સરકાર ખેડૂતોના દેવા માફ કરે, પાલ આંબલિયાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો
કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાએ ગુજરાતના મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને એક પત્ર લખ્યો છે. આ પત્ર કમોસમી વરસાદ અને અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને થયેલા નુકસાન અંગે તાત્કાલિક રાહત પેકેજ અને પાક ધિરાણ માફીની માંગણી સાથે લખવામાં આવ્યો છે.
પાલ આંબલિયાએ જણાવ્યું કે, સરકાર તેના માનીતા પાંચ-પચીસ ઉદ્યોગકારોને ઉદાર હાથે મદદ કરે છે, તો ખેડૂતોને કેમ નહીં? તેમણે વધુમાં કહ્યું કે, સરકાર ખોટા પેકેજ જાહેર કરવાને બદલે ખેડૂતોના ચાલુ વર્ષના પાક ધિરાણ સંપૂર્ણપણે માફ કરે. કિસાન કોંગ્રેસનું કહેવું છે કે જો સરકાર ઉદ્યોગપતિઓના 25 લાખ કરોડ માફ કરી શકે તો ખેડૂતોના પાક ધિરાણ કેમ માફ ન કરી શકે?

બનાસકાંઠામાં સપ્ટેમ્બર મહિનામાં ભારે વરસાદ નોંધાયો હતો. વાવ તાલુકામાં 499 MM કુલ મોસમી વરસાદ સામે 48 કલાકમાં 445 MM વરસાદ પડ્યો હતો. સુઈગામ તાલુકામાં 556 MM કુલ મોસમી વરસાદ સામે 48 કલાકમાં 475 MM વરસાદ વરસ્યો હતો, જ્યારે થરાદ તાલુકામાં 442 MM કુલ મોસમી વરસાદ સામે 48 કલાકમાં 400 MM વરસાદ નોંધાયો હતો. આટલા ઓછા સમયમાં આટલો મોટો વરસાદ પડવાથી પાકને ભારે નુકસાન થયું છે.
પાલભાઈ આંબલિયાએ સરકારની જાહેરાતો પર સવાલ ઉઠાવતા કહ્યું કે, ગયા વર્ષના ઓક્ટોબરના કમોસમી વરસાદના પેકેજનો હજુ એક રૂપિયો પણ ચૂકવાયો નથી. તેમણે ઉમેર્યું કે, જુલાઈ-ઓગસ્ટ 2024ના અતિવૃષ્ટિ પેકેજમાં 1769 કરોડની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ 500 કરોડ પણ ચૂકવાયા નથી. ગુજરાત કિસાન કોંગ્રેસે માત્ર જાહેરાતો નહીં, પરંતુ નક્કર પરિણામ સ્વરૂપે ખેડૂતોના ચાલુ વર્ષના પાક ધિરાણ સંપૂર્ણપણે માફ કરવાની માંગ કરી છે.
પાલભાઈ આંબલિયાએ મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, ખેડૂતોનો ખરીફ પાક તૈયાર છે ત્યારે જ કમોસમી વરસાદથી પાકને ભારે નુકસાન થયું છે. ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે પાક બચાવી શકાયો નથી. તેમણે 2017માં બનાસકાંઠામાં અને 2014-15માં ભાદર નદીમાં આવેલા પૂર સમયે જમીન ધોવાણ માટે પ્રતિ હેક્ટર 60,000 થી 80,000 નું સ્પેશિયલ પેકેજ આપ્યું હતું તેની યાદ અપાવી હતી.
વર્તમાન પરિસ્થિતિમાં જ્યારે ખેતરોમાં હજુ પણ પાણી ભરાયેલા છે અને નુકસાન ત્રણ ગણું વધારે છે, ત્યારે ખેડૂતોને પ્રતિ હેક્ટર ઓછામાં ઓછા 1 લાખ જમીન ધોવાણ માટે અને પાક નુકસાન સામે રાહત પેકેજ આપવાની માંગણી કરવામાં આવી છે. કિસાન કોંગ્રેસની સ્પષ્ટ માંગ છે કે સરકારે આ રાહત પેકેજને સ્પેશિયલ પેકેજમાં રૂપાંતરિત કરવું જોઈએ અને ખેડૂતોના ચાલુ વર્ષના પાક ધિરાણ માફ કરવા જોઈએ.












Click it and Unblock the Notifications
