For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જે ન ચડ્યો ગઢ ગિરનાર, એનો એળે ગયો અવતાર...

|
Google Oneindia Gujarati News

ગુજરાતના પ્રવાસમાં અમે આજે આપના માટે લઇને આવ્યા છીએ ગિરનાર. ગિરનાર ગુજરાત રાજ્યનાં જૂનાગઢ શહેરથી પાંચ કિલોમીટર ઉતરે આવેલ પર્વતોનો સમુહ છે. જયાં સિધ્ધ ચોરાસીનાં બેસણાં છે. આ ગિરનાર પર્વતમાં પાંચ ઉંચા શિખરો આવેલા છે. જેમાં ગોરખ શિખર ૩૬૦૦, અંબાજી ૩૩૦૦, ગૌમુખી શિખર ૩૧૨૦, જૈન મંદિર શિખર ૩૩૦૦ અને માળીપરબ ૧૮૦૦ ફુટની ઉંચાઈઓ ધરાવે છે. જેથી ગિરનાર પર્વત ગુજરાતનો પણ ઉંચામાં ઉંચો પર્વત છે. ગિરનારના પાંચ પર્વતો પર કુલ થઇને ૮૬૬ મંદિરો આવેલા છે. પત્થરોનાં બનાવેલ દાદરા અને રસ્તો એક ટોચ પરથી બીજી ટોચ પર લઇ જાય છે. એવુ કહેવાય છે કે કુલ ૯,૯૯૯ પગથિયા છે, પણ ખરેખર કદાચ ૮,૦૦૦ પગથિયા છે. દર વર્ષે ગિરનારની પરિક્રમા થાય છે જેમાં લાખો લોકો જોડાઇ છે. દર વર્ષે ગિરનાર ચડવાની હરિફાઇ પણ ગોઠવાય છે.

હિંદુ ધર્મમાં શ્રદ્ધાળુઓ માને છે કે ઉઘાડાપગે ગિરનારનાં પગથીયા ચઢવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. ગિરનાર ગુજરાતનાં ધાર્મિક સ્થળોમાંનો એક છે. જેનું અંતર અમદાવાદ થી ૩૨૭ કી.મી. થાય છે. પ્રાચીન અને અર્વાચીન, બન્ને રીતે આ પવિત્ર સ્થળ ગિરનાર છે. જે હિંદુ ધર્મ અને જૈન ધર્મનાં લોકો માટે મહત્વનું યાત્રાધામ છે. અહીં ઘણાબધા મંદિરો આવેલા છે. સુંદર હરીયાળી અને ગિરિમાળાઓ સરસ મજાનું ધાર્મિક વાતાવરણ રચે છે. આ બધા સાથે અહીં મુસ્લિમ ધર્મ સ્થાનકો પણ આવેલાં છે જેથી તે મુસલમાન યાત્રાળુઓને પણ અહીં આકર્ષે છે. આમ ગિરનાર ભારતની અનેકતામાં એકતાનું સચોટ ઉદાહરણ પુરૂ પાડે છે.

સોરઠ દેશ ન સંચર્યો, ન ચડયો ગઢ ગિરનાર;
ન નાહ્યો દામો-રેવતી, અફળ ગયો અવતાર.
સોરઠ શુરો ન સરજિયો, ન ચડ્યો ગઢ ગિરનાર;
ન નાહ્યો ગંગા-ગોમતી, એનો એળે ગયો અવતાર.

દંતકથા મુજબ વૈદિક કાળમાં સિદ્ધહાસે તપસ્‍યા કરવા માટે આ સ્‍થાન પસંદકર્યું હતું. અંદાજે ૩૬૬૦ ફૂટની ઊંચાઇ ધરાવતા આ ઐતિહાસિક અને ધાર્મિક ગૌરવ ધરાવતા પર્વત સાથે વૈદિક અને પુરાણકાળની ઘણી વાર્તા જોડાયેલી છે. જેમાં ભગવાન કૃષ્‍ણના પ્રસંગો પણ જોડાયેલા છે.

‘ગિરનાર' જુદા જુદા સમયમાં જુદા જુદા નામે પ્રચલિત હતો. કાયક્રમે તે અલગ અલગ નામોથી ઓળખાતો. ગિરનાર સૌ પ્રથમ ઉજ્જયંત, મણીપુર, ચંદ્રકેતુપુર, રૈવતનગર, પુરાતનપુર, ગિરીવર અને ગિરનાર. અહીં બીજા પાંચ ધાર્મિક મહત્વ ધરાવતા આસ્થાના સ્‍થાનકો આવેલા છે. જેમાં મા અંબાજીનું મંદિર, ગોરખનાથની ગુફા, ઔગઢનું સ્‍થાનક, ગુરુ દત્તાત્રેયની ટૂંક અને મા કાલિકાની ગોખ.

