વિશ્વ કપાસ દિવસ: ખેડૂત છો તો ચોક્કસથી વાંચો આ અહેવાલ, મળશે ઘણી કામની જાણકારી
Agriculture news : વિશ્વ કપાસ દિવસ (World Cotton Day) : સહારા રણ વિસ્તારના અવિકસિત ચાર આફ્રિકન દેશો બેનિન, બુર્કિનો ફાસો, ચેડ અને માલી દેશોને કપાસ ચાર દેશોનું જૂથ (Cotton Four Countries) તરીકે ઓળખવામાં આવે છે. આ જૂથ દ્વારા વિશ્વ વ્યાપાર સંગઠન (WTO)ને દર વર્ષની 7 ઓક્ટોબરના દિવસને વિશ્વ કપાસ દિવસ (World Cotton Day) ની ઉજવણી કરવા માટે પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
Cotton Four Countries ના આ પ્રસ્તાવને સંયુક્ત રાષ્ટ્ર સંઘ સ્વીકારીને વર્ષ 2020-21માં 7 ઓક્ટોબરના રોજ વિશ્વ કપાસ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેનો હેતુ વિશ્વના લોકોમાં કપાસમાંથી મળતા કુદરતી રેસાઓની અગત્યતા અને તેની આડ પેદાશો જેવી કે, ખાદ્ય તેલ, ખોળ, કરસાંઠી માંથી બનાવી શકાય તેવી વિવિધ વસ્તુઓ માટે જાગૃતતા લાવવી તેમજ કપાસની ખેતી દ્વારા અવિકસિત દેશોમાં આર્થિક વિકાસ તથા ગરીબી નાબૂદીમાં મદદરૂપ અવિકસિત અને વિકાસશીલ દેશોને કપાસના ઉત્પાદનને વેલ્યુ ચેઇનમાં સાંકળી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે વ્યાપારને પ્રોત્સાહિત કરવાનો છે.

આજે સમગ્ર વિશ્વમાં કપાસ સાથે સંકળાયેલી વિવિધ સરકારી સંસ્થાઓ, સહકારી સંસ્થાઓ, જિનિંગ ફેક્ટરીઓ કાર્યરત છે. સમગ્ર ભારતમાં ગુજરાત 2022-23માં કપાસનું ઉત્પાદનમાં મોખરે રહ્યું છે.
સમગ્ર ભારતમાં વર્ષ 2022-23ના કપાસના ઉત્પાદન અંગેની આંકાડાકીય વિગતો જોઈએ તો ગુજરાતમાં વર્ષ 2022-23ના વર્ષમાં 91.83 લાખ ગાંસડીઓનું ઉત્પાદન સાથે પ્રથમ ક્રમે રહ્યું છે. જ્યારે મહારાષ્ટ્રમાં 2022-23માં 80.25 લાખ ગાંસડી, તેલગણામાં 53.25 લાખ, રાજસ્થાનમાં 27.12 લાખ, કર્ણાટકમાં 21.04 લાખ, હરિયાણમાં 17.21 લાખ, આધ્રપ્રદેશમાં 17.85 લાખ, મધ્ય પ્રદેશમાં 15.19 લાખ ગાંસડીઓનું ઉત્પાદન થયું હતું.
ઐતિહાસિક ભૂમિકા - કપાસનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ કરવામાં આવ્યો છે. મોહે- જો દડોની સંસ્કૃતિના અવશેષોમાં પણ કપાસના અવશેષો જોવા મળ્યા છે. કપાસની વાવણી અંદાજે સાત હજાર વર્ષથી થાય છે. ભારત દેશમાં કપાસનું સ્થાન વર્ષોથી આર્થિકક્ષેત્રે મોખરે રહ્યું છે.
આઝાદી પહેલા કપાસ અને ગૃહઉદ્યોગો એકબીજાના પર્યાય હતા. ખેડૂતો/વણકરોની જીવાદોરી કપાસ હતો. અંગ્રેજ શાસનમાં ભારતમાં પેદા થતો દેશી કપાસ બ્રિટનની મીલોને અનુરૂપ ન હતો. ઈગ્લેન્ડની કાપડની મીલોને અનુરૂપ એવા કપાસ માટે સંશોધન કરવા બ્રિટીશરોને ફરજ પડી હતી.
