તેમના મનપસંદ ખેલાડીઓને પસંદ કરવા માટે આતુર હશે. આ વખતે IPLમાં 10 ટીમો જોવા મળશે. સાત ટીમોએ કેપ્ટનની પસંદગી કરી છે, જ્યારે ત્રણ ટીમોએ કેપ્ટનના નામની જાહેરાત કરવાની બાકી છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ પણ હજુ સુધી કેપ્ટનની પસંદગી કરી નથી. બીજી તરફ ક્રિકેટરમાંથી કોમેન્ટેટર બનેલા આકાશ ચોપરાએ પોતાનો અભિપ્રાય આપ્યો અને કહ્યું કે RCB કેપ્ટન માટે જેસન હોલ્ડરને પસંદ કરી શકે છે.
ભૂતપૂર્વ ભારતીય ટેસ્ટ ઓપનરે એમ પણ કહ્યું કે ઓલરાઉન્ડર હોવાના કારણે હોલ્ડરને તમામ મેચોમાં દેખાવાની તક મળશે અને જ્યાં સુધી તેની કેપ્ટનશીપનો સવાલ છે, બાર્બાડોસનો ખેલાડીએ અગાઉ વેસ્ટ ઈન્ડિઝ માટે તમામ ફોર્મેટમાં નેતૃત્વ કર્યું છે. ચોપરાએ કહ્યું કે, "તે ઓલરાઉન્ડર છે, તે તમામ મેચ રમશે. તેણે વેસ્ટ ઈન્ડિઝની સારી કેપ્ટનશીપ કરી છે. તે બ્રેક લેશે નહીં. જ્યારે ટીમમાં વિરાટ કોહલી છે, ત્યારે એવો કેપ્ટન હોવો જોઈએ જે ચર્ચામાં ન હોય.
જેસન હોલ્ડરને IPL 2022ની હરાજીના થોડા મહિના પહેલા 2016ની વિજેતા સનરાઈઝર્સ હૈદરાબાદ દ્વારા રિલિઝ કરવામાં આવ્યો હતો. RCB ઉપરાંત બે વખતની ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ અને 2014ની ફાઈનલિસ્ટ પંજાબ કિંગ્સે હજુ સુધી તેમના કેપ્ટનની જાહેરાત કરી નથી. અગાઉ એવી અફવા હતી કે કેએલ રાહુલ બેંગલુરુનું નેતૃત્વ કરશે, પછી સમાચાર આવ્યા કે ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલને ભૂમિકા આપવામાં આવી શકે છે.