કોહલીનો કરિશ્મા, આઇસીસી વનડે રેન્કિંગમાં બીજા ક્રમે
દુબઇ, 18 નવેમ્બરઃ યુવા દિલોની ધડકન અને ક્રિકેટની દુનિયાના નવા સનસની મિસ્ટર વિરાટ કોહલીએ માત્ર પોતાના નેતૃત્વમાં ભારતને શ્રીલંકા પર શાનદાર વિજય જ અપાવ્યો નથી, પરંતુ પોતાની આઇસીસી રેન્કિંગમાં પણ સુધારો કર્યો છે.
નોંધનીય છેકે, ભારત-શ્રીલંકા વનડે શ્રેણીમાં મેન ઓફ દ સીરીઝ બનેલા વિરાટ કોહલીએ અંતિમ વનડેમાં કારકિર્દીની 21મી સદી ફટકારી હતી. આ સાથે જ તે વિશ્વ ક્રિકેટમાં સૌથી ઝડપી સદી બનાવનારાઓની યાદીમાં નંબર 7 પર પહોંચી ગયા છે. વિરાટ કોહલી પહેલા આ યાદીમાં છ ખેલાડીઓના નામ છે. જેમાં સચિન તેંડુલકર(49), રિકી પોન્ટિંગ(30), સનથ જયસૂર્યા(28), સૌરવ ગાંગુલી(22), ક્રિસ ગેઇલ(21) અને હર્શલ ગિબ્સ(21) છે.
જે પ્રકારે વિરાટ કોહલી દ્વારા સાતત્યપૂર્ણ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, તેને જોઇને ક્રિકેટ સમીક્ષકોને લાગી રહ્યું છેકે વિરાટ કોહલી એ ખેલાડી છે, જે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના સૌથી વધુ સદી ફટકારવાના રેકોર્ડને તોડી શકે છે. ભારત-શ્રીલંકા વનડે શ્રેણી વિરાટ કોહલી માટે દરેક પ્રકારે લાભકારક સાબિત થઇ છે, આ શ્રેણી થકી તે માત્ર પોતાની લયમાં પરત ફરવામાં જ સફળ નથી થયો પરંતુ આ શ્રેણી થકી વિરાટે પોતાની જાતને એક સફળ સુકાની તરીકે પણ સાબિત કર્યો છે.