પર્વતના શિખરે પહોંચવા માટે યાત્રાળુઓએ ૯૯૯૯ પગથિયાં ચઢવા પડે છે. અહીં હિન્‍દુ મંદિરોની આસપાસ જૈન ધર્મના મુખ્‍ય પાંચ દેરાસરોનું નિર્માણ કરાયું છે.

કેવી રીતે આવશો:
હવાઇ માર્ગ- કેશોદ હવાઇ મથક જે જુનાગઢથી ૩૫ કિ.મી.ના અંતરે છે.
રેલવે માર્ગ- ગિરનાર એક્સપ્રેસ મુંબઇ-ગિરનારને જોડતી રેલ સેવા ઉપલબ્‍ધ છે.
સડક માર્ગ- રાજ્યના દરેક મથકો સાથે ગિરનાર રાજ્ય પરિવહન તથા ખાનગી બસ સેવાઓથી જોડાયેલું છે.

ગિરનાર અંગેની વધુ રસપ્રદ માહિતી વાચો તસવીરો સાથે...

ગિરનારનો ઇતિહાસ

ગિરનારનો ઇતિહાસ

સૌરાષ્ટ્રમાં મૌર્ય વંશ, ગ્રીક, ક્ષત્રપ અને ગુપ્ત વંશોનો ઇતિહાસ ઉજળો છે. મગધના નંદવંશનો નાશ કરી, ગણરાજયોને ખતમ કરી, ભારતને એકચક્રી બનાવનાર ચંદ્રગુપ્ત મૌર્યે ઈ.સ. પૂર્વે ૩૨૨ પછી સૌરાષ્ટ્ર જીતી લીધું. આમ તે સમયમાં સૌરાષ્ટ્રના પાટનગર જૂનાગઢ(ગિરિનગર)માં પુષ્યમિત્ર નામનો પોતાનો સુબો મુક્યો હતો. આમ આ મૌર્ય વંશના રાજાઓ એ કોતરાવેલ શિલાલેખો દ્રારા ગિરનાર પર્વતને જગતમાં પ્રસિધ્ધિ અપાવેલ છે. મૌર્યકાળમાં ગિરનાર પર્વતને ઉજર્જ્યત અને જૂનાગઢશહેરને ગિરિનગર નાં નામથી ઓળખાતા હતાં.

ગિરનારની પરિક્રમાનું મહત્વ

ગિરનારની પરિક્રમાનું મહત્વ

ગિરનારએ અગ્નિક્રૂત પર્વત છે. જેના ઉપર સિધ્ધચોરાસી સંતોનાં બેસણા છે. સંતો-શુરાઓ અને સતીઓની આ પાવનકારી ભુમિ છે, કે જેના કણ કણમાં આદિ કવિ નરસિંહ મહેતા,સાહિત્યકારો, કવિઓ અને જગવિખ્યાત ગિરના સાવજની જગપ્રસિધ્ધીની મહેક પ્રસરી રહી છે આવી આ ધરતી માથે ઘણા વર્ષોથી યોજાતી પરિક્રમા દરવર્ષે યોજાય છે. જેને લોકભાષામાં પરકમ્મા અને લીલી પરકમ્મા પણ કહેવાય છે. ગરવા ગિરનારની ફરતે યોજાતી આ ૩૬ કી.મી. ની ચાર દિવસ પરિક્રમામાં જુદા જુદા સ્થળોએથી ભકતો આવે છે. આ પરિક્રમા કારતક સુદ અગીયારસે ચાલુ થાય છે અને પૂનમને દિવસે એટલે કે દેવ દિવાળીનાં દિવસે પુર્ણ થાય છે.

પરિક્રમાનાં સ્થળ

પરિક્રમાનાં સ્થળ

જૂનાગઢ શહેરથી ૫ કી.મી. દુર ગરવા ગિરનારની ગોદમાં કારતક સુદ અગીયારસે સવારથી જ ભવનાથ તળેટીમાં યાત્રિકો ભેગા થઈ જાય છે. તેજ દિવસે મધરાતે રૂપાયતનથી સંતો-મહંતો, જિલ્લા વહીવટી અધિકારીઓ અને અનેક અગ્રણીઓ સાથે અસંખ્ય ભક્તોની હાજરીમાં દિપ પ્રગટાવીને બંધુકનાં ભડાકા સાથે પરિક્રમાનો પ્રારંભ થાય છે.

