‘કપિલે માંગી હતી દાઉદની માફી’, વેંગીના ખુલાસા બાદ શાસ્ત્રીનો ધડાકો
મુંબઇ, 29 ઓક્ટોબરઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સુકાની દિલીપ વેંગસરકરે કહ્યું કે, 1986માં શારજાહમાં ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ પહેલા અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ ટીમના ડ્રેસિંગ રૂમમાં આવ્યા હતા અને પ્રત્યેક ખેલાડીને એક-એક કાર આપવાની ઓફર કરી હતી, જો કે જે તે સમયના સુકાની કપિલ દેવે દાઉદને રૂમમાંથી બહાર જતા રહેવા કહ્યું હતું. વેંગસરકર દ્વારા કરવામાં આવેલા આ ખુલાસાને ભારતીય ટીમના એક સમયના વધુ એક ખેલાડીએ સમર્થન આપ્યું છે.
જો કે, વેંગસરકરના ખુલાસાને સમર્થન આપવાની સાથે રવિ શાસ્ત્રીએ વધુ એક તથ્ય પણ આ ખુલાસામાં જોડ્યું છે. અંગ્રેજી સમાચાર પત્ર મેલ ટૂડેને આપણે પોતાના ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું છે કે, જ્યારે કપિલને ખબર પડી કે જેને તેમણે ડ્રેસિંગ રૂમની બહાર કાઢ્યા છે, તે દાઉદ છે તો કપિલ તેમની પાસે ગયા હતા અને માફી માગી હતી.
શાસ્ત્રીએ કહ્યું કે, દાઉદ ડ્રેસિંગ રૂમમા આવતો રહેતો હતો. શારજાહમાં પણ આવ્યો હતો અને મને ખબર પડી એટલે હું ચા પીવાના બહાને ત્યાંથી જતો રહ્યો. કપિલ દેવ ઉભા થયા અને પૂછવા લાગ્યા કે તુ કોણ છે? અહીંથી જતો રહે. બાદમાં જ્યારે કપિલને ખબર પડી કે એ દાઉદ હતો, તો તેઓ તેની પાસે ગયા અને માફી માગી હતી.આ પહેલા પૂર્વ ભારતીય ક્રિકેટર દિલીપ વેંગસરકરે ક્રિકેટમાં થઇ રહેલા મેચ ફિક્સિંગને લઇને સોમવારે એક મોટો ખુલાસો કર્યો હતો. વેંગસરકર દ્વારા કરવામાં આવેલા ખુલાસા અનુસાર દાઉદ ઇબ્રાહિમ દ્વારા મેચ ફિક્સિંગ કરવા માટે ટીમ ઇન્ડિયા સમક્ષ એક મોટી ઓફર મુકી હતી. વેંગસરકર અનુસાર, 1986માં શારજાહ પ્રવાસ દરમિયાન દાઉદે આ ઓફર મુકી હતી, પરંતુ એ સમયે ટીમના સુકાની રહેલા કપિલ દેવે માત્ર અંડરવર્લ્ડના ડોનની ઓફર જ નહોતી ઠુકરાવી હતી, પરંતુ દાઉદને લડ્યા પણ હતા.
કપિલે પણ કહ્યું હતું કે, મને યાદ છે કે શારજાહમાં મેચ પહેલાં ડ્રેસિંગ રૂમમાં એક વ્યક્તિ આવી હતી. તે ખેલાડીઓ સાથે વાત કરવા માગતી હતી, પરંતુ મે તેને બહાર જતા રહેવા કહ્યું. પછી મને ખબર પડી કે તે દાઉદ હતો.