For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દક્ષિણ ભારતના આ હિલ સ્ટેશન છે પ્રવાસન માટેનું ઉત્તમ સ્થળ

|
Google Oneindia Gujarati News

સામાન્ય રીતે આપણે જ્યારે ફેમિલી પ્રવાસનું આયોજન કરવાનું વિચારતા હોઇએ કે પછી હનિમૂન પર જવાનું વિચારતા હોઇએ તો આપણે હંમેશા કોઇ દરિયા કિનારો કે પછી કોઇ હિલ સ્ટેશનનો પ્રવાસ ખેડવાનું વિચારતા હોઇએ છીએ. લોકોને હિલ સ્ટેશન પર જવું એટલા માટે ગમતું હોય છે કે તે સમુદ્રની સપાટી કરતા ઘણું ઊંચે આવેલું હોય છે, જ્યાં એક અલગ જ દુનિયા વસેલી હોય છે. જ્યાં ચોતરફ હરિયાળી જ હરિયાળી હોય છે. કેટલાંક હિલ સ્ટેશનો પર ઝરણા હોય છે, તળાવ હોય છે, સનસેટ પોઇંટ હોય છે, સન રાઇઝ, લવ પોઇન્ટ, ઇકો પોઇન્ટ ઉપરાંત ઐતિહાસિક મંદિરો પણ હોય છે. આ બધી વસ્તુઓને એક સાથે જોવાનો એક અનેરો આનંદ હોય છે.

અમે અમારા આ લેખમાં આપના માટે લઇને આવ્યા છીએ ભારત ભરમાં આવેલા સૌથી બેસ્ટ હિલ સ્ટેશન. આ લેખને વાંચીને આપ એ સરળતાથી નક્કી કરી શકશો કે આપે ફેમિલી ટૂર કે હનિમૂન ટૂર કયા હિલ સ્ટેશન પર કરવી છે. અહીં અમે આપના માટે માહિતી આપી છે દક્ષિણ ભારતમાં આવેલા જોવા લાયક બેસ્ટ હિલ સ્ટેશન અંગે.

આવો જોઇએ દક્ષિણ ભારતના બેસ્ટ જોવાલાયક હિલ સ્ટેશન...

મુન્નાર

મુન્નાર

મુન્નાર એ ભારતના કેરળ રાજ્યના ઈડ્ડુકી જિલ્લામાં પશ્ચિમ ઘાટમાં આવેલ એક ગિરિમથક છે. મુન્નર નામ એ તમિલ અને મલયાલમ ભાષાના બે શબ્દો મુન અને આરુ પરથી ઉતરી આવ્યો છે જેનો અર્થ થાય છે ત્રણ અને નદી. આ નગર ત્રણ નદીઓ મુથીરપુળા, નલ્લાથન્ની અને કુંડલીના સંગમ પર વસેલું છે. દેવીકુલમ બ્લોકમા આવેલ મુન્નાર પંચાયત સૌથી મોટી પંચાયત છે જેની હેઠળ ૫૫૭ ચો. કિમી જેટલું ક્ષેત્ર આવે છે. મુન્નાર આરોગ્યપ્રદ આબોહવા ધરાવે છે. મુન્નારમાં પ્રવાસી મોસમ ઑગસ્ટથી મે સુધીનું છે. જો કે વરસાદની ઋતુમાં હળવા ધુમ્મસમાં ઝરણાઓ અને વેહેળાઓ, પાણીથી ભીંજાયેલા ચાના બગીચા વૈભવી અને દૈવી લાગે છે. જોકે, કેરળના ગોડ્સ ઑન કન્ટ્રી તરીકે પર્યટન પ્રસિદ્ધી કરાતા અને મધ્યમ વર્ગની વધેલી આવકને પરિણામે થયેલી ખરીદ શક્તિના વધરાને પરિણામે મુન્નારમાં પર્યટન ઉદ્યોગ વિકાસ પામ્યો.

અરાકૂ ખીણ

અરાકૂ ખીણ

અરાકૂ ખીણ આંધ્ર પ્રદેશના દક્ષિણ ભારતીય રાજ્યમાં વિશાખાપટ્ટનમ જિલ્લામાં એક પ્રસિદ્ધ હિલ સ્ટેશન છે. શહેર પૂર્વ ઘાટના સુંદર સ્થળોની વચ્ચે આવેલું છે અને તેનો સમૃદ્ધ સાંસ્કૃતિકની સાથે જ પારંપરિક અતીત છે. આ સ્થાન લગભગ દક્ષિણમાં સૌથી સુંદર હિલ સ્ટેશન છે, કારણ કે આ હજી સુધી પ્રવાસનના વ્યવસાયીકરણથી ખરાબ નથી થયું. ખીણની સુંદરતાને ટોલીવુડ ફિલ્મોમાં પણ પ્રદર્શિત કરવામાં આવી છે. હેપી ડેસ, ડાર્લિંગ અને કથા જેવી ફિલ્મોની આંશિક રીતે શૂટિંગ આ સ્થળે કરવામાં આવી છે. અરાકૂ ખીણ વિઝાગ શહેરથી 114 કિલોમીટરના અંતરે આવેલું છે, અને ઓડીશાની સરહદની ખૂબ જ નજીક છે. ખીણ અનંતગિરી અને સંકરીમેટ્ટા અભયારણ્યનો દાવો કરે છે, જે પોતાની સમૃદ્ધ જૈવ વિવિધતા માટે ઓળખાય છે.

