ભારતમાં ચોમાસાની ઋતુમાં ફરવા લાયક રમણીય બીચ
ભારત, એક એવો દેશ છે જેની ત્રણ બાજુઓ દરિયાકિનારાથી ઘેરાયેલી છે, અને એટલે જ અહીંનાં સુંદર અને રમણીય બીચ પ્રવાસીઓ માટે આકર્ષણના ખાસ કેન્દ્ર છે. આમ તો મોટે ભાગે પ્રવાસીઓ ઉનાળામાં બીચ પર રજા માણવાનું પસંદ કરતા હોય છે. જોકે ચોમાસાની ઋતુમાં દરિયાકિનારે જવાની મજા જ કંઈક ઓર છે. સામાન્ય રીતે ગોવાના બીચ પ્રવાસીઓની પહેલી પસંદ છે. અહીં અસંખ્ય સ્થળો છે, જ્યાં કાયમી પ્રવાસીઓનો ધસારો રહે છે, તો એવા પણ એકાંત બીચ છે, જ્યાં કુદરતના રમણીય નજારાને શાંતિની પળોમાં માણી શકાય છે. ગોવાના આવા જ કેટલાક જાણીતા અને અજાણીતા બીચ વિશે જાણીએ, જે તમારા ચોમાસું વેકેશનને યાદગાર બનાવી શકે છે..

વરકાલા બીચ
વરકાલા ફેમિલી વેકેશન માટે શાંત પ્રવાસી સ્થળ છે. અહીં શાંતિની પળોમાં સ્વીમિંગ, સન બાથિંગની મજા માણી શકાય છે. આ વિસ્તારમાં પ્રવાસીઓ માટે એવાં ઘણાં બીચ છે, જે પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર છે. બે હજાર વર્ષ જૂનું વિષ્ણું મંદિર અને શિવાગિરી આશ્રમ પ્રવાસીઓમાં ખાસ લોકપ્રિય છે.
પાપનાસમ બીચ: પાપાનાસમ બીચ કે જે વરકાલાથી દસ કિલોમીટરના અંતરે આવેલો છે, અહીં ગરમ પાણીના કુંડ આવેલા છે, જેમનું આરોગ્યની દ્રષ્ટિએ ખાસ મહત્વ છે. કહેવાય છે કે, અહીંના પાણીથી શરીરની અશુદ્ધિઓ દૂર થાય છે. આ સ્થળે પ્રવાસીઓ માટે ખાસ આયુર્વેદિક મસાજ સેન્ટર પ્રવાસીઓને ખાસ રહેવા- ખાવા પીવાની સુવિધા આપે છે.

વેલનેશ્વર બીચ
જો તમે કોઈ કુદરતી સ્થળની તલાશમાં હોવ તો આ જગ્યાં તમારી માટે શ્રેષ્ઠ છે. જ્યાં તમે સ્વીમિંગ સાથે સાથે હૂંફાળા તડકાની મજા માણી શકો છે. મહારાષ્ટ્રના દરિયાકાંઠે જોડાયેલો આ બીચ નાળિયેરીના વૃક્ષોથી ઘેરાયેલો છે, અહીંનો સ્વચ્છ દરિયો અને તેના ધસી આવતા મોજા પ્રવાસીઓને મંત્રમુગ્ધ બનાવી શકે છે.

મારવાન્થે બીચ
મારવાન્થે અરબ સમુદ્રનો પશ્ચિમ દરિયાકાંઠાના હાઇવેને અડીને આવેલો સુંદર દરિયા કિનારો છે. જેની પડખે કોડાચદ્રીના પહાડો અને સુપર્નિકા નદીના પાણી રમણીય દ્રશ્યો સર્જે છે. મારવાન્થે બીચ ઉપર ગુલાબી થતું આકાશ અને ડૂબતા સુરજનાં કિરણો સાથેની સાંજ અદ્ભૂત અને અવિસ્મરણીય નજારો સર્જે છે. મારવાન્થેથી 45 કિમોલીટર દૂર બઇન્દુર પણ જોવાલાયક સ્થળોમાંથી એક છે. બઇન્દુર નજીક આવેલું ઓથ્થિનાને સનસેટ માટેનું સુંદર સ્થળ છે. જે બાદની બેલાકા તિર્થા ઝરણાં સુધીની મુસાફરી તમને જીવનભર યાદ રહેશે.

