
IPL-6: મુંબઇ ઇન્ડિયન્સે દિલ્હી ડેરડેવિલ્સને આપી 44 રને માત
મુંબઇ, 10 એપ્રિલ: મુંબઇ ઇન્ડિયન્સ ટીમે મંગળવારે વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગના છઠ્ઠા સિઝનના દસમાં અને પોતાની ત્રીજી મેચમાં દિલ્હી ડેરડેવિલ્સને 44 રનોથી માત આપી દીધી. મુંબઇ ઇન્ડિયન્સની આ બીજી જીત છે, જ્યારે ડેરડેવિલ્સને સતત ત્રીજી હારનો સામનો કરવો પડ્યો હતો.
મુંબઇ ઇન્ડિયન્સ દ્વારા આપવામાં આવેલા શાનદાર 210 રનોના વિશાળ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ડેરડેવિલ્સની ટીમ 20 ઓવરમાં 9 વિકેટના નુકસાને 156 રન જ બનાવી શકી.
ડેવિડ વોર્નરે હારેલી ટીમ માટે સૌથી વધારે 61 રન બનાવ્યા જ્યારે મનપ્રીત જૂનેજાએ 49 રનનો ફાળો આપ્યો. જૂનેજા 39 બોલ પર છ ચોગ્ગા લગાવી રન આઉટ થઇ ગયો. ત્યારે ટીમના કૂલ રન 138 રન હતા. મુંબઇ ઇન્ડિયન્સ તરફથી મિશેલ જોનશન, પ્રજ્ઞાન ઓઝા અને કીરન પોલાર્ડે બે-બે વિકેટ ઝડપી.ડેરડેવિલ્સની શરૂઆત ખુબ જ ખરાબ રહી હતી, તેણે માત્ર 13 રન પર પોતાની 2 વિકેટ ગુમાવી દીધી હતી. બેટ્સમેન ઉન્મુક્ત ચંદ પારીના પહેલા બોલમાં હરભજની ઓવરમાં રિકી પોટિંગના હાથે કેચ થઇ ગયો. ત્યારબાદ જયવર્ધને માત્ર 3 રન, વોર્નર શાનદાર 61 રન, મેન્ડીસ શૂન્ય પર, ઇરફાન પઠાણ 10 રન, કેદાર જાધવ 1, નદીમ 2, મનપ્રીત જુનેજા શાનદાર 49 રન, અને નેહરા માત્ર એક રન બનાવી પેવેલિયનભેગા થયા હતા. જ્યારે મોર્કલ 23 રન અને ઉમેશ યાદવ 5 રન પર અણનમ રહ્યા હતા.