કુન્નુર

કુન્નુર

કુન્નુર ભારતના તામિલનાડુ રાજ્યમાં નીલગીરી જિલ્લામાં આવેલું શહેર અને મ્યુનિસિપાલિટી છે. તે નીલગિરિ, ચાના ઉત્પાદન માટે જાણીતું છે. કુન્નુર એ દરિયા સપાટીથી 1,800 મીટરની ઉંચાઈએ આવેલું છે અને નીલગિરિ પર્વતમાળામાં આવેલું તે બીજું સૌથી ઉંચું ગિરિમથક છે. નીલગિરિના પર્વતો તરફ અનેક આરોહણ અભિયાનો માટે આદર્શ મથક સમાન છે. સિમનો બગીચોએ કુન્નુરમાં મુલાકાત લેવા જેવા સ્થળોમા સૌથી મહત્વનો છે. કુન્નુર એ મેત્તુપલ્યમ 28 (કિ.મી.) અને ઊટી વચ્ચે મીટરગેજ રેલવે પર આવેલું છે. નજીકના મુખ્ય આકર્ષણોમાં નાનો પણ સુંદર રીતે જાળવણી કારયેલો વનસ્પતિશાસ્ત્રને લગતો બાગ સિમ્સ પાર્ક છે. પર્વતારોહણ માટેની જાણીતી આવી પગદંડીઓમાની એક પ્રવાસીઓને લામ્બના પર્વત સુધી લઈ જાય છે, જે કુન્નુરથી 9 કિ.મી. દૂર આવેલા છે. લામ્બ પર્વતથી સહેજ આગળ જતા લેડી કેનનીંગ બેઠક આવેલી છે, જ્યાંથી નીલગિરિનું વિહંગ દૃશ્ય નિહાળી શકાય છે. નજીકમાં લૉનું ઝરણું આવેલ છે, જે કુન્નુરથી 5 કિ.મી.ના અંતરે છે. ઝરણાથી શરૂ કરીને દ્ગુગ સુધી પર્વતારોહણ જઇ શકાય છે.

કોડાગુ

કોડાગુ

કોડાગુ જિલ્લો ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલા કર્ણાટક રાજ્યમાં આવેલા કુલ ૨૭ (સત્તાવીસ) જિલ્લાઓ પૈકીનો એક જિલ્લો છે, જે કુર્ગના નામે પણ ઓળખાય છે. કોડાગુ જિલ્લાનું મુખ્ય મથક માડીકેરીમાં આવેલું છે. કર્ણાટકનો આ પર્વતીય પ્રદેશ સમુદ્રની સપાટીથી ૧૫૨૫ મીટરની ઊંચાઈ પર આવેલું છે. અહીંની સૌથી મોટી ખાસિયત એ છે કે ત્યાં ખૂબ મોટા વિસ્તારમાં જંગલો પથરાયેલાં છે. ઉપરાંત ત્યાં ચા અને કોફીના બગીચા આવેલા છે. કોડાગુમાં રહેતા લોકોનો સ્વભાવ પર્યટકોને ત્યાં ખેંચી લાવે છે. કોડાગુ હાઇકિંગ, ક્રોસકન્ટ્રી અને ટ્રલ્સ માટે પણ જાણીતું છે. કોડાગુમાં ત્રણ અભયારણ્ય આવેલાં છે. અહીં વાઘ, હાથી, ચિત્તા, ગૌર, હરણ, લંગૂર જોવા મળે છે. ત્યાં આખા વર્ષ દરમિયાન ઠંડું વાતાવરણ રહે છે. કોડાગુ કાવેરી નદીનું ઉદ્ગમસ્થાન પણ છે. ભારતના સ્કોટલેન્ડથી ઓળખાતું મેડીકેરી કોડાગુનું હેડક્વાટર છે. મેડીકેરી પહાડી નગર છે. જ્યાં જોવાલાયક સ્થળોમાં મહેલ, કિલ્લા, ઓમકારેશ્વર મંદિર અને અબ્બી ધોધ પ્રવાસીનું ખાસ આકર્ષણ છે. કુશાલનગર નામનું ખૂબ સંદર પિકનિક સ્પોટ પણ આવેલ છે.

