For Daily Alerts
વિરોધ વચ્ચે મિયાંદાદે ભારત પ્રવાસ રદ કર્યો
નવીદિલ્હી, 4 જાન્યુઆરીઃ વીઝા મળ્યાની વાતને લઇને જાગેલા વિવાદ બાદ પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર્સ અને દાઉદના વેવાઇ જાવેદ મિયાંદાદે ભારત આવવાનો પ્રવાસ રદ કર્યો છે. તેઓ દિલ્હી ખાતે રમાનારી ભારત-પાકિસ્તાન વચ્ચેની ત્રીજી અને અંતિમ મેચ જોવા માટે આવવાના હતા. પરંતુ તેમના આવવાના સમાચારથી એક જોરદાર વિરોધ ચગ્યો હતો. ભારતમાં ઉદ્દભવેલા વિરોધને લઇને તેમણે ભારત નહીં આવવાનો નિર્ણય શુક્રવારે કર્યો છે.
આ પહેલા તેમણે જાતે જ એ ખુલાસો કર્યો છે કે તે દિલ્હીમાં થનારી ભારત-પાકિસ્તાનની ત્રીજી વનડે જોવા માટે તે ભારત આવશે. પાકિસ્તાની સમાચાર પત્ર ડોનના અહેવાલ અનુસાર મિયાંદાદે કહ્યું કે મારા વીઝા અને ટીકીટ તૈયાર છે. હું છઠ્ઠી જાન્યુઆરીએ રમાનારી મેચ જોવા માટે દિલ્હી જવાનો છું.
નોંધનીય છે કે, મિયાંદાદ અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના વેવાઇ છે. તેમના પુત્ર જુનૈદે દાઉદની પુત્રી માહરુખ સાથે લગ્ન કર્યાં છે. 1993માં થયેલા બોમ્બ વિસ્ફોટને લઇને દાઉદ ઇબ્રાહિમ ભારતમાં વોન્ટેડ છે.