શું છે GI ટેગ? જાણો તેનાથી ખેડૂતોને શું ફાયદો થાય અને કેવી રીતે મળે?
હાલમાં જ ગુજરાતના સૌથી મોટા જિલ્લા કચ્છની મીઠી ખારેકને જીઆઈ ટેગ મળ્યો છે. જીઆઈ ટેગની ચર્ચા વિશે મોટાભાગના ખેડૂતો આના વિશે નથી જાણતા. જીઆઈ ટેગથી ખેડૂતોને મોટો ફાયદો થાય છે.
GI નો સંપૂર્ણ અર્થ જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન છે. GI ટેગ ઉત્પાદનને તેના મૂળ પ્રદેશ સાથે જોડવા માટે આપવામાં આવે છે. GI ટેગ ઉત્પાદનની વિશેષતાઓ જણાવે છે.

સરળ શબ્દોમાં સમજીએ તો GI ટેગ જણાવે છે કે કોઈ ચોક્કસ ઉત્પાદન ક્યાં થાય છે અને અથવા તે ક્યાં બનાવવામાં આવે છે. તે ફક્ત તે ઉત્પાદનોને આપવામાં આવે છે જે તેમના પ્રદેશની વિશેષતા ધરાવે છે. સરળ શબ્દોમાં કહીએ તો જીઆઈ ટેગ એ વાતનું પ્રમાણ છે કે જે તે ઉત્પાદન માત્ર તે જગ્યાએ જ થાય છે.
GI ટેગ કોણ આપે છે?
ભારતની સંસદે વર્ષ 1999માં નોંધણી અને સંરક્ષણ અધિનિયમ હેઠળ સામાનના ભૌગોલિક સંકેતો લાગુ કર્યા હતા. જીઆઈ ટેગની શરૂઆત 2003માં થઈ છે. 2004માં પશ્ચિમ બંગાળની દાર્જિલિંગ ચાને પહેલીવાર GI ટેગ આપવામાં આવ્યું હતું.
GI ટેગથી શું ફાયદો થાય?
GI ટેગ દ્વારા ઉત્પાદનોને કાનૂની રક્ષણ મળે છે. એટલે કે સમાન નામ સાથે અન્ય કોઈ ઉત્પાદન બજારમાં લાવી શકાતું નથી. આ સાથે GI ટેગ ઉત્પાદનની સારી ગુણવત્તાનું માપદંડ પણ છે, જેના કારણે તે ઉત્પાદનનું બજાર દેશ તેમજ વિદેશમાં સરળતાથી મળી જાય છે. GI ટેગ દ્વારા તે ઉત્પાદન માટે રોજગારથી આવક વધારવાના દરવાજા ખુલે છે.
GI ટેગ મેળવવાની પ્રક્રિયા
ઉત્પાદન માટે GI TAG મેળવવા સૌ પ્રથમ વ્યક્તિએ અરજી પ્રક્રિયા પૂર્ણ કરવી પડે છે. કોઈપણ વ્યક્તિગત ઉત્પાદક અથવા સંસ્થા ભારત સરકારના વાણિજ્ય મંત્રાલય હેઠળ કાર્યરત કન્ટ્રોલર જનરલ ઓફ પેટન્ટ્સ, ડિઝાઇન્સ એન્ડ ટ્રેડ માર્કસ (CGPDTM) ને GI ટેગ માટે અરજી કરી શકે છે.
પુરાવાના આધારે CGPDTM તે ઉત્પાદનના યોગ્ય ધોરણોનું પરીક્ષણ કરે છે. આ ઉત્પાદન ધોરણોને પૂર્ણ કરે તો તેને GI ટેગ આપવામાં આવે છે.
10 વર્ષે રિન્યુ કરાવવું પડે છે
GI ટેગ માત્ર 10 વર્ષ માટે ઉપલબ્ધ છે. પછીથી તેને રિન્યૂ કરવુ પડે છે. GI ટેગ મળવાથી પ્રોડક્ટની કિંમત અને તેની સાથે જોડાયેલા લોકોનું મહત્વ વધે છે. નકલી ઉત્પાદનોને રોકવામાં મદદ કરે છે. તેના સાથે સંકળાયેલા લોકોને આર્થિક લાભ મળે છે.
300 થી વધુ ઉત્પાદનોને GI ટેગ અપાયા છે
હાલમાં દેશમાં 300 થી વધુ ઉત્પાદનોને GI ટેગ મળ્યો છે. તેમાં કાશ્મીરની કેસર અને પશ્મિના શાલ, નાગપુરની નારંગી, બંગાળી રસગુલ્લા, બનારસી સાડી, તિરુપતિના લાડુ, રતલામની સેવ, બિકાનેરી ભુજિયા, અલબાગની સફેદ ડુંગળી, ભાગલપુરની જરદાલુ કેરી, મહોબા પાન વગેરેનો સમાવેશ થાય છે.












Click it and Unblock the Notifications