ભવનાથનો મેળો

ભવનાથનો મેળો

મનુષ્યનું જીવન વેદના અને સંવેદનાની ખીણમાંથી પસાર થાય છે. એણે જે કંઈ સહન કર્યુ, જીરવ્યું, જોયું એની વેદના અથવા આનંદ વ્યકત કરતો રહે છે. વ્યક્ત કરવા માટેનું માધ્યમ કાવ્ય કે લેખ બને છે અને અનુભવવા માટે અલગ અલગ જગ્યાએ યોજાતા મેળાઓમાં જાય છે. આમ સૌરાષ્ટ્રમાં મુખ્ય જેવાકે રામનવમીના દિવસે ભરાતો માધવપુરનો મેળો ભકિત-કીર્તનનો મેળો ભરાય છે, ઋષિપંચમીના દિવસે તરણેતરનો મેળો યૌવન, રંગ, રૂપ, મસ્તી, લોકગીત, દુહા અને લોકનૃત્યનો મેળો ભરાય છે. જયારે ગરવા ગિરનારની ગોદમાં શિવરાત્રિ નાં દિવસે ભરાતો ભવનાથનો મેળો અલખના આરાધકોનુ મિલન સ્થળ છે જયાં ભારત ભરનાં સાધુ સંતો ભેગા થાય છે. જે ભારતમાં કુંભના મેળા પછી બીજા સ્થાને આવે છે.

નેમીનાથજીનાં દેરાસર

નેમીનાથજીનાં દેરાસર

ગિરનારની મહતા ધાર્મિક દ્રષ્ટિએ પણ ઘણી મોટી આંકવામાં આવી છે. જૈન ધર્મના જે પાંચ યાત્રાધામ આવેલા છે તેમાનું એક યાત્રાધામ એટલે ગિરનારપરર્વત પરનાં નેમીનાથજીનાં દેરાસર. ગિરનાર સાથે નેમીનાથજી અને રાજમતીનું નામ જોડાઈ ગયુ છે. પોતાના લગ્ન સમારંભ વખતે વધ કરવામાં આવનારા પશુઓનાં ભાંભરડા સાંભળીને રાજકુમાર નેમીનાથનું હૃદય હચમચી ઊઠ્યું. જેથી રાજપુત કુંવરે ત્યાગની દિશા લીધી, રાજમતીએ પણ સ્વેચ્છાએ ત્યાગની વાટ પકડી. ગિરનાર એમની તપસ્યા ભુમિ બન્યો. નેમીનાથજી અને રાજમતીની અપૂર્વ ત્યાગભાવનાથી ગિરનાર જૈનોનું તીર્થધામ બન્યો છે. આ જૈન દેરાસરનું જમીનથી લગભગ શિખર ૩૩૦૦ ફુટ ઉંચે છે.

અંબાજીનું મંદિર

અંબાજીનું મંદિર

ગિરનારનાં દર્શને આવનાર દરેક યાત્રાળુઓ ઘણી વખત બધાજ શિખરો ઉપર ચડી શકતા નથી પરંતુ જમીનથી લગભગ ૩૩૦૦ ફુટની ઉંચાઈએ આવેલ શ્રી અંબાજી મંદિરે પહોંચીને ધન્યતા અનુભવે છે. ગિરનાર ચડતી વખતે પ્રથમ પગથિયાની આસપાસનાં સ્થળને ભવનાથ તળેટી કહે છે.

ગોરખનાથનો ધુણો

ગોરખનાથનો ધુણો

આમ અંબાજીમાતાજીનાં દર્શન કર્યા બાદ ગુજરાત રાજયનાં સૌથી ઉંચા સ્થળમાં જેમની ગણના થાય છે. તે ગિરનાર પર્વતની સૌથી ઉંચી ટુંક એટલે કે ગોરખટુંક. જે ૩૬૦૦ ફુટની ઉંચાઈ વાળુ ગોરખ શિખર આવે છે. અહીં નાથ સંપ્રદાયનાં નવનાથ માનાં ગોરખનાથજીનો ધુણો અને તેમની ચરણ પાદુકા આવેલી છે. આ જગ્યાએ પહોચતાની સાથે જ કોઈ પણ માણસનાં ઉરમાં આનંદ ઉભરાવા માંડે છે. અહીંથી પુર્વબાજુ ઓઘડનાથની ટુંક આવેલી છે.

