અવકાશમાં કોઈનું મોત થાય તો તેના મૃતદેહ સાથે શું કરાય છે? જાણો શું કહે છે નાસા?
હવે માણસ જાતે પોતાની હદોને વિસ્તારી છે અને તે પૃથ્વી છોડીને ચંદ્ર અને બીજા ગ્રહો તરફ મીટ માંડતો થયો છે. જો આ ખતરનાક સફરમાં ઘણી વખત વૈજ્ઞાનિકોને અકસ્માતનો સામનો પણ કરવો પડે છે અને જીવ પણ ગુમાવે છે.
દુનિયાભરના વૈજ્ઞાનિકો હાલ પૃથ્વી છોડીને સ્પેસ સ્ટેશનમાં સતત રિસર્ચ કરતા રહે છે. આ સ્થિતીમાં કોઈનું મોત થાય તો? આ સવાલનો આજે તમને જવાબ મળવાનો છે. આજે અમે તમને જણાવીશું કે જો અવકાશમાં કોઈનું મોત થાય તો તેના મૃતદેહ સાથે શું કરાય છે?

આ સવાલનો જવાબ આપતા પહેલા તમને જણાવી દઈએ કે આ બાબતે અમેરિકી સ્પેસ એજન્સી નાસાએ પટેલેથી જ નિયમો અને પ્રોટોકલ બનાવી દીધેલા છે. જ્યારથી સમાનવ અવકાશ યાન મોકલવાની શરૂઆત થઈ ત્યારથી અત્યારસુધીમાં 20 લોકોએ અવકાશમાં પોતાના જીવ ગુમાવ્યા છે.
હવે નાસા વર્ષો પછી ફરીથી પોતાના એસ્ટ્રોનોટને ચંદ્ર પર મોકલવાની તૈયારી કરી રહ્યું છે. નાસા 2025 માં ચંદ્ર પર ફરીથી માણસને ઉતારવા જઈ રહ્યું છે. આ સિવાય નાસાની મંગળ પર પણ અંતરિક્ષયાત્રીઓને મોકલવાની યોજના છે. જેમ જેમ અવકાશયાત્રીઓ અવકાશમાં જશે તેમ તેમ તેમના મોતનો ખતરો પણ વધી રહ્યો છે.
અવકાશમાં મૃત્યુ વિશે નાસાનો પ્રોટોકોલ બહુ સ્પષ્ટ છે. જો કોઈ પણ સફર દરમિયાન કોઈપણ અવકાશયાત્રીનું મોત થાય તો સૌથી પહેલા એ જોવામાં આવે છે કે ટીમના અન્ય મેમ્બર સુરક્ષિત રહે છે. એટલે કે અન્ય અવકાશયાત્રીઓની સુરક્ષા સૌથી મહત્વની કહે છે.
નાસા 2025 માં ચંદ્ર પર અવકાશયાત્રીઓને મોકલવાની યોજના બનાવી રહ્યું છે ત્યારે શક્યતા છે કે કોઈ વ્યક્તિ અવકાશમાં મૃત્યુ પામે. આ સ્થિતીમાં હવે સવાલ એ પણ છે કે તેના શરીરનું શું કરવામાં આવે?
જોકે ડોકટરો અવકાશયાત્રીઓની હેલ્થ માટે સતત નવી રીતો શોધી રહ્યા છે. ધ કન્વર્સેશન મેગેઝિનમાં સ્પેસ મેડિસિન અને ઈમરજન્સી મેડિસિનના પ્રોફેસર ઈમેન્યુઅલ ઉર્ક્વિટાએ કેટલાક પ્રશ્નોના જવાબ આપ્યા છે. ઇમેન્યુઅલ બેલર કોલેજ ઓફ મેડિસિનમાં કામ કરી રહ્યા છે અને તેમનું કહેવું છે કે ટ્રાન્સલેશનલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ હેલ્થ ખાતેની તેમની ટીમ અવકાશમાં જતા સંશોધકોને સ્વસ્થ રાખવા માટે શક્ય તેટલું કામ કરે છે.
તેમને જણાવ્યુ કે, જો કોઈ વ્યક્તિનું મૃત્યુ પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષાના મિશનમાં થાય તો ક્રૂ થોડા કલાકોમાં શરીરને કેપ્સ્યુલમાં પૃથ્વી પર પાછુ લાવી શકે છે. આ સિવાય જો ચંદ્ર પર કોઈ અવકાશયાત્રીનું મૃત્યુ થાય તો ક્રૂ થોડા દિવસોમાં મૃત શરીર સાથે પૃથ્વી પર પરત આવી શકે છે.
નાસા પાસે આ પરિસ્થિતિઓ માટે પહેલાથી જ પ્રોટોકોલ છે. નાસાની પ્રથમ પ્રાથમિકતા એ સુનિશ્ચિત કરવાની રહેશે કે બાકીના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફરે.
બીજી તરફ જો મંગળ ગ્રહ પર જતા દરમિયાન કોઈનું મોત થાય તો સ્થિતી અલગ હશે. આવી સ્થિતીમાં ક્રૂ અડધેથી પરત ફરી શકશે નહીં અને થોડા વર્ષો પછી ક્રૂ સાથે મૃતદેહ પરત લવાઈ શકે છે. મૃતદેહને ક્રૂ દ્વારા અલગ કમ્પાર્ટમેન્ટ અથવા ખાસ બોડી બેગમાં સાચવવામાં આવશે. અવકાશયાનમાં સતત તાપમાન અને ભેજ શરીરને બચાવવામાં મદદ કરશે. જો કે આ ત્યારે જ સંભવ છે જ્યારે મોત સ્પેસ સ્ટેશન અથવા અવકાશયાન જેવા દબાણયુક્ત વાતાવરણમાં થાય.
આ સિવાય જો કોઈ અવકાશયાત્રીનું મોત મંગળની સપાટી પર થાય છે તો ત્યાં તેના અંતિમ સંસ્કાર કરી શકાતા નથી. આ માટે જરૂરી ઉર્જા ઉપલબ્ધ હોતી નથી. આ સિવાય તેને દફનાવવામાં પણ સમસ્યાઓ છે. તેનાથી મંગળનું વાતાવરણ દુષિત થવાનો ભય રહે છે. આ સ્થિતીમાં તેને ખાસ બોડી બેગમાં પેક કરીને ધરતી પર પરત લાવવામાં આવી શકે છે.
જણાવી દઈએ કે 1986 થી લઈને 2003 સુધીમાં નાસાના 14 અવકાશયાત્રીઓના મોત થયા છે. 1971માં સોયુઝ 11 મિશન દરમિયાન ત્રણ અવકાશયાત્રીઓના મોત થયા હતા. આ સિવાય 1967માં એપોલો 1 લોન્ચ પેડમાં લાગેલી આગમાં ત્રણ અવકાશયાત્રીઓએ જીવ ગુમાવ્યા હતા.












Click it and Unblock the Notifications