અમેરિકન કપાસ જે લંબતારી હતો, તેનું ઘણા પ્રયત્નો બાદ ભારતમાં આગમન થયું. આઝાદીના ચળવળના પ્રણેતા અને દુનિયાના મહાન સત્યાગ્રહી નેતા મહાત્મા ગાંધીજીએ પણ ચરખાની મદદથી લોકો સ્વદેશી કાપડ અપનાવે તેવી ઝુંબેશ ચલાવી હતી.
ભારતમાં કપાસ - આઝાદી પહેલાના કાળમાં સમગ્ર દેશમાં દેશી કપાસની બોલબાલા હતી અને ઘરે-ઘરે હાથ ચરખા પર વણાયેલી ખાદી તેમજ કાપડના વપરાશનું ચલણ હતું. કપાસ સંશોધનને કારણે ધીમે-ધીમે દેશી જાતોનું વાવેતર ઓછું થતુ ગયું, અને તેની સામે અમેરિકન કપાસનું વાવેતર વધતું ગયું.
બ્રિટીશ શાસન દરમિયાન ભારતમાં અમેરિકન કપાસની જુદી-જુદી જાતોને પ્રચલિત કરવામાં આવી. તેમ છતા મીલોની જરૂરિયાત મુજબના કાપડ માટે ભારતે ઈજિપ્ત/પાકિસ્તાન જેવા દેશોમાંથી લંબાતારી કપાસ આયાત કરવો પડતો હતો. જેથી વિદેશી હુંડિયામણ ખર્ચાતુ હતું.
વર્ષ 1921ના ઈન્ડિયન સેન્ટ્રલ કોટન કમિટીની સ્થાપના થતા તેના સહયોગથી સંશોધન કાર્યને વેગ મળ્યો. દેશમાં અનેક સ્થળોએ કપાસના સંશોધન કેન્દ્રો કાર્યતર થયા. પરિણામે દેશમાં અમેરિકન કપાસની જાતોની બોલબાલા થઈ અને મધ્યમ તારી કપાસનું ઉત્પાદન વધ્યું હતું.
સુરત કપાસ સંશોધન કેન્દ્રનું કપાસક્ષેત્રે મહત્વપુર્ણ યોગદાન - ગુજરાતમાં સુરત, કાનમ અને વાગડ વિસ્તારમાં સોળમી સદીમાં કપાસના વાવેતરનો ઉલ્લેખ જોવા મળે છે. તે સમયે ભરૂચી-1, સુરતી-1, ઘોઘારી જેવી જાતો પ્રચલીત હતી.
દેશની પ્રથમ કાપડની મીલની ગુજરાતમાં વર્ષ 1843માં ભરૂચ ખાતે સ્થાપના થતા કપાસ વાવેતરને પ્રોત્સાહન મળ્યું હતું. ઈ.સ.1886માં બ્રિટીશર્સ દ્વારા સુરત ખાતે કપાસ સંશોધન યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. 1951માં સુરત ખાતેથી પ્રથમ અમેરિકન કપાસની જાત દેવીરાજ બહાર પાડવામાં આવી. જે બાદ દેવીતેજ, ગુજરાત-67, ગુજરાત કપાસ-100, ગુજરાત કપાસ-10 જેવી જાતો બહાર પાડવામાં આવી હતી.
1971માં રાજયમાં સુરત કેન્દ્ર ખાતેથી ડૉ. સી. ટી. પટેલ દ્વારા વિશ્વમાં સૌપ્રથમ વ્યાપારી ધોરણે વપરાતો સંકર કપાસઃ સંકર-4 ખેડૂતો માટે માન્ય કરતા દેશમાં અને દુનિયામાં કપાસની દ્રષ્ટિએ સફેદ ક્રાંતી આવી હતું. જે બાદ સુરત ખાતેથી ઉત્તરોત્તર નવા સંકરો જેવા કે, ગુજરાત કપાસ સંકર-6, 8, 10, 12 અને 14 ખેડૂતોને આપવામાં આવી હતી. એક સમયે કપાસમાં જીવાતોના પ્રકોપને કારણે કપાસના ખેડૂતોને અનેક મુશ્કેલીઓ સહન કરવી પડી હતી.
