સ્પોટ ફિક્સિંગ : રાજ કુન્દ્રા પર શંકાની સોંઇ, પોલીસે કર્યો પાસપોર્ટ જપ્ત
નવી દિલ્હી, 6 જૂન : આઇપીએલમાં સ્પોટ ફિક્સિંગમાં ઘેરાયેલા રાજસ્થાન રોયલ્સના સહ માલિક અને અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા ગઇકાલની પૂછપરછ બાદ હવે પોલીસની શંકાના ઘેરામાં આવ્યા છે. પોલીસ તેમની ફરીથી પૂછપરછ કરી શકે છે. આ માટે દિલ્હી પોલીસે રાજ કુન્દ્રાનો પાસપોર્ટ જપ્ત કરી લીધો છે. આ સાથે પોલીસે રાજ કુન્દ્રાના મિત્ર ઉમેશ ગોયન્કાને પણ સરકારી ગવાહ બનાવ્યા છે.
મહત્વની બાબત એ છે કે ઉમેશ ગોયન્કા અમદાવાદમાં સાણંદ પાસે સ્ટીલ ફેક્ટરી ધરાવે છે. ઉમેશ ગોયન્કા અમદાવાદમાં અન્ય બુકીઓ સાથે સંબંધો ધરાવતા હોઇ શકે છે. રાજ કુન્દ્રાનો પાસપોર્ટ જપ્ત કરવાથી હવે તેઓ દેશ છોડીને બહાર જઇ શકશે નહીં. રાજ કુન્દ્રાની પૂછપરછ શ્રીસંતના મિત્ર સિદ્ધાર્થ ત્રિવેદી તરફથી કરવામાં આવેલા દાવાઓ અને ટીમની માલિકીની પેટર્ન જાણ્યા બાદ કરવામાં આવી હતી.
હાલ દિલ્હી પોલીસે રાજ કુન્દ્રાની સ્થિતિ અંગે કોઇ પ્રકારની માહિતી આપવાનો ઇનકાર કરી દીધો છે. પોલીસે એટલું જણાવ્યું છે કે રાજ કુન્દ્રા સ્પોટ ફિક્સિંગ પ્રકરણમાં મહત્વની વ્યક્તિ છે. આ કારણે તેમની પૂછપરછ કરવી જરૂરી છે. રાજ કુન્દ્રા રાજસ્થાન રોયલ્સમાં 11.7 ટકા ભાગીદારી ધરાવે છે.
પોલીસના સૂત્રોનો દાવો છે કે કુન્દ્રા સટ્ટાબાજીમાં સામેલ છે પણ ફિક્સિંગમાં સામેલ નથી. આથી તેમની પૂછપરછ સટ્ટાબાજીને સંલગ્ન બાબાતો પર કરવામાં આવી હતી. મહત્વની બાબત એ છે કે કુન્દ્રા તેમના મિત્ર ઉમેશ ગોયન્કા સાથે સ્ટીલ વેપારમાં ભાગીદારી ધરાવે છે.
મેજિસ્ટ્રેટ સમક્ષ નોંધાવવામાં આવેલા નિવેદન અંગે સૂત્રોએ જણાવ્યું કે સિદ્ધાર્થ ત્રિવેદીએ દાવો કર્યો છે કે ગોયન્કાએ તેમનો સંપર્ક કર્યો હતો અને અમદાવાદમાં ક્રિકેટ પીચ તથા ટીમની ગોઠવણી અંગે વિગતો માંગી હતી. રાજસ્થાન રોયલ્સમાં રાજ કુન્દ્રાની હિસ્સેદારી 11.7 ટકા છે. લલિત મોદીના સગા સુરેશ ચેલારામનો હિસ્સો 43 ટકા, મનોજ બાદલેનો હિસ્સો 34 ટાક છે. આ ઉપરાંત રૂપર્ટ મર્ડોકના દીકરા લાલચન મર્ડોકનો હિસ્સો પણ છે. લાલચન કુન્દ્રાની સ્ટીલ કંપનીમાં 42 ટકા ભાગીદીરી ધરાવે છે. આ કંપનીમાં ગોયન્કા 16 ટકા હિસ્સો ધરાવે છે.