સાક્ષી મલિકે કહ્યું, હરિયાણા સરકાર પોતાનો વાયદો પૂરો ક્યારે કરશે?
રિયો ઓલમ્પિક્સ માં બ્રોન્ઝ મેડલ જીતનાર મહિલા પહેલવાન સાક્ષી મલિકે ટ્વીટ કરીને હરિયાણા સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કેન્દ્રિય ખેલ મંત્રી વિજય ગોયલ પર નિશાન સાધ્યું છે. સાક્ષી મલિકે કહ્યું કે, ઓલમ્પિક્સ પદક જીત્યા બાદ કરવામાં આવેલા વાયદાઓ હજુ સુધી પૂરા કરવામાં નથી આવ્યા.
તેમણે કહ્યું છે કે, સરકાર તરફથી જે પ્રોત્સાહન રાશિ આપવાની જાહેરાત કરવામાં આવી હતી તે હજુ સુધી આપવામાં નથી આવી. તેમણે કેન્દ્રિય ખેલ મંત્રી વિજય ગોયલ, હરિયાણા સરકારના ખેલ મંત્રી અનિલ વિજ અને હરિયાણાના મુખ્યમંત્રી મનોહર ખટ્ટર પર તેમણે કરેલા વાયદાઓ પૂરા ન કર્યા હોવોની વાત કહી છે. તો બીજી બાજુ હરિયાણા સરકારના મંત્રી અનિલ વિજે કહ્યું છે કે, સરકારે સાક્ષી મલિકને અઢી કરોડ રૂપિયા અને નોકરી આપવાનો વાયદો પૂરો કર્યો છે.
સાક્ષીના નિશાના પર હરિયાણા સરકાર
સાક્ષી મલિકે ટ્વીટ કરીને કહ્યું છે કે, મેં દેશ માટે મેડલ લાવવાનો વાયદો પૂરો કર્યો છે, પરંતુ હરિયાણા સરકાર પોતાનો વાયદો ક્યારે પૂરો કરશે? અન્ય એક ટ્વીટમાં સાક્ષી મલિકે કહ્યું કે, ઓલમ્પિક મેડલ જીત્યા બાદ હરિયાણા સરકાર તરફથી કરવામાં આવેલી જાહેરાત શું માત્ર મીડિયા માટે હતા?
અહીં વાંચો - વોર્નરને સૌથી વધુ વાર આઉટ કરનાર બોલર આર.અશ્વિન
ભાજપના નેતૃત્વવાળી હરિયાણા સરકારે સાક્ષી મલિકના મેડલ જીત્યા બાદ 2.5 કરોડ રૂપિયાનું ઇનામ અને સરકારી નોકરી આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર તરફથી કહેવામાં આવ્યું હતું કે, સાક્ષી મલિકને મહર્ષિ દયાનંદ વિશ્વવિદ્યાલયમાં રેસલિંગ ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવશે. આ સિવાય હરિયાણાના મુખ્યંત્રી મનોહરલાલ ખટ્ટરે સાક્ષી મલિકને પ્રદેશમાં 'બેટી બચાઓ, બેટી પઢાઓ' કાર્યક્રમના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાની પણ જાહેરાત કરી હતી.
સાક્ષી મલિકે આ જ વાયદાઓનો ઉલ્લેખ કરતાં ટ્વીટ કર્યું છે. હરિયાણા સરકારના મંત્રી અનિલ વિજનું કહેવું છે કે, સરકારે સાક્ષીને કરેલા અઢી કરોડ રૂપિયા આપવાનો તથા નોકરીનો વાયદો પૂરો કર્યો છે. ઉલ્લેખનીય છે કે, સાક્ષી મલિક ભારતના પહેલા મહિલા પહેલવાન છે, જેમણે ઓલમ્પિકમાં 58 કિલોગ્રામ ફ્રી સ્ટાયલ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યું હતું.