દતાત્રેયનો ધુણો

દતાત્રેયનો ધુણો

ગોરખનાથ ટુંકથી દત્તાત્રેય ટુંક સુધી પહોંચવા માટેનો રસ્તો ખૂબજ કઠીન ગણાય છે. અહીં ચડવા માટે પગથિયા તો છે, પરંતુ સમગ્ર આરોહણનો થાક ભેગો થાય છે. આમ ધીરે ધીરે થાક ખાતા યાત્રિકો પહોચી શકે તેવી આખરી દત્તાત્રેયટુંક આવે છે. અહીં ભગવાન દત્તાત્રેય નું મંદિર ત્રેતાયુગના સમયનું એટલે કે ભગવાન રામના જન્મ પહેલાનું છે. કહેવાય છે કે બ્રહ્મા, વિષ્ણુ અને શિવના સ્વરૂપે અનસૂયાની કોખે પ્રગટેલા દત્તાત્રય ભગવાને અહીં ૧૨૦૦૦ વર્ષ તપ કર્યું હતું. તેમનાં પગલાં અહીં સ્વયંભૂ પ્રગટ્યા છે.

દામોદર કુંડ

દામોદર કુંડ

જૂનાગઢ શહેરથી ત્રણેક કિલોમીટર ગિરનાર તરફ જતા માર્ગે પુરાણપ્રસિદ્ધ પ્રાચીન તીર્થ દામોદર કુંડ આવેલ છે, જેનું પૌરાણિક નામ બ્રહ્મકુંડ હતું. ત્યાં બ્રહ્માએ યજ્ઞ કર્યો હોવાથી આ તીર્થને પ્રાચીનકાળમાં બ્રહ્મકુંડ તરીકે ઓળખવામાં આવતું. દામોદરકુંડની ઉત્તરમાં કુમૂદ પર્વત આવેલો છે જેનું બીજું નામ ‘અશ્વત્થામા પર્વત' કહેવાય છે. સાત ચિરંજીવમાનાં એક અશ્વત્થામા પ્રતિદિન પ્રાત:કાળે બ્રહ્મમુહૂર્તમાં સંધ્યાવંદન કરવા આ તીર્થમાં આવે છે તેવી મુમુક્ષુઓની અનુભૂતિ છે. આદિ ભક્ત કવિ તેમજ સંતશિરોમણી શ્રી નરસિંહ મહેતા ગામમાંથી ચાલી પ્રતિદિન પ્રાત:કાળે દામોદર તીર્થમાં બારેમાસ સ્નાન કરવા આવતા તેમજ અહીં દામોદર મંદિરમાં બેસી અખંડ ભજન અને ભક્તિ કરતા. તેમજ આ કુંડની બરોબર સામે જ શ્રી રાધા દામોદરજીનું ખૂબજ પૌરાણિક અને જુના સમયનું ઐતિહાસીક મંદિર આવેલું છે.

અશોકનો શિલાલેખ

અશોકનો શિલાલેખ

અશોકનો શિલાલેખ જૂનાગઢથી ગિરનારનાં દર્શને જતા રસ્તામાં જમણી બાજુએ એકાદ કિલોમીટરે આવતુ પ્રથમ ઐતિહાસીક સ્થળ છે. આ શિલાલેખ મૌર્ય વંશમાં થયેલ અશોકના નામથી પ્રચલિત છે. આ ૭૫ ફુટનાં ઘેરાવામાં આશરે ૨૨૦૦ વર્ષથી પડેલા ઇતિહાસના અમુલ્ય વારસા સમા અશોકનાં શિલાલેખમાં ૧૪ આજ્ઞાઓ કોતરેલી છે. તેમાં યજ્ઞ કે શિકાર માટે પશુવધ ન કરવાનો, માણસો અને જનાવરો માટે ઔષધિઓનું વાવેતર કરવાનો, લોકોને ધર્મ બરાબર પાળવાનો, મિત્રો, બ્રાહ્મણો અને શ્રમણોનો સત્કાર કરવાનો, દરેક ધર્મ અને સંપ્રદાય પ્રત્યે સહિષ્ણુતા કેળવવાનો એમ વિવિધ ઉપદેશ અપાયા છે. ૨૨૦૦ વર્ષથી સચવાયેલ આ શિલાલેખને અત્યારે ભારત સરકારનાં પુરાતન વિભાગ દ્વારા સાચવવામાં આવ્યો છે. અને તેની દેખરેખ નીચે છે. ગિરનારની યાત્રાએ જતા યાત્રિકોએ આ સ્થળની મુલાકાત લેવી જોઈએ.

અ'વાદની સીદી સૈયદની જાળી છે બેનમૂન સ્થાપત્યની નીશાની

અ'વાદની સીદી સૈયદની જાળી છે બેનમૂન સ્થાપત્યની નીશાની

અ'વાદની સીદી સૈયદની જાળી છે બેનમૂન સ્થાપત્યની નીશાની
વધુ જાણવા માટે ક્લિક કરો...

English summary
Their life gone fail, Who never climb Girnar of Junagadh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X