દેવીકુલમ

દેવીકુલમ

મુન્નારથી 7કીમી દૂર સ્થિત દેવીકુલમ નાનુ હિલ સ્ટેશન છે જ્યા તમને અમુક ભાગ્યે જોવા મળતા પ્રકારના ફૂલો જોવા મળશે. ફિંશિગ માટે સીતા દેવી લેક જાણીતુ છે. અહીં એક ધાર્મિક માન્યતા પણ પ્રવર્તે છે કે માતા સીતાએ અહીં ડુબકી લગાવી હતી માટે જ આ જગ્યાને ઘણી પ્રવિત્ર માનવામાં આવે છે. આ તળાવ તેના મિનરલ વોટર માટે પણ જાણીતું છે. અહીના લોકો મલયાલમ અને તમિલ ભાષા બોલે છે. અહીં ધોધ, ગાઢ, ચાના બગીચા, અને ગુંદરના વૃક્ષો જોવા મળે છે.

ઇડ્ડક્કિ

ઇડ્ડક્કિ

ઇડ્ડક્કિ જિલ્લો ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલા કેરળ રાજ્યના ૧૪ જિલ્લા પૈકીનો એક જિલ્લો છે. ઈડ્ડક્કિ જિલ્લાનું મુખ્યાલય ઈડ્ડક્કિ નગર ખાતે આવેલું છે. આ જિલ્લાનો કુલ વિસ્તાર ૫,૧૦૫.૨૨ ચોરસ કિલોમીટર (૧,૯૭૧.૧ ચોરસ માઇલ) જેટલો છે તેમ જ આ વિસ્તારનો લગભગ ૯૭ % ભાગમાં પર્વતો તેમ જ જંગલો આવેલાં છે. વિસ્તારની બાબતમાં આ જિલ્લો કેરળ રાજ્યનો બીજા નંબરનો જિલ્લો છે. ઇડ્ડક્કિ ખાતે ભારત દેશનો સૌથી મોટો ધનુષ્યના આકાર વાળો બંધ (આર્ચ ડેમ) ઇડ્ડક્કિ જળ વિદ્યુત યોજના અંતર્ગત ઇ. સ. ૧૯૬૯માં કેનેડા દેશની સરકારના સહયોગથી પેરિયાર નદી પર બનાવવામાં આવ્યો હતો. આ એક જ વિદ્યુત મથક લગભગ કેરળ રાજ્ય તેમ જ અન્ય આસપાસના વિસ્તારોના કુલ વપરાશના ૫૦ % જેટલી વીજળીનું ઉત્પાદન કરે છે. આ જિલ્લામાં માટ્ટુપેટ્ટી બંધ પણ આવેલો છે.

કોડાઇકનાલ

કોડાઇકનાલ

કોડાઇકનાલ ભારતના તમિલનાડુમાં આવેલું એક શહેર છે. જે સમુદ્ર સ્તરથી 2133 મીટર ઊંચે આવેલું છે, તેની સુંદરતા અને શાંત વાતાવરણના કારણે ખૂબ જ જાણીતું છે. કોડાઇકનાલને પહાડોની રાજકુમારીના નામે પણ ઓળખવામાં આવે છે. તે તામિલનાડુની પલાની હિલ્સ પર આવેલ છે જે મદુરાઇથી 120 કિમી દૂર આવેલ છે. એવું પણ કહેવાય છે કે અંગ્રેજોના સમયમાં ન્યૂરોક્રેટ્સ અહીં જ રહેવા માટે આવતા હતા. ભલે આ સ્થળ શિમલા અને મનાલીની જેમ પ્રચલીત ના હોય, પરંતુ ઠંડા વાતાવરણનો બહુ સુંદર અનુભવ આપે છે.

ઊટી

ઊટી

ઊટાકામંડ - ઉદગમંડમ - ઊટી એ ભારતના તામિલનાડુ રાજ્યમાં આવેલ નિલગિરી જિલ્લાનું જિલ્લા મથક છે. નિલગિરી પહાડીમાં આવેલ આ એક પ્રખ્યાત ગિરિમથક છે. આ ક્ષેત્ર પર પહેલા તોડા લોકોપ્નો કબ્જો હતો, અઢારમી સદીના અંતમાં આ ક્ષેત્ર ઈસ્ટ ઈંડિયા કંપનીના અધિકાર હેઠળ આવ્યો.. આજકાલ આ શહેરની અર્થ વ્યવસ્થા પર્યટન અને ખેતી આધારીત છે આ સાથે દવા અને ફોટો ફીલ્મ બનાવવાનો ઉધ્યોગ પણ અહીં છે. આ શહેર રેલ અને રસ્તા માર્ગે ભારતના અન્ય શહેરો સાથે જોડાયેલ છે, અને આના ઐતિહાસિક સ્થળો અને પ્રાકૃતિક સૌંદર્ય પ્રવાસીઓને આકર્ષે છે. પશ્ચિમ ઘાટના ભૂરા પર્વતોની વચ્ચે વસેલ નીલગિરીમાં દર વર્ષે ઘણા પ્રવાસી આવે છે. વિશાળ પર્વતો, તળાવો, ગીચ જંગલો, માઈલો લાંબા ચાના બગીચા નીલગિરીના ઝાડ ઊટી આવતા પ્રવાસીઓનું અભિવાદન કરે છે. આ શહેરમાં પણ ઘણા પીકનીક સ્થળો આવેલા છે. શરૂઆતમાં બ્રિટિશરોમાં આ એક પ્રખ્યાત અઠવાડીક રજા ગાળવાનું સ્થળ હતું. પાછળથી એ વહીવટી શહેર પણ બન્યું. આ શહેર સમુદ્ર સપાટીથી ૨૨૮૬મીની ઊંચાઈ પર આવેલું છે.