સુરત ખાતેથી આદિવાસી વિસ્તાર માટે ઈ.સ. 1977માં કલમી કપાસ, ગુજરાત કપાસ-101 આપી તે પણ દેશમાં પ્રથમ છે. દેશનો સર્વ પ્રથમ દેશી સંકર કપાસ, દેશી સંકર-7 પણ સુરત ખાતેથી આપવામાં આવ્યો. વર્ષ 2004માં ભારત સરકાર દ્વારા બીટીની માન્યતા મળતા ફરી પાછી કપાસની ગાડી પાટા પર ચડી અને ખેડૂતોમાં રોનક આવી હતી.
2012માં જાહેર ક્ષેત્રની દેશની પ્રથમ એવી બે બીટી જાતો, ગુજરાત સંકર-6, ગુજરાત કપાસ સંકર-8 બહાર પાડવામાં આવી. જે પણ તેના પ્રકારનું દુનિયાનું આગવું સંશોધન છે. આ ઉપરાંત વિશ્વની કપાસની વાવેતર હેઠળની મુખ્ય ચાર સ્પીસીસનું 3632 જર્મપ્લાઝમ અને 15 જેટલી જંગલી જાતોની જાળવણી પણ સુરત ખાતે કરવામાં આવે છે.
અત્યાર સુધીમાં 50 જાતો/સંકર જાતો ખેડૂતોને વાવેતર માટે આપવામાં આવી છે. આ ઉપરાંત પાક ઉત્પાદનની 62, પાક સંરક્ષણની 33 અને દેહધર્મની 11 મળી કુલ 106 જેટલી ખેડૂત ઉપયોગી ભલામણો કરવામાં આવી છે.
મુખ્ય કપાસ સંશોધન કેન્દ્ર સુરતની ઝાંખી, અઠવા ફાર્મ (નવસારી કૃષિ યુનિવર્સિટી-સુરત) - બ્રિટીશ શાસન દરમિયાન સને 1896માં સુરત ખાતે કપાસ સુધારણા યોજનાની શરૂઆત થઇ અને સને 1904માં પદ્ધતિસરનું કપાસ સંશોધન શરૂ થયુ હતું.
સુરત ખાતેના સંશોધન કેન્દ્રનો કુલ વિસ્તાર શરૂઆતમાં 111 હેક્ટર જેટલો હતો. આ કેન્દ્રના મુખ્ય ઉદ્દેશ્યોમાં જોઈએ તો કપાસની અનુકુળ જાતો અને સંકરોનું સંશોધન કરીને રાજ્યમાં કપાસ ઉત્પાદન વધારવુ, કપાસની માવજતો વિકસાવવી, પાક સંરક્ષણ તકનિકો અને રોગ-જીવાત પ્રતિકારક જાતો વિકસાવવી, કેન્દ્ર દ્રારા બહાર પાડવામાં આવેલી જાતો અને સંકર જાતોના માતૃ-પિતૃ ના ઉચ્ચ કક્ષાના શુદ્ધ બીજનું વૃદ્ધિકરણ અને વહેંચણી કરવામાં આવે છે. સુરત કપાસ સંશોધન કેન્દ્ર હેઠળ રાજયમાં 13 જેટલા કેન્દ્રો સંશોધન કરી રહ્યા છે.
ગુજરાતમાં કપાસ : રાજ્યના કુલ પાક વાવેતર પૈકી 22 ટકા વિસ્તારમાં વાવેતર થાય છે. જ્યારે કૃષિ આવકમાં 1/3 કપાસના પાકનું યોગદાન રહેલું છે. દેશમાં ઉત્પાદન અને ઉત્પાદકતામાં ગુજરાત રાજ્ય ઘણા વર્ષો સુધી નંબર-1 રહ્યું હતુ.