સેન્ટ મેરી આયર્લેન્ડ
અરબ સમુદ્રના માલપે દરિયાકિનારાથી 6 કિલોમીટરના અંતરે આ બીચ આવેલો છે. 1498માં વાસ્કો દી ગામા આ ટાપુ પર ઉતર્યા તે સમયને દર્શાવે છે. આ ટાપુ 300 મીટર લંબાઈ અને 100 મીટર પહોળાઈ ધરાવે છે. જે તેના દુર્લભ મીઠાના પહાડો માટે જાણીતો છે. વિશેષ અને દુર્લભ પ્રકારની ભૌગોલિક સ્થિને કારણે આ ટાપુને નેશનલ જિઓલોજીકલ મોન્યુમેન્ટ જાહેર કરવામાં આવ્યો. જેટ વિંગ્સ મેગેઝિન દ્વારા જાહેર કરાયેલા કુદરતી સ્થળોની યાદીમાં આ ટાપુ 7માં ક્રમાંકે છે.

પ્રોમાનાડે બીચ
પોન્ડીચેરી શહેરથી 1.2 કિલોમીટરના અંતરે આવેલો આ દરિયા કિનારો પ્રવાસીઓ અને કુદરત પ્રેમીઓ માટે સ્વર્ગ સમાન છે. વૉર મેમોરિયલથી શરૂ થતો અને ગોલબર્ટ એવેન્યૂ પર આવેલા ડૂપલેક્સ પાર્ક પર ખતમ થતો, આ દરિયાકિનારો અહીંના સ્થાનિક લોકો માટે મોર્નિંગ વૉક માટે ખાસ લોકપ્રિય છે. અહીં દરિયાકિનારે મહાત્મા ગાંધીની પ્રતિમા છે, જેની સામે કેટલીક રેસ્ટોરેન્ટ પણ આવેલી છે. ઉગતા સુરજ સાથે ચાયની ચુસ્કી અને સ્નેક્સની મજા અહીં ખાસ છે.

અંજરાલે બીચ
આ કોંકણના સૌથી સુંદર બીચોમાંથી એક છે. જે ડાપોલીથી 20 કિલોમીટર દૂર આવેલો છે. અહીં આવેલુ કડ્યાવાર્ચા ગણપતી મંદિર લોકોમાં ખાસ આસ્થાનું કેન્દ્ર છે. સફેદ સુંવાળી રેતી અને ખળખળતા પાણી વચ્ચે અંજરાલે બીચ અહીંનું સૌથી નિર્મળ બીચોમાંથી એક છે. તાડના વૃક્ષોથી ઘેરાયેલું આ સ્થળ બેસ્ટ વિકેન્ડ ડેસ્ટિનેશન છે. અંજરાલે ગામમાં પ્રવાસીઓના રહેવા અને ખાણી-પાણી માટેની પ્રાથમિક સુવિધાઓ મળી રહે છે. એટલું જ નહીં અહીંના લોકો પણ એટલા જ મદદરૂપ છે.

રાધાનગર બીચ
જો તમે આંદામાન આવી રહ્યા છો, તો તમે રાધાનગર બીચ જવાનું ચૂકશો નહિં. સ્વર્ગ માટેની તમારી શોધ અહીં સમાપ્ત થાય છે. આ દેશનો સૌથી સુંદર બીચ છે અને તેનું વિશ્વનાં 7 માં શ્રેષ્ઠ બીચ તરીકે મત આપવામાં આવે છે. બીચ પર સફેદ રેતી પથરાયેલી છે અને પાણીનો રંગ નીલમણિ વાદળી છે. બીચની આજુબાજુ લીલોતરી છે, જે પિકનિક માટે શ્રેષ્ઠ છે. આ બીચ પરથી સૂર્યાસ્ત અને સૂર્યોદય નજારો અનોખો છે.