પીરમાદે

પીરમાદે

પીરમાદે કેરેળ રાજ્યમાં આવેલું સુંદર હિલ સ્ટેશન છે. તે સમુદ્રની સપાટીથી 915 મીટર ઉપર આવેલું છે, તેમજ તે કોત્તાયમ અને ટેક્કટી તથા કાનજીરાપ્પલીથી 85 કિલોમીટરના અંતરે આવેલું છે. પીરમાદેમાં મહત્વનું આકર્ષણ પાણીના ધોધ, ઘાસના ખુલ્લા મેદાનો, પાઇન જંગલ વગેરે છે. આ હિલ સ્ટેશન એક સમયે રાજામહારાજાઓનું રજા ગાળવાનું સ્થળ હતું. પીરમાદેમાં મોટાભાગના લોકો તમિળ છે. પેરીયાર વાઇલ્ડલાઇફ અભયારણ્ય ભારતના મોટા અભયારણ્યમાનું એક છે. જે 43 કિલોમીટરમાં ફેલાયેલું છે. અહીં હાથી અને અન્ય પ્રાણીઓ જોવા મળે છે. આ હિલ સ્ટેશનનું નામ પીર મોહંમ્મદના નામ પરથી પડેલું છે. પીરમાદે એટલે કે 'પીરનો પર્વત'.

નંદી હિલ્સ

નંદી હિલ્સ

બેંગલુરુ નજીક આવેલું નાનકડું નંદી હિલ્સ એવું એક હિલ સ્ટેશન છે, જ્યાં નવરાશની ઘડીને યાદગાર પિકનિકમાં પલટાવવા બેંગલુરુથી માત્ર સાઠેક કિલોમીટરનું ડ્રાઇવ કરવું પડે. આ સ્થળનું મૂળ નામ આનંદગિરિ એટલે કે આનંદ કરાવે તેવી ટેકરી હતું. આ સ્થળથી અંગ્રેજો પણ ઘણા પ્રભાવિત થયા હતા. અહીં આવેલો નંદીદૂર્ગ કિલ્લો ટીપુ સુલતાને બંધાવ્યો હતો. અહીના મુખ્ય આકર્ષણોમાં ટીપુસ્ ડ્રોપ, ભોગ નરસિંહ મંદિર, નંદી ફોર્ટ, ગાંધી અને નેહરુ નિલયનો સમાવેશ થાય છે. આ પહાડમાંથી અર્કવતી, પેન્નાર, પોન્નેયાર અને પલાર નદિયો નીકળે છે. બેંગલુરુથી બસ, ટેક્સી લઈને કે જાતે ડ્રાઇવ કરીને દોઢેક કલાકમાં નંદી હિલ્સ પહોંચી શકાય છે.

હોર્સ્લે હિલ્સ

હોર્સ્લે હિલ્સ

આંધ્રપ્રદેશમાં આવેલું હોર્સ્લે હિલ્સ એ ઉનાળામાં પ્રવાસ કરવા માટેનું ઉત્તમ રિસોર્ટ છે. બેંગલોરથી માત્ર 120 કિમીના અંતરે આવેલું છે. કોથા કોટા અને મદનપલ્લે એ નજીકના શહેર છે તથા અહીંથી 87 કિમી દૂર કૌન્દીન્યા વાઇલ્ડ લાઇફ અભયારણ્ય આવેલું છે. સ્વ.જીદ્દુ ક્રિષ્નમૂર્તિ દ્વારા સ્થાપિત વિશ્વપ્રસિદ્ધ ઋષિ વેલી શાળા આ હિલ સ્ટેશનની પાસે આવેલી છે. આ હિલ સ્ટેશન ન્યૂ કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ હવાઇ મથકથી બિલકૂલ નજીક છે.

English summary
The must visit Hill Stations in South India, take a tour in Pics.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X