રાજ્યમાં બીટી કપાસની 500 કરતા વધુ સંકર જાતો વાવેતર માટે માન્યતા ધરાવે છે. કપાસ ઉત્પાદકતા 1960 માં 139 કિલો/હેક્ટર થી વધીને હાલમાં 600 કિલો/હેક્ટરની આસપાસ જળવાઇ રહે છે. વિદેશી ખરીદદારો માટે ગુજરાત રાજ્ય પસંદગીનું સ્થાન રહ્યું છે.
સને 1971માં ડૉ. સી. ટી. પટેલ દ્વારા વિશ્વનો સૌપ્રથમ વ્યાપારીક ધોરણે વવાતો, સંકર કપાસ, સંકર-4 વિકસાવવામાં આવ્યો અને કૃષિ ક્ષેત્રે સફેદ ક્રાંતિ સર્જાઇ હતી. જેના પરિણામે લંબતારી કપાસમાં પણ દેશ આત્મ નિર્ભર બન્યો છે.
સુરત કપાસ સંશોધન કેન્દ્રનું કપાસ સંશોધન ક્ષેત્રમાં આગવું સ્થાન - 1951માં દેવીરાજ દેશની સૌપ્રથમ લંબતારી અને આંતરજાતીય ઇન્ડો અમેરિકન જાત, 1971માં સંકર-4, 1977માં ગુજરાત કપાસ - 101, પછાત વિસ્તારનાં આદિવાસી ખેડૂતો માટે દેશનો સૌપ્રથમ બહુવર્ષાયુ કલમી કપાસ, 1984માં ગુજરાત કપાસ દેશી સંકર-7 જે દુનિયાનો સૌપ્રથમ દેશી સંકર કપાસ છે.
1989માં ગુજરાત કપાસ દેશી સંકર - 9 દેશી સંકર કપાસની સૌપ્રથમ લંબતારી, 2002માં ગુજરાત કપાસ એમડીએચ-11 જે નર વંધ્યત્વની તાંત્રિકતાથી વિકસાવેલી રાજ્યનો પ્રથમ દેશી સંકર, જયારે 2012માં ગુજરાત કપાસ સંકર - 6 (બીજી-2) અને ગુજરાત કપાસ સંકર - 8 (બીજી-2)જે વિશ્વની સૌપ્રથમ જાહેર સાહસની બીટી કપાસનાં સંકરજાત, 2014ના વર્ષમાં ગુજરાત કપાસ સંકર - 10 (બીજી-2) અને ગુજરાત કપાસ સંકર - 12 (બીજી-2) જે જાહેર સાહસનાં વધુ બે બીટી સંકર જાતની રિચર્સ કરીને સંશોધન કરવામાં આવ્યું હતું.
બીજ ઉત્પાદન કાર્યક્રમ : આ કેન્દ્ર દ્વારા બહાર પાડવામાં આવેલી કપાસની સ્થાયી જાતો તથા સંકર કપાસના નર-માદાનો બ્રીડર બીજ ઉત્પાદન કાર્યક્રમ લઇ દર વર્ષે બીજ ઉત્પાદકોને પૂરૂ પાડવામાં આવે છે. જાહેર ક્ષેત્રની બીટી સંકર જાતોના માતૃ-પિતૃના બીજ ઉત્પાદન કાર્યક્રમ પણ દર વર્ષે લેવામાં આવે છે. આ ઉપરાંત તુવેર તથા ડાંગર જેવા પાકોનું ખૂબ જ મોટા જથ્થામાં શુધ્ધ બીજ ઉત્પાદન કરી ખેડૂતોને આપવામાં આવે છે.
વિસ્તરણ પ્રવૃત્તિઓ - આ કેન્દ્રના વૈજ્ઞાનિકો રાજ્ય અને રાજ્ય બહાર યોજના વિવિધ તાલીમ કાર્યક્રમો, કૃષિ મેળાઓ, ખેડૂત શિબિરો, પ્રદર્શનોમાં ભાગ લઇ ખેડુતોને કપાસ અંગેની અદ્યતન અંગેની માહિતી આપવામાં આવે છે. આ ઉપરાંત કેન્દ્ર દ્વારા પણ સમયાંતરે ખેડૂતો માટે અલગ-અલગ પ્રકારનાં કાર્યક્રમોનું આયોજન કરીને કપાસનાં પાક પર કરવામાં આવેલા પાક ઉત્પાદન અને પાક સંરક્ષણ ટેકનોલોજીના ખેડૂતોમાં ખેતર પર પણ નિદર્શનો ગોઠવવામાં આવે છે.
અનુસ્નાતક શિક્ષણ : આ કેન્દ્રના અનુસ્નાતક શિક્ષણ માટે માન્ય થયેલા શિક્ષકો દ્વારા કૃષિ ક્ષેત્રે અનુસ્નાતક કક્ષાના એમએસસી અને પીએચડી પદવી માટેના સંશોધનો કરાવી તેના પરથી થિસિસ લખવામાં વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવે છે. આ કેન્દ્ર ખાતે કપાસ પાક પરના અનુસ્નાતક કક્ષાના વિવિધ ડિસિપ્લિનના પ્રયોગો પણ દર વર્ષે કરવામાં આવે છે.
કપાસના રોગોના નિયંત્રણ માટે લેવાનાં પગલાં:
કપાસનું વાવેતર કરતા ખેડૂતોએ આગોતરૂ આયોજન કરી કપાસમાં ઓછામાં ઓછી જીવાત આવે તે માટે જરૂરી ઉપયોગ કરી શકે છે જેનાથી રોગો પર નિયત્રણ મેળવી શકાય છે.
મૂળખાઇ અથવા મૂળનો સડો રોગના નિયંત્રણ માટે ટૂંકા ગાળે પિયત, સપ્રમાણે રાસાયણિક ખાતરોનો ઉપયોગ, ઝાયનેબ અથવા મેન્કોઝબ દવાનું 0.2 ટકાનું દ્રાવણ સુકાતા છોડની ફરતે જમીનમાં આપી 4 થી 5 દિવસ બાદ યુરિયા કે એમોનિયમ સલ્ફેટ ખાતર આપવાથી રોગનું પ્રમાણ ઘટે છે. ખેતરમાં કાર્બેન્ડાઝિમ 10 ગ્રામ પ્રતિ 10 લીટર પ્રમાણે છોડની ફરતે રેડવું.
સુકારો રોગ પાકની દરેક અવસ્થામાં જોવા મળે છે. જેનાં નિયંત્રણ માટે રોગિષ્ટ છોડનો નાશ કરવો. ખેતરમાં કાર્બન્ડાઝિમ દવાને 10 ગ્રામ પ્રતિ 10 લીટર પ્રમાણે છોડની ફરતે રેડવું.
નવો સુકારો (પેરાવિલ્ટ) રોગમાં સુકાયેલા છોડના પાન અને જીંડવા છોડ સાથે જોડાયેલા રહે છે, રસવાહિની રંગહીન કે મૂળમાં કોહવારો દેખાતો નથી. જ્યારે છોડ પર વધુ પ્રમાણમાં જિંડવાઓ હોય અને વાતાવરણમાં ઉષ્ણતામાન 35° સે. હોય ત્યારે આ પ્રકારના ચિન્હો જોવા મળે છે.
આ રોગના નિયંત્રણ માટે અસગ્રસ્ત છોડને ઉપાડીને નાશ કરવો. મૂળ વિસ્તારમાં સળિયાથી હવાની અવર-જવર માટે કાણા પાડવા.
સુકારાના નિયંત્રણ માટે ખેતરમાં સૂકારાની શરૂઆતના 12 કલાકમાં જ અસર પામેલા છોડની ફરતે 1 ટકા પોટેશિયમ નાઈટ્રેટ અથવા 2 ટકા યુરીયાના દ્રાવણ છોડની ફરતે રેડવાથી તાત્કાલિક સુધારો જોવા મળે છે.
અસરગ્રસ્ત ખેતરમાં ફુગ અન્ય રોગો અટકાવવા ફુગનાશક કાર્બેન્ડાઝિમ દવાનું 10 ગ્રામ પ્રતિ 10 લી. પ્રમાણે છોડની ફરતે રેડવું.












Click it and Unblock